સંવત ૧૯૭૦ના ફાગણ સુદ-૮ને રોજ બપોરે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “પંચ વર્તમાનમાં ફેર પડવા દેવો નહિ, અને જેને ફેર હોય તેના ભેળા રહેવું નહિ ને તેને ભેળો રાખવો નહિ. કોઈક કદાપિ ચમત્કાર જણાવે તો તેમાં તણાવું નહિ. એક મૂર્તિમાં જ તાન રાખવું ને કોઈ વ્યવહાર સંબંધી વિક્ષેપમાં ભળવું નહિ. મુમુક્ષુને તો આ દેહે શ્રીજીના અનાદિમુક્તનો જોગ કરીને મૂર્તિ સિદ્ધ કરવાની છે ને છેલ્લો જન્મ કરવાનો છે.”

પછી નડિયાદવાળા ઝવેરીલાલભાઈએ પૂછ્યું જે, “વરતાલમાં ભાણેજને ગાદીએ બેસાડવાનું કર્યું હતું તેમાં સદ્‌ગુરુ સ્વામી બળરામદાસજી સામા પડ્યા હતા, એવો વ્યવહાર આવી પડે ત્યારે કેમ કરવું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એ તો વ્યવહાર ન કહેવાય, એ તો ધર્મની બાબત છે; માટે એમાં તો ભળવું. એ તો શ્રીજીમહારાજનો પક્ષ રાખ્યો કહેવાય. જેમ મહાપ્રભુજીની આજ્ઞા લોપીને ધર્મકુળ વિના બીજાને ગાદીએ બેસાડવાનો વિચાર કર્યો હતો, તેમ જ કદાપિ વાડ ઊઠીને ખેતરને ખાય તેમ થતું હોય અથવા કોઈ આચાર્ય ભવિષ્યમાં એવા નીકળે જે દેવની મિલકતના ધણી થાવા ઇચ્છે, તો તેમાં પણ માથા સાટે દેવનો પક્ષ રાખવો; એ વ્યવહારમાં ભળ્યા ન કહેવાય. એ તો શ્રીજીમહારાજની પ્રસન્નતાનું સાધન છે. દેવની માલિકી કરાવવાને સારુ ધર્માદાનો પૈસો સરકારમાં વાપરવો પડે તો વાપરવો; તેમાં શ્રીજીમહારાજ કચવાય નહિ, પણ ઊલટા રાજી થાય.”

પછી કણભાવાળા આશાભાઈએ પૂછ્યું જે, “તેમાંથી જેમ સ્વામી બળરામદાસજીને દુઃખ આવ્યું જે મંદિરમાંથી કાઢી મૂક્યા એવું થાય તો શું કરવું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અન્યાય થતો હોય ને દેવનો પક્ષ રાખતાં થકા કાંઈ દુઃખ આવે તો ત્યાં હાજી, હાજી ન કરવું. એક મંદિરમાં રહીને ભગવાન ભજવા; પણ શિખરબંધ મંદિર ન કરવું.” ।।૧૩૪।।