સંવત ૧૯૬૨ના વૈશાખ વદિ-૯ની રાત્રિએ સાધુ નારાયણદાસજીએ પૂછ્યું જે, “અમને અનાદિ મહામુક્તરાજ સદ્‌ગુરુ સ્વામી નિર્ગુણદાસજીએ મૂળઅક્ષરથી પર શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામ નોખું છે એમ વાત કેમ નહિ કરી હોય?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સ્વામી તો મૂર્તિમાં રહેતા હતા અને જ્યારે અમે ભેગા થતા ત્યારે એવી જ વાત કહેતા. અમે ને સ્વામીશ્રી તો મૂર્તિમાં ભેગા છીએ, અને મૂર્તિમાં રહ્યા થકા અહીં દર્શન આપીએ છીએ. એમનું કાંઈ પણ અજાણ્યું નહોતું, પણ તે ટાણે ઉપાધિ કરનાર હતા. તે શ્રીકૃષ્ણથી પણ મહારાજને પર ન કહેવા દેતા તો તેથી પર મહાકાળ, અને તેથી પર નરનારાયણ, અને તેથી પર વાસુદેવબ્રહ્મ, અને તેથી પર મૂળઅક્ષરોના મુક્તો, અને તેથી પર મૂળઅક્ષરો, અને તેથી પર શ્રીજીમહારાજના એકાંતિક, ને તેથી પર પરમ એકાંતિક, ને તેથી પર અનાદિ, અને તેથી પર શ્રીજીમહારાજ છે એટલું બધું એકદમ શી રીતે કહેવાય? તેમાં તો ઉપાધિ બહુ જ થાય. એટલા માટે કહેતા નહોતા. પણ અમને કહેતા જે, ‘બાવો મોટા ને મઢી નાની’ તે મઢીમાં બાવો શી રીતે સમાય? તેમ જીવ નાના અને મહારાજનો મહિમા બહુ જ મોટો. તે જીવને શી રીતે સમજાય? માટે કોની આગળ કહીએ! મનમાં સમજી રહીએ છીએ, પણ કોઈને જેમ છે તેમ કહેવાતું નથી.”

“શ્રીજીમહારાજને શ્રીકૃષ્ણ જે મૂળપુરુષ તેથી પર કહીએ છીએ એટલામાં પણ ઉપાધિ થાય છે જે સ્વામીને વાતો ન કરવા દેવી. ને જો શ્રીકૃષ્ણથી મહારાજને પર કહે તો કાઢી મૂકવા. એકવાર કાઢી મૂકવાનો પણ ઠરાવ કર્યો હતો, પણ શ્રીજીમહારાજે શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજને રાત્રિએ સાક્ષાત્ દર્શન આપીને કહ્યું જે, ‘તેમને તો અમોએ જીવના ઉદ્ધારને અર્થે ને અમારો મહિમા તથા ઉપાસના સમજાવવા માટે મોકલ્યા છે. એ તો અમારી મૂર્તિમાં રહેલા અનાદિમુક્ત છે અને અમારી ઇચ્છાથી અમારી મૂર્તિમાં રહ્યા થકા અહીં દેખાય છે એવા સમર્થ છે. માટે એમને આ દેશમાંથી જવા દેશો નહિ. જો જવા દેશો તો એ તમારે ઘરેણારૂપ છે તે તમારા દેશનું ભૂષણ જતું રહેશે. શ્રી ગોપાળાનંદ સ્વામીને આ દેશમાં આવવાની અમે આજ્ઞા કરી હતી તેમને પણ આવવાની તમે ના પાડી તેથી એ પણ આવતા નહોતા અને વળી આ પણ જશે તો અમારી ઉપાસના કોણ પ્રવર્તાવશે? માટે એમને આ દેશમાં રાખો. એ જે વાતો કરે તે સત્ય માનજો, ને એમનું અપમાન કરવા દેશો નહિ. એ અમારી આજ્ઞા પાળશો તો અમો પ્રસન્ન થઈશું. એ તો અમારી ઇચ્છાથી દર્શન આપે છે, નહિ તો સ્વતંત્ર મુક્ત છે. અદૃશ્ય થઈ જશે તો અમારી ઉપાસના પ્રવર્તશે નહિ; માટે તેમને જવા દેશો નહિ.’ એમ કહીને શ્રીજીમહારાજ અદૃશ્ય થઈ ગયા.”

“સવારે શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજે સ્વામીશ્રીને બોલાવીને કહ્યું જે, ‘તમે જશો નહિ. તમને કોઈ ઉપાધિ કરતા હશે તે અમે નહિ કરવા દઈએ. શ્રીજીમહારાજના મહિમાની વાતો સુખેથી કરો.’ પછી સ્વામીશ્રી ગયા નહિ. તેથી મોટા મોટા સંતોએ આચાર્યજી મહારાજને કહ્યું જે, ‘તમે કેમ ના પાડી?’ એમ સંવાદ થયો. તે દિવસે હરિજનની ઘેબરની રસોઈ હતી ને ચોકમાં ચંદની તળે પંક્તિ થવાની હતી તે રંગોળી પૂરી હતી, પણ મહારાજશ્રી પીરસવા ઊઠ્યા નહિ, ને કહ્યું જે, ‘નિર્ગુણદાસજી સ્વામીને રાખવાની હા પાડો તો જ પીરસવા ઊઠીએ.’ સર્વે સંતોએ હા પાડી. મહારાજશ્રીએ કહ્યું જે, ‘અમને શ્રીજીમહારાજે દર્શન આપીને કહ્યું જે, ‘એમને જવા દેશો નહિ. એમને અમે મોકલ્યા છે, માટે અપમાન કરવા દેશો નહિ.’ માટે તમે કોઈ એમનું અપમાન કરશો નહિ ને તે જે વાતો કહે તે સાચી માનજો’ એમ મહારાજશ્રીએ વાત કરી. ત્યારે સર્વેએ કહ્યું જે, ‘બહુ સારું, મહારાજ.’ પછી મહારાજ પીરસવા પધાર્યા.”

“એવી ઉપાધિઓ વારંવાર થતી તેથી કહેતા નહિ, પણ જાણતા નહોતા એમ ન જાણવું. સ્વામીશ્રી તો બધુંય જાણતા, પણ ઉપાધિ થાતી એટલા સારુ કહેતા નહિ. માટે આજ સમજો, પણ સંશય કરશો નહિ. આવો જોગ મળ્યા છતાં નહિ સમજો તો તમારું ક્યાંય ઠેકાણું રહેશે નહિ. વચનામૃતમાં બધાય શબ્દ છે.”

વાર્તાની સમાપ્તિ કરીને બોલ્યા જે, “શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય અને આ સભાની માયાનો ક્ષય” એમ વર આપ્યો. ।।૧૯।।