સંવત ૧૯૭૩ના વૈશાખ વદ-૫ને રોજ સવારે સભામાં મધ્ય પ્રકરણનું ૫૦મું વચનામૃત વંચાતું હતું. તેમાં નદી, સતી ને પતંગ તથા શૂરાના દૃષ્ટાંતની વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ ત્રણે સાધનદશાની સ્થિતિના ભેદ છે, પણ સિદ્ધદશામાં તો જેને અહીં પરમ એકાંતિક મળ્યા હોય તેને પોતાના જેવી સ્થિતિ કરાવે તે તેજમાં મૂર્તિમાન થઈને મૂર્તિનું સુખ ભોગવે છે, અને અહીં જેને અનાદિ મળ્યા હોય તે મૂર્તિમાન થઈને મૂર્તિમાં રહીને સુખ લે છે. આવું સુખ પામવા સારુ આગળ સંતો ગોળા ખાઈને તથા ભૂખ, દુઃખ, ટાઢ, તડકો, વરસાદની ધારાઓ સહન કરીને સમાગમ કરતા. આજ તમને જ્યારે ઢગલા ને ઢગલા મળે છે ત્યારે એવો ખપ નથી. આજ તો આ ગામથી બીજે ગામ જવું હોય ત્યારે હરિભક્તો પૂછે જે, ‘સ્વામી! કેટલાં ગાડાં લાવીએ?’ તે હરિભક્તોને તો ઠીક જે સેવા થાય, પણ બેસનારને ખોટ આવે.”

“સદ્‌ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી તથા અક્ષરજીવનદાસજી સ્વામી તે તો બેસતા નહિ. સંવત ૧૯૬૨ની સાલમાં અમે ને સ્વામી અક્ષરજીવનદાસજી આદિ સૌ અમદાવાદ જતા હતા. તે મુળીથી કાળિયાણા ગયા ને ત્યાંથી આરતી ટાણે ચાલ્યા તે વિરમગામ ગયા. ત્યાં મંદિરમાં દર્શન કરીને રાત્રિના દસ વાગે ચાલ્યા તે સાજી રાત ચાલ્યા, અને સવારે સાબરમતી આવીને નાહીને પૂજા કરી અને અગિયાર વાગે અમદાવાદના મંદિરમાં આવ્યા.”

“સ્વામી અક્ષરજીવનદાસજી બહુ સમર્થ હતા. તેમને મંદવાડ હતો ત્યારે એક જણે કહ્યું જે, ‘તમે પ્રાયશ્ચિત્ત અધૂરાં બતાવ્યાં છે તે પાપ તમારે ભોગવવું પડે છે’, એમ માયિકભાવ પરઠ્યો.”

“મુળીમાં સદ્‌ગુરુ સ્વામી હરિનારાયણદાસજી મુક્ત હતા તેમને વિષે દોષ કલ્પેલો કાગળ અમારી પાસે આવ્યો હતો તે અમે ફાડી નાખ્યો. એમ અજ્ઞાની જીવ મોટાને વિષે દોષ ન હોય, પણ મોટાનું ખોટું દેખાડવા અવગુણ લે.”

“સદ્‌ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીનો મહિમા જાણીને નદી સ્પર્શ કરવા આવી હતી ત્યારે કેટલાક કહે જે, ‘એમને મૂઆ પછી પણ સુખ ન આવ્યું.’ પણ વર્ષાઋતુ નહોતી ને એકદમ પૂર આવીને સ્પર્શ કરીને પાછું તુરત જતું રહ્યું તોયે ખબર ન પડી. એ માયિકભાવના પરઠનારા નર્ક-ચોરાસીમાં ભમે. માટે મહારાજને ને મોટાને દિવ્ય જાણવા, પણ દેહધારી ન જાણવા ને એમને વિષે માયિક ભાવ પરઠવો નહિ.”

પછી સ્વામીએ પૂછ્યું જે, “દુષ્ટ વાસના કઈ જાણવી?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજીમહારાજની મૂર્તિ વિના બીજી ઇચ્છા રહે તે દુષ્ટ વાસના જાણવી.”

પછી ભુજના ઘેલાભાઈએ પૂછ્યું જે, “કોઈક ભક્ત દેહ મૂકે તેને જે સંતને વિષે અથવા હરિજનને વિષે હેત હોય તે અંત સમયે દેખાય છે, તે એ પોતે દેખાતા હશે કે કેમ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જેને વિષે હેત હોય તે રૂપે શ્રીજીમહારાજ દર્શન આપે, પણ સાધનદશાવાળા દર્શન આપી શકતા નથી. અને જે સિદ્ધ મુક્ત છે તે તો પોતે દર્શન આપીને તેડી જાય છે; પણ જે પરિપક્વ જ્ઞાની ન થયો હોય તેને સાધનદશાવાળારૂપે મહારાજ દર્શન આપે ને તેને જન્મ ધરવાનો બાકી રહે છે. અને જે પરિપક્વ જ્ઞાની થાય તેને તો મહારાજ ને મુક્ત પોતે દર્શન આપીને તેડી જાય છે, ને મૂર્તિના સુખે સુખિયો કરે છે.” ।।૧૭૫।।