સંવત ૧૯૭૫ના વૈશાખ વદ-૮ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “એક ગુરુ હતા તેમણે શિષ્યોને કહ્યું જે, ‘અમે દેહ મૂકશું ત્યારે નગારાં વાગશે.’ પછી તે ગુરુ દેહ મૂકી ગયા, પણ નગારાં તો ન વાગ્યાં. પછી એમના શિષ્યોએ શ્રીજીમહારાજને કહ્યું જે, ‘અમારા ગુરુએ કહ્યું હતું જે અમે દેહ મૂકશું ત્યારે આકાશમાં નગારાં વાગશે, પણ તે વાગ્યાં નહિ, તેનું શું કારણ હશે?’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘તમારા ગુરુની પાસે ચરણારવિંદની જોડ્યો ૨૪ છે તેમાં સૌથી તળે છે તે લઈ આવો.’ પછી સાધુ લાવ્યા, તેને મહારાજે ખંખેરી એટલે તેમાંથી રાતીચોળ જેવી ઈયળ પડી તે ઘડીક તરફડીને મરી ગઈ, પછી નગારાં વાગ્યાં. માટે સરત રાખજો, એમ ન થાય. કાગળના ચીંથરામાં હેત ન રાખવું.”

“ગોરધનભાઈના જેવું ઉપશમ કરવું એ આપણી સુષુપ્તિ છે. એવી મોટી સુષુપ્તિમાં રહેવું, પણ મહંતાઈ કે કોઠારું કે પટેલાઈ એમાં લોભાવું નહિ. અને જમવા બેસવું ત્યારે ખાટું, ખારું, મોળું, મીઠું એવો ભાવ આવવા દેવો નહિ; એમ કર્યા વિના ઉપશમ આવે નહિ ને રાગ ટળે નહિ. માટે મહાપ્રભુજીનું સુખ જેને લેવું હોય તેણે ખાધા-પીધાના, માન-મોટપના રાગ ટાળવા જોઈશે; તો મૂર્તિમાં ઉપશમ થાશે. મુળીમાં સ્વામી અક્ષરજીવનદાસજીએ સર્વે રાગ ટાળી નાંખ્યા તો દેહની વિસ્મૃતિ થઈ ગઈ છે ને સુષુપ્તિ (ઉપશમ)માં જતા રહ્યા છે ને મૂર્તિનું સુખ લે છે.”

“ગૃહસ્થે પણ વિચાર કરવો જે, ‘મારાથી સંતની સેવા ન થઈ અને અનીતિ તથા અવગુણ સામું જોવાણું નહિ ને વખત આવી ગયો.’ અને સંતને વિષે આત્મબુદ્ધિ કરવી ને અપમાન કરે તો સિદ્ધપુરના રણછોડલાલભાઈની પેઠે ગુણ લેવો. રણછોડલાલભાઈનું અયોધ્યાપ્રસાદજી મહારાજે અપમાન કર્યું ત્યારે એમ બોલ્યા જે, ‘આપ શ્રીજીમહારાજના મુક્ત છો ને મોટા મોટા ઈશ્વરોને તથા બ્રહ્મને તથા અક્ષરોને પણ આપનાં દર્શન દુર્લભ છે એવા મોટા છો તે આપ અપમાન કરો એવું મારું મોટું ભાગ્ય ક્યાંથી હોય!’ એવું નિર્માનીપણું ને દાસપણું આવે તેને કલ્યાણમાં કાંઈ બાકી રહે નહિ. એનું તો છતી દેહે કલ્યાણ થઈ રહ્યું છે.”

પછી બોલ્યા જે, “કથા વાંચો.”

પછી છેલ્લા પ્રકરણનું ૨૩મું વચનામૃત વાંચવા માંડ્યું. તેમાં ત્રણે ઋતુની માનસી પૂજાની વિક્તિ આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “પર્વતભાઈ સાંતી હાંકતાં હાંકતા માનસી પૂજા કરતા હતા, તે તાંસળું પડી ગયું; તેવી કરવી, પણ દોડાદોડ ન કરવી. શ્રીજીમહારાજના સ્વરૂપમાંથી કોઈક કાઢે ત્યારે નીકળાય એવી કરવી, પણ માનસી પૂજા કરતા હોય ને કોઈક પૂછે જે, ‘કપચાંની ટોપલી ક્યાં છે?’ ત્યારે સાન કરીને બતાવે એમ ન કરવું. જેટલી ઘડી માનસી પૂજા કે પૂજા કરવી ત્યાં સુધી મૂર્તિ વિના બીજું સંભારવું નહિ. મોટા આગળ માન મૂકે ને ગરજવાન થાય તો એવી સ્થિતિ થાય.”

‘માન મૂકી મહંતને મળિયે, જેમ વાળે તેમ વળીએ’ એ સાખી બોલ્યા.

પછી બોલ્યા જે, “જેમ વૈશાખ-જેઠમાં કોયલનું ગળું ઊઘડે અને અષાઢ માસમાં બપૈયાનું ગળું ઊઘડે, તેમ આ અવસર તેવો મળ્યો છે. સંવત ૧૮૩૭ની સાલથી આ અવસર આવ્યો છે. આવા મહારાજ ને આવા મુક્ત તે ક્યાંય નથી; અહીં જ છે. માટે તેનો કેફ રાખવો ને અધૂરું ન માનવું. આવો મહિમા ન સમજાય તેને નિશ્ચય નથી. જેમ બાળક પાસે રૂપિયાનો ને હીરા-માણેકનો ઢગલો કરીએ તોપણ ભૂખ્યો હોય તો રુવે; કેમ જે રૂપિયામાં બધી વસ્તુ છે તેની ખબર નથી. જ્યારે તેની ખબર પડે છે ત્યારે દરિયામાં દેહ ફગાવીને પણ કરકા સારુ રૂપિયા લઈ આવે છે. તેમ શ્રીજીમહારાજ પાસે બેઠા હોય, પણ નિશ્ચય ન હોય તો મહિમા ન સમજાય ને સુખ ન આવે. જો નિશ્ચય થાય તો ઠેઠ અક્ષર સુધી ખોટું થઈ જાય. અક્ષરથી પર અક્ષરધામ તેમાં પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ ને તેમના અનાદિમુક્ત રહ્યા છે, તેમની સભા આ બેઠી છે; માટે ‘ધામમાં જાવું છે જાવું છે’ એમ ન કરવું.”

“અને મુમના અઠે દ્વારકા કરી આવ્યા તે વટલાઈ ગયા એમ ન કરવું. એટલે જે મુક્ત ન હોય તેને મુક્ત જાણીને વળગી ન રહેવું. નિશ્ચયની વાત અટપટી છે, ને તે કહેતાં બીક લાગે છે જે રખે મૂળગેથી જાય. મોટા મોટા સંતને નિશ્ચયમાંથી બ્રહ્મા જેવા આવીને ડોલાવે તોપણ તેમને ડગમગાટ થાય નહિ એવા છે. મહારાજને ને મોટાને ઓળખવા જોઈએ.”

“આ લોકની સિદ્ધિઓ જે ખાવા-પીવાના પદાર્થ તેમાંથી રાગ ટળી જાય તો દેહની વિસ્મૃતિ થાય, ત્યારે કોઈ આવરણ કે કોઈ ધામ આડાં આવે નહિ.”

“મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને કહ્યું જે, ‘હે મહારાજ! મને ક્ષયરોગ થયો છે, તે મટાડો તો હું આપનો મહિમા કહીને આપની ઉપાસના પ્રવર્તાવું ને આપનો દિગ્વિજય કરું.’ પછી મહારાજે એમનો ક્ષયરોગ મટાડ્યો ને કહ્યું જે, ‘બેસો ખુરસીએ ને વાત કરો.’ પછી મુક્તાનંદ સ્વામી ખુરસીએ બેસીને વાત કરવા લાગ્યા ત્યારે સંત ઊઠી ગયા ને કેટલાક સંત તુંબડાં ઘસવા લાગ્યા ને કેટલાક પુસ્તક શોધવા મંડ્યા ને કેટલાક પાઠ ભણવા મંડ્યા. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, ‘મહારાજ! મારી વાતો તો કોઈ સાંભળતા નથી ને બધાય ઊઠી ગયા.’ ત્યારે મહારાજે કહ્યું જે, ‘બધાય ધામમાંથી આવેલા છે, તે તમારી વાતો સાંભળે તેવા નથી.’ પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, ‘મહારાજ હું એકલો જ સકામ થયો.’ માટે સકામ થાવું નહિ.” ।।૨૦૬।।