સંવત ૧૯૮૨ના માગશર વદ-૧૧ને રોજ સવારે સારંગપુરનું ૧૩મું વચનામૃત વંચાતું હતું, તેમાં મહારાજનાં અને મુક્તનાં લક્ષણ જાણવાની વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજીમહારાજ ને સંત આજ સત્સંગમાં બિરાજે છે; પણ જે ગાળો બોલે, ચોરી કરે, જૂઠાં બોલે તેને ક્યાં ઓળખાણા છે? ‘મનમાં ખોટો ઘાટ થાય તે પણ શ્રીજીમહારાજ જાણે છે’ એવું નથી સમજાણું તેને નિશ્ચય નથી. અને સંપ્રદાયમાં બેઠા હોય ને કથા-વાર્તા કરે ને એમના કહેવાતા હોય તોપણ પણ આજ્ઞા ન પાળે તે શાહુકાર ચોર કહેવાય અને તેનો પરિપક્વ નિશ્ચય ન કહેવાય. આજ મહારાજ ને મુક્ત વિચરે છે તે સર્વેના ઘાટ-સંકલ્પ જાણે છે. સત્સંગમાં કુટાય અને ચોરી-દારીનો ત્યાગ ન થાય ને સારાં સારાં વસ્ત્ર-ઘરેણાં પહેરીને ફરે તે ઠગારો કહેવાય ને તેને કાંઈ લાભ મળે નહિ. જેમ તાબૂત ઉપાડવામાં પકડાય તે આવી ફસ્યા એમ જાણે, તેમ તે પણ જાણે જે સત્સંગમાં આવી ફસ્યા છીએ.”

તે ઉપર રામકૃષ્ણભાઈની વાત કરીને કહ્યું કે, “એવો નિશ્ચય કરવો ને આજ્ઞામાં રહીને કથા, વાર્તા, ધ્યાન, ભજન કરવું. કૂટી કૂટીને મરી જાઓ તોય વડોદરાનું રાજ્ય ન મળે, તે આજ સ્વામિનારાયણનું ધામ મળે છે. તે જુઓ તો ખરા! માયા મેલીને ભાગ્યા, પણ વળી વળીને ગળાં ઝાલે છે. ક્યાંય ન હોય તોપણ લૂગડાંમાં હોય. એક સાધુ મુંબઈથી લૂગડાં મંગાવીને રંગીને તે પહેરીને સભામાં આવ્યા તેનાં લૂગડાં સદ્‌ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ કઢાવી નંખાવીને સળગાવી મેલાવ્યાં. સંત તો મુળીમાં સ્વામી હરિનારાયણદાસજી હતા. તે રૂમાલ પણ એક આંટો આમ ને એક આંટો આમ બાંધતા અને વચનામૃત બધાં કંઠે હતાં; એવા થાવું અને સરત રાખવી.”

પછી બોલ્યા જે, “રાજાને પણ હાથ જોડીને મહેરબાન કહેવું પડે અને આજ સત્સંગમાં મહારાજ અને મુક્ત બિરાજે છે તેને ઓળખે તો શું ન કરે? મહારાજ અને મુક્ત ગરીબ થઈને માણસ ભેળા ફરે છે.”

તે ઉપર જેતલપુરના માંડણ ભક્તની વાત કરીઃ “જેતલપુરમાં મોટા આનંદ સ્વામીને કોઈકે કહ્યું જે, ‘આ માંડણ ભક્તને તમે ક્રિયા બતાવવી રહેવા દો; એમને ધ્યાનમાં વિક્ષેપ થાય છે.’ એ વચન સ્વામીથી ન મનાણું ને કહે જે, ‘માણસનો તોટો છે માટે કામ બતાવવું પડે છે.’ તેમને વાડીમાં રાખ્યા હતા. તે એક વખત ચાર વાગે માનસી પૂજા કરતાં તેજનો પ્રકાશ બહુ થયો તે પ્રથમ થોડું હતું તેમાંથી વધતું વધતું દેવ સરોવર તથા વાડી તથા મહોલ એ સર્વે તેજોમય થઈ ગયું. તે જોઈ આનંદ સ્વામી વગેરે મંદિરમાં બેઠા હતા, ત્યાંથી થોડાક સાધુને સાથે લઈને એમ વિચાર કરતાં ચાલ્યા જે આ તે આપણી વાડીમાં કાંઈ બળે છે કે શું? એમ જાણી વાડીએ આવ્યા ને તેજથી વીસ હાથ છેટે ઊભા રહ્યા ને વિચાર્યું જે આ તો અગ્નિ નથી, તેજ છે. પછી સૌ સોંસરા ચાલ્યા ત્યાં માંડણ ભક્તને માનસી પૂજા કરતા દીઠા ને મહારાજની મૂર્તિનાં સભા સહિત તેજમાં દર્શન સ્વામીને થયાં.”

“સ્વામીએ મહારાજની સ્તુતિ કરી તે વખતે મહારાજે કહ્યું જે, ‘આ માંડણ ભક્તને તમે કામ બતાવશો નહિ; કેમ જે એમને અમારા ભજનમાં વિક્ષેપ થાય છે ને એ તો મારી મૂર્તિનું અખંડ ચિંતવન કરે છે ને મારા સ્વરૂપમાં નિરંતર રહે છે, માટે કોઈ ક્રિયા બતાવશો નહિ.’ ત્યારે આનંદ સ્વામી ‘સારુ મહારાજ’ એમ કહીને મહારાજને પગે લાગ્યા. પછી મહારાજ તેજ સંકેલીને અદૃશ્ય થયા પછી સાધુ મંદિરમાં આવ્યા ને તે વાત સર્વેને કરી તે વાત સાંભળી સર્વે આશ્ચર્ય પામ્યા કે માંડણ ભક્ત તો સમાગમ કરવા જોગ છે, પણ મંદિરના વ્યવહાર કામમાં આપણે પ્રવૃત્તિને લીધે સમાગમ કરી શક્યા નહિ. ત્યાર પછી માંડણ ભક્તને મહારાજ એક મહિને તેડી ગયા.”

પછી બોલ્યા જે, “અમે વૃષપુરમાં પારાયણ કરી હતી ત્યારે અમને કોઈકે પાઘડી બંધાવી તે ઉજળી હતી અને પ્રથમની પાઘડી હતી તે કોઈક મહિમા જાણીને લઈ ગયો. પછી અમે તે પાઘડીને ધૂળમાં રોળીને બાંધી. અમે સાઠ-એંસી વરસથી ઊજળું લૂગડું પહેર્યું નથી. આપણે ધોળકે પરમ દિવસે ગયા ત્યારે લૂગડાં દીઠાં તે રંગ મળે જ નહિ, બીજો રંગ હતો. અને સંત દૂધપાક, માલપુવા, લાડુ આદિ નિત્ય નવી નવી રસોઈઓ આવે તે જમે અને અમે તો ભુજમાં સાધુ મોહનથાળ જમતા હતા તેને પૂછ્યું જે, ‘આ શું છે?’ ત્યારે તે બોલ્યા જે, ‘આવડા મોટા થઈને આનીયે ખબર નથી?’ ત્યારે અમે કહ્યું જે, ‘તમને એની ખબર કાઢવા મોકલ્યા છે.’”

“માણસાવાળા નરસીભાઈને ઉપરદળના રામજીભાઈએ કહ્યું જે, ‘મને મૂર્તિ દેખાતી નથી.’ પછી નરસીભાઈએ કહ્યું જે, ‘આવડાં બધાં લડધાં વધારીને મૂર્તિ લેવી છે?’ જીવ ચટણો થઈ જાય છે. સ્વામી અક્ષરજીવનદાસજી સર્વેને જમતાં જોતા જે આ સંત આટલું જમ્યા અને આ આટલું જમ્યા. જીવ રસ સારુ દુઃખિયા થાય. અમે તો ગોળ-ઘી ખાતા નથી; બાજરાનો રોટલો ને મઠની ખીચડી ખાઈએ છીએ. આગળ કેટલાક સંત દેહે જાડા અને મોટા હતા તે શ્રીજીમહારાજની મૂર્તિમાં રસબસ હતા તે મૂર્તિને સુખે સુખી હતા, પણ જમીને થયા નહોતા. સ્વામી નિર્ગુણદાસજી શ્રીજીમહારાજ વિના બીજું પેસવા દે નહિ એવા હતા ને ત્યાંથી જ આવેલા હતા.”

“ગૃહસ્થને છોકરો જન્મે ત્યારે તેમાં બહુ હેત થાય, પણ મોટો થાય ત્યારે શું સુખ કરી દે? કાંઈ ન કરે. જેમ ઝાઝાં છોકરાં તેમ ઝાઝું દુઃખ. અમે પણ છોકરાં સારુ અહીં આવ્યા છીએ.”

ત્યારે સંત બોલ્યા જે, “તમે તો હજારો જીવોને સુખિયા કરવા આવ્યા છો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ સત્સંગ આપણું ગોત્ર છે. તેમને તો સુખિયા કરવા જ છે, પણ માને કરીને પડી જાય તેને શું કરીએ? ભગવાનના ભક્ત આગળ માન રાખવું નહિ. બીજે રાખવું તે તો ઠીક, પણ મોટા આગળ અભિમાન રાખે તે નડે ખરું. સ્વામિનારાયણનો રસ કાંઈક આવ્યો હોય તો સર્વે મૂકી દેવાય.” ।।૨૪૬।।