સંવત ૧૯૮૨ના માગશર વદ-૪ને રોજ સવારે પ્રથમ પ્રકરણનું ૨૫મું વચનામૃત વંચાતું હતું, તેમાં આત્મનિષ્ઠા અને નિશ્ચય વિના અપૂર્ણપણું રહે છે એ વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એકલાં સાધને સુખ ક્યાંથી આવે? સંતની ઇંદ્રિયોમાં રહીને મહારાજ પોષે છે એમ પ્રથમ પ્રકરણના ૨૭મામાં કહ્યું છે તે શ્રીજીમહારાજને લઈને છે (પણ જો એમને મેલ્યા તો થઈ રહ્યું.) અને એ સંત આધાર થયા -અક્ષરધામનો દરવાજો થયા- તે જો મહારાજની ચાકરી એવી કરે તો. સંત થવામાં દાખડો છે. જો મહારાજની અને મોટાની પ્રસન્નતાનાં સાધન કરે અને આજ્ઞા યથાર્થ પાળે તો સંત થાય. તે એક શ્લોકે, બે શ્લોકે, સો શ્લોકે, હજાર શ્લોકે કરીને એટલે એટલા જન્મે કરીને સંત થવાય. જો મોટાની પ્રસન્નતા ન કરે તો તે જ્યારે પ્રસન્ન કરે ત્યારે એવા સંત થાય. ઇંદ્રિયો છે તે આંધળો ઘોડો છે, તે ક્યાંય ફગાવે, તે જે નિયમ-ધર્મ રહિત હોય તે આંધળો કહેવાય.”

પછી સારી તુંબડીમાં મોહ પામે એ વાત આવી, ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તુંબડીમાં શું સારું-નરસું હશે? એ બધા મોહ છે. આગળ મંડળ અમદાવાદથી આવતાં તે ચાર માસ ભુજ રહે અને ચાર માસ ગામડામાં રહે અને ચાર માસ કરાંચીમાં રહે. એક વખતે વૃષપુર આવતાં વાડમાં એક તુંબડી સારી હતી તેના સામું બધાયનું મન ગયું તે બાઝાબાઝી કરે. પછી કુંવરજી પટેલે કહ્યું જે, ‘લાવો, મને બતાવો.’ પછી બતાવી તેને કુંવરજીભાઈએ ભાગીને એક એક કટકો વહેંચી દીધો. પછી તે સંત શરમાણા જે પટેલે આપણું નાક કાપી લીધું. જીવને મોહ છે તે આંધળો ઘોડો છે. ‘જુઓ જીવન મોહ નિદ્રામાંથી જાગી’ આવા સ્વામિનારાયણ ભગવાન અને સંત તે અનંત કોટિ બ્રહ્માંડમાં ન મળે તે આજ મળ્યા છે. મોંઘા હતા તે સોંઘા થયા.”

એવામાં મોટેરાના હરિજનો દર્શને આવ્યા તેમને માથે સાધુએ હાથ મૂકવાનું કહ્યું ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મોટેરાય મૂકવું પડશે અને અમદાવાદેય મૂકવું પડશે. પાકું કર્યા વિના છુટકો નથી. ઉપાસના, નિશ્ચય, આત્મનિષ્ઠા એ સર્વે પરિપક્વ જોઈએ, તો છતી દેહે દિવ્ય દેહ પામી રહ્યા જ. ‘મારું પૂરું કરી લીધું છે’ એમ જાણે તો ન થાય; માટે ચાર દિવસ રહેવું છે તેમાં પૂરું કરી લેવું.”

“સિદ્ધિઓ બહુ બગાડે છે. કોઈક જાણે જે સિદ્ધિઓ અક્ષરધામમાં જાતાં આવે છે, પણ એમ નથી. સેવા, સન્માન, અધિકાર આવે તે સિદ્ધિઓ કહેવાય. આ સિદ્ધિઓમાં ન લેવાયા તો બીજી સિદ્ધિઓ આડી આવે જ નહિ. રૂપ, રસ આદિકમાં ક્યાંય લેવાય જ નહિ, ત્યારે સિદ્ધિઓ જીતી કહેવાય. ‘કનક તજ્યો, કામની તજ્યો, તજ્યો ધાતુકો સંગ; તુલસી લઘુ ભોજન કરી જીવે માનકે રંગ.’ માન બહુ ઊંડું છે. મહારાજે તો સુખ ઘણું આપ્યું છે, પણ જીવથી ભોગવાય નહિ, તે બાળકિયા સ્વભાવ છે. સત્ય એવા ભગવાન, આત્મા, સંત તેને સત્ય જાણે તો મોહ ટળી જાય અને પરિપક્વ સત્સંગી ત્યારે કહેવાય. આજ્ઞા ન પાળે તેના કલ્યાણની ના પાડી દીધી.” ।।૨૪૪।।