સંવત ૧૯૬૯ના વૈશાખ સુદ-૧૩ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “જેટલી ગતિ મહારાજની છે તેટલી તેમના મુક્તની છે, જેટલું મહારાજ જાણે તેટલું મુક્ત જાણે, અને જેમ મહારાજ જાણતાં થકા અજાણતા છે તેમ જ મુક્ત પણ જાણતાં થકા અજાણતા છે. એવા જે નિર્ગુણ મુક્ત છે તેમના ગુણને તો મહારાજ પોતે ગાય છે. તે મહારાજે પ્રથમ પ્રકરણના ૩૭મા વચનામૃતમાં કહ્યું છે જે, ‘એનાં દર્શનને તો અમે પણ ઇચ્છીએ છીએ.’ માટે મોટા સંગાથે મન બાંધીને આત્મબુદ્ધિ કરીને વળગ્યા તો જેમ ગરુડની પાંખમાં મચ્છરિયું પેઠું તે ઠેઠ પૂગે; તેમ તે પણ ઠેઠ શ્રીજીમહારાજની મૂર્તિના સુખમાં પહોંચે.”

“મહારાજની મૂર્તિમાં મુક્ત સળંગ રસબસ રહ્યા છે તેમાંથી જેટલો લાભ લેવો હોય તેટલો મળે. જેમ પાસસમણિ, ચિંતામણિ, કલ્પતરુ તે પાસેથી જેટલું ચિંતવીએ તેટલું માયિક સુખ મળે; તેમ શ્રીજીમહારાજ પાસેથી તથા તેમના મુક્ત પાસેથી જેટલું ચિંતવીએ તેટલું દિવ્ય સુખ મળે. જેમ મહારાજ દિવ્ય છે તેમ મુક્ત દિવ્ય છે, પણ જોનારાની દૃષ્ટિમાં મનુષ્યભાવ જણાય છે. જ્યાં સુધી મહારાજના સુખનો અનુભવ થયો નથી ત્યાં સુધી તે સુખિયો થતો નથી. આ ટાણે તો ખરેખરો લાભ છે. તેમાં જે બનાવો તે બને તેમ છે, એ બહુ ભારે લાભ છે.”

“સતરૂપ મહારાજ ને સતરૂપ સંત ને તેમણે કહેલો એવો સતરૂપ ધર્મ, એ ત્રણેનું જેમાં વર્ણન હોય એવું સતરૂપ શાસ્ત્ર એ ચારેનો સંગ કરે તો પૂરો સત્સંગી કહેવાય.” ।।૧૨૨।।