સંવત ૧૯૭૩ના વૈશાખ વદ-૧૦ને રોજ સભામાં પ્રથમ પ્રકરણનું ૫૧મું વચનામૃત વંચાતું હતું. તેમાં એક પુરુષોત્તમ રહે છે એમ આવ્યું.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ગાડું મહારાજે વીંખી નાખ્યું ને એક પોતે જ રહ્યા. બીજું અક્ષરાદિક સર્વે નથી એમ કહ્યું તે જેમ ગાડામાં ખીલા હોય તે કાઢી નાખીએ તો ગાડું વીંખાઈ જાય, તેમ મહારાજે પૃથ્વીથી લઈને મૂળઅક્ષર સુધી બધું ખોટું કરી નાખ્યું ને એક પોતે જ રહ્યા. માટે એક મહારાજને રાખવા ને મૂર્તિમાં વળગી પડવું, પણ મૂર્તિ મૂકવી નહિ; તે એક ક્ષણવાર પણ ન મૂકવી. સાધુ થયા કે સત્સંગી થયા એટલે થઈ ગયું, એમ માનીને બેસી રહેવું નહિ ને હિલોળે ચઢી જાવું નહિ એટલે કાર્યમાં ખોટી થાવું નહિ.”

“મહારાજની માનસી પૂજા દિવસમાં પાંચ વાર કરવી, તે અડધો કલાક કે એક કલાક કરવી. માનસી પૂજા કરી રહીએ ને બે કલાક થાય પછી વળી માનસી પૂજા કરવી. એમ ને એમ માનસી પૂજા કરે તો મૂર્તિમાંથી નવરું થવાય નહિ.”

“સુંથ પાસે રામપુરમાં સુખરામ નામે બ્રાહ્મણ હતા. અમે એકાવનની સાલમાં અમદાવાદ ગયા હતા, ત્યાં એ આવ્યા હતા. તેમણે વાત કરી હતી જે, ‘હું આથી પહેલો અહીં આવ્યો હતો, ત્યારે સોનાનો દાગીનો વેચવા લાવ્યો હતો તે સોંઘો માગ્યો તેથી ન આપ્યો તે લઈને પાછો ઝાડીમાં જતો હતો ત્યાં માર્ગમાં માનસી પૂજા કરવા બેઠો ત્યારે ચોર આવીને દાગીનો છોડવા લાગ્યો તે વખતે મહારાજને માનસી પૂજામાં હું જમાડતો હતો તેથી જમાડવા પડ્યા મૂકીને કેમ ચોરની સાથે બોલાય? કે સાન પણ કેમ થાય? એમ જાણીને ચોરને દાગીનો લઈ જવા દીધો. જ્યારે હું માનસી પૂજા કરી રહ્યો ત્યારે ચોર તો જતો રહેલો. પછી મેં સંકલ્પ કર્યો જે, ‘મૂઆ! હું મહારાજને જમાડતો હતો ને તું છોડી ગયો તો તને ઢીંચણમાં પત્થર વાગો ને ભાઠાં પડો ને તું મરી જા.’ પેલા ચોરને દોડતાં દોડતાં વચમાં વોકળો આવ્યો, તેમાં પડી ગયો ને વાગ્યું. તે આગળ એક ગામમાં ધર્મશાળામાં પડ્યો હતો, ત્યાં લોટ માગીને ગયો ત્યારે મેં તેને ઓળખ્યો. પછી તે બીન્યો ને દાગીનો મને પાછો આપી દીધો, તે લઈને હું ગયો અને ચોર મરી ગયો. તે મારે મહારાજની માનસી પૂજા થઈ ને દાગીનો પણ આવ્યો.’”

“એવી માનસી પૂજા કરવી. કોઈકને ટોપલો, કોદાળી કે પાવડો દેખાડવો હોય એટલામાં પણ સાન કરે કે હાથ હલાવે; પણ માનસી પૂજા પૂરી કરે નહિ ને સાધુ કે સત્સંગી કહેવાતા હોય! માટે બહુ વિચાર કરવો ને મૂર્તિમાં સદાય રહેવું.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને કહ્યું જે, “સંવત ૧૯૫૫ના વૈશાખ-જેઠમાં હું લુણાવાડા ગયો હતો. ત્યાં આપનો પત્ર આવ્યો જે, ‘અમને રામજીભાઈ માંદા છે તેના કાગળો બહુ આવે છે જે, મને દર્શન દેવા પધારો, તેથી અમારે ઉપરદળ આવવાનું થશે; માટે તમે ત્યાં આવજો.’ એવો કાગળ જેઠ સુદ-૧૧ને રોજ આવ્યો ત્યારે મેં ધાર્યું જે બે-ચાર દિવસ સુખરામભાઈનાં દર્શન કરીને પછી જઈએ.”

“પછી અમે રામપુર ગયા, ત્યારે સુખદેવ ભક્તે કહ્યું જે, ‘અહીં દસ દિવસ રહો.’ ત્યારે મેં કહ્યું જે, ‘બાપાશ્રી અમદાવાદ તરફ પધારવાના છે એવો કાગળ આવ્યો છે, માટે અમારે બે-ચાર દિવસ રહીને જવું છે.’ પછી તે બોલ્યા જે, ‘બાપાશ્રી વૃષપુરથી જ્યારે નીકળશે ત્યારે તમને રજા આપીશું.’ ત્યારે મેં કહ્યું જે, ‘તમને શી રીતે ખબર પડશે?’ ત્યારે તે બોલ્યા જે, ‘મારે આવરણ નથી, માટે જે દિવસે નીકળશે તે દિવસે તમને રજા આપીશ.’ જ્યારે અમને દસ દિવસ થયા, ત્યારે સાંજ વખતે સુખદેવ ભક્તે કહ્યું જે, ‘આજ વૃષપુરથી બાપાશ્રી ભુજ આવ્યા, માટે તમે ભાતું કરો ને સવારમાં વહેલા નીકળો.’ ત્યાંથી અમે સવારમાં નીકળ્યા તે જે દિવસે આપ ઉપરદળ પધાર્યા તે જ દિવસે બે કલાક પહેલાં અમે ઉપરદળ આવ્યા ને પછી આપ પધાર્યા ને આપનાં દર્શન કર્યા. એવા સુખદેવ ભક્ત સમર્થ હતા.”

પછી બાપાશ્રીએ કહ્યું જે, “સત્સંગમાં એવાં ચીંથરે વીટેલાં રત્ન પડ્યાં છે.” ।।૧૭૮।।