સંવત ૧૯૬૮ના ભાદરવા વદ-૩ને રોજ સભામાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “ભક્તચિંતામણિના પરચામાં ‘ઝીણાભાઈને શ્વેતદ્વીપમાં દીઠા’ એમ લખ્યું છે એનું શું કારણ હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્વેત એવું જે તેજ તેનો દ્વીપ કહેતાં સમૂહ એટલે તેજનો સમૂહ જે અક્ષરધામ તેમાં દીઠા એમ કહ્યું છે; પણ પરોક્ષ શ્વેતદ્વીપ છે ત્યાં દીઠા એમ ન જાણવું. વેદ તે પણ આવા મુક્તનાં વચન જાણવાં. આ મુક્ત શ્રીજીમહારાજના વેદ છે; તેમના મુખમાંથી વચન નીકળે તે વેદ સમજવા. વૈરાજના મુખમાંથી નીકળ્યા છે તે વેદ તો અવરભાવના છે, એમાં મૂળપુરુષથી પરની ઉપાસના નથી કહી. આ શ્રીજીમહારાજના મુક્તરૂપી વેદ છે, તે શ્રીજીમહારાજની ઉપાસના સમજાવે છે અને શ્રીજીમહારાજની પ્રાપ્તિ કરાવે છે; તેમ જ કર્મ ને જ્ઞાન તે પણ શ્રીજીમહારાજ સંબંધી કરાવે છે. આ તો પરભાવના વેદ છે. આ વાત અવશ્ય સમજવાની છે.”

“કેટલાક સાધુઓને મહારાજની ઉપાસના ન સમજાણી હોય તે સભામાં વાત કરે તોપણ વૈરાજ કે પ્રધાનપુરુષ કે પ્રકૃતિપુરુષથી બહાર નીકળતા નથી; એમાં ને એમાં ઘૂંચાઈ રહે છે. પરા, પશ્યંતિ, મધ્યમા ને વૈખરી એ ચાર વાણી તથા પરોક્ષ શાસ્ત્ર એ બધું ક્ષરમાં એટલે માયામાં છે; માટે એકાંતિકને તે કાંઈ જોઈએ જ નહિ. આપણા દેહના પ્રારબ્ધ તે પણ શ્રીજીમહારાજ પોતે જ છે. એક મહારાજની મૂર્તિ વિના બીજું કાંઈ છે જ નહિ; એવું કરી નાખવું. જો ઉપાસના પાકી હોય તો સારંગપુરના ૧૧મા વચનામૃતમાં કહ્યાં જે પાંચ સાધન તે સિદ્ધ થાય ને શ્રીજીમહારાજની પ્રસન્નતા થાય, ને શ્રીજીમહારાજ જેવો થાય.”

“આજ તો એ પાંચ સાધન પણ સિદ્ધ ન થયાં હોય ને ઉપશમ અવસ્થા પણ દૃઢ ન કરી શક્યો હોય તોપણ જો સ્થૂળ દેહે નિયમ પાળે તો તેનું કલ્યાણ અમારા હાથમાં છે.”

પછી વળી સ્વામીએ પૂછ્યું જે, “નિયમ કયા જાણવા?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શિક્ષાપત્રી, નિષ્કામશુદ્ધિ ને ધર્મામૃત એમાં કહ્યા પ્રમાણે વર્તવું એ નિયમ જાણવા ને તે પાળવા. પણ વાડ ઊઠીને ખેતરને ખાય તો તે ખેતરમાં શું પાકે? ભેળાઈ જાય. આજ્ઞા પાળવી ને અનુવૃત્તિમાં રહેવું, તો મોટા રાજી થાય. પણ જીવથી એટલુંય ન થાય ને મનનું ધાર્યું કરે. કેટલાક જપ, તપ કરે તેમાં તો આખી ઉમર નીકળી જાય તોપણ કલ્યાણ ન થાય ને લૂખો ને લૂખો રહે; પણ જો મોટા પુરુષ કહે તેમ કરે તો મોટા પ્રસન્ન થાય. મોટા કહે જે, ‘આ કર’ તો તે ન કરે ને ‘આ ન કરીશ’ કહે તો તે કરે, તો મોટા પ્રસન્ન થાય નહિ; માટે પ્રસન્નતાનાં સાધન કરવાં. અમારે તો આજ્ઞા પળાવીને ચોખ્ખું ચણક કરાવવાનું તાન બહુ છે, માટે આજ્ઞા યથાર્થ પાળે તો જ સુખી થાય.”

“આ સંપ્રદાયમાં આવીને સ્ત્રી-દ્રવ્યમાં આસક્ત થાય ને લોકોનો માર ખાય તે પોતાનુંયે બગાડે અને બીજાનુંયે બગાડે. આ લોકમાં હરાયાં ઢોરાંને ટોકરો બાંધે છે તે ખણખણાટ થાય છે; માટે તેવું હરાયા ઢોર જેવું થાવું નહિ. કેટલાક દ્રવ્ય રાખે છે ને ચૈતન્ય માયામાં બગડે છે. આ સત્સંગમાં અષ્ટસિદ્ધિ ને નવનિધિ હાજર છે. ઓ કહે છે કે મને લ્યો, ને ઓ કહે છે કે મને લ્યો, તોપણ દ્રવ્યરૂપી પાપ રાખે છે, તેનું તો ધર્મામૃતમાં શ્રીજીએ લખ્યા પ્રમાણે પાપ લાગે છે. કોઈ સાધુ યાત્રાએ જાય તેને ખાત્રી કરીને ટિકિટ કરાવી આપવી, પણ જે ઘણા પાસેથી લેતો હોય એવી ખબર પડે તો ટિકિટ પણ કરાવી આપવી નહિ. સાધુએ તો પ્રગટની જ યાત્રા કરવી. ગોર યજમાનનું સરાવવા વાડીએ ગયો હતો, તે પોતાના છોકરાને છાનો રીંગણીમાં રીંગણા લેવા મૂકીને સરાવવા લાગ્યો. ત્યારે છોકરાનું માથું દેખાણું એટલે ગોરે સમસ્યા કરી જે, ‘છૈયા! અરકે, અરકે, કેશ ફરકે, યજમાન બરકે; દો તોયરા દો મોયરા, દો ગોરી ગાયરા, દો તોરી માયરા’ એમ સાધુએ કદી ન કરવું.”

“એ દ્રવ્ય તો કાળા નાગ જેવું છે, તે સોડ્યમાં લઈને સૂએ તો કરડ્યા વિના રહે જ નહિ. માટે મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તવું, જેથી મહારાજ રાજી થાય. મહારાજની આજ્ઞા લોપીને પાપ ભેળું કરે તે પાપમાં કાંઈ નહિ વળે; એ પાપ તો ફગાવી દેવું. અને ધોતિયાં કોઠારમાં દેવસેવામાં આપી દેવાં ને મૂર્તિ રાખવી. એ પાપને સંભારે તોપણ મુખ ગંધાય એવું છે, માટે હવે એને નહિ સંભારીએ.”

“શ્રીજીમહારાજની મૂર્તિ લ્યો. શ્રીજીમહારાજ તો આ દ્વિભુજવાળા બેઠા. ક્યાં અનાદિમુક્ત ને ક્યાં મહારાજ! તેમનું પ્રમાણ અવરભાવવાળા શું કરી શકે? માટે આ ખોખાને મૂકીને જુદા પડશો ત્યારે બધુંએ સમજાવશું ને દેખાડશું.”

પછી ‘હરે!’ એવો શબ્દ બોલીને પછી બોલ્યા જે, “કથા સાંભળતાં રે હરે હરે કહી બોલે.”

પછી વળી સ્વામીએ કહ્યું જે, “મહારાજની મૂર્તિ સદા ભેળી દેખાય એવી કૃપા કરો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મૂર્તિ તો આ રહી. મૂર્તિનો વાંક નથી, પણ મૂર્તિને લેનારાની ખોટ છે તેથી સમજાતી નથી ને દેખાતી નથી.”

પછી વળી સ્વામીએ પૂછ્યું જે, “એનો ઉપાય શો હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મોટાને વિષે ને મહારાજને વિષે આત્મબુદ્ધિ હોય તો સદાય આ સભા ભેળી રહે, પણ આત્મબુદ્ધિ આવવી તે ઘણી કઠણ છે. આ ટાણે દિવસ છે, પણ અમો રાત્રિ કહીએ તો તે મનાય કે નહિ? જો રાત્રિ મનાય તો આત્મબુદ્ધિ થઈ જાણવી. વિશ્વાસ હોય તોપણ આત્મબુદ્ધિ ન થાય. જો આત્મબુદ્ધિ થાય તો જેમ કહીએ તેમ કરે.” ।।૧૦૨।।