સંવત ૧૯૬૨ના જેઠ સુદ-૩ને રોજ સાંજે સભામાં પ્રથમ પ્રકરણનું ૫૩મું વચનામૃત વંચાતું હતું. તેમાં અવગુણ ન લેવા વિષેની વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સો જણાની પાસે ગુજરાતી પાશેર પાશેર ભાર હોય તે કોઈને જણાય નહિ, પણ એ સર્વે ભાર એકની પાસે આવે તો ભારે થઈ પડે. તેમ સો જણાનો અકેકો અવગુણ લે તો સો અવગુણ આવે અને અકેકો ગુણ લે તો સો ગુણ આવે; માટે સર્વે સંત-હરિજનોના ગુણ લેવા. દેહસ્વભાવ જોઈને અવગુણ લેવા નહિ. પંચ વર્તમાનમાં ફેર હોય તો અવગુણ લેવો. કોઈકને શિખામણ દેવી તે પણ શુદ્ધ સત્ત્વગુણમાં રહીને કહેવું. પોતામાં રજ, તમાદિક ગુણ આવે ને પ્રકૃતિને વશ થઈને કહે તો પોતાનું સુકૃત કરેલું હોય તે બળી જાય. માટે દયા રાખવી. તેનો ઉદ્ધાર થાય તેવી રીતે કહેવું, પણ શિખામણ દેતાં શિક્ષા થાય તેમ ન કરવું. કોઈએ ધર્મ લોપ્યો હોય તેને સમજાવીને પ્રાયશ્ચિત્ત કરાવીને ઠેકાણે પાડવો. જો ન માને તો તેનો ત્યાગ કરવો. પ્રાયશ્ચિત્ત પણ એક વાર ભૂલ્યો હોય તેને કરાવવું. બીજી વાર ભૂલે તો કાઢી મૂકવો. ધર્મ પાળતો હોય, પણ જો ભગવાન ભુલાવે એવો હોય તો તેનો પણ ત્યાગ કરવો. જે પંચ વર્તમાનમાં કુશળ હોય અને બીજા સ્વભાવ-પ્રકૃતિ કાંઈક હોય તેનું તો પૂરું કરીશું, પણ ઉપાસનામાં ફેર હશે તેનું તો અધૂરું રહેશે. સત્સંગનો અવગુણ બહારવૃત્તિવાળાને આવે છે. જો અંતર્વૃત્તિ થાય તો સર્વે સત્સંગ દિવ્ય જણાય.”

ત્યારે પાટડીના નાગજીભાઈએ પૂછ્યું જે, “અંતર્વૃત્તિ તે શું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અંતરમાં મહારાજના સુખે સુખિયા થવાય અને જેમ બાળકની ક્રિયા માવતર કરાવે છે તેમ દેહની ક્રિયા શ્રીજીમહારાજ અનુસંધાન પ્રમાણે કરાવે, પણ તેની ખબર પોતાને રહે નહિ ને જેમ ગોરધનભાઈની ક્રિયા મહારાજ કરાવતા તેમ થાય તે અંતર્વૃત્તિ કહેવાય. એવાને સત્સંગ દિવ્ય જણાય અને કોઈનો અવગુણ આવે નહિ. જેને પોતાના દોષ ટળી જાય તેને બીજા કોઈનો દોષ સૂઝે નહિ. સર્વે એક બાપના દીકરા જણાય. વહેલા-મોડા સર્વે મહારાજ પાસે જશે એમ જાણે તો દોષ ન આવે. જેમ અગ્નિ જળે કરીને ઓલાય છે તેમ પોતાને વિષે દોષ ન હોય તે બીજાને નિર્દોષ જાણે. જેના હૃદયમાં મહારાજની મૂર્તિ આવે છે તેને કોઈના દોષ સૂઝતા નથી.”

તે વખતે વૃષપુરના મંદિરમાં બાગને સાધુ પાણી પાતા હતા તે દૃષ્ટાંતે વાત કરી જે, “જેમ આંબા, લીંબુ, દાડમ આદિકની કૂંપળોને પાણી મળતું જાય છે તેમ તેમ નવી નવી કૂંપળો ફૂટતી જાય છે અને ફળ બેસતાં જાય છે ને પહેલાં બેઠેલાં ફળોમાં પાણી ભરાઈને રસદાર થાતાં જાય છે અને બીજાં નવાં નવાં બેસતાં જાય છે; તેમ જીવ જેમ જેમ મોટાનો જોગ કરતો જાય છે તેમ તેમ વૃદ્ધિ પામતો જાય છે. શ્રીજીમહારાજની મૂર્તિમાં ગયા કેડે પણ આગળનાં ભોગવેલાં સુખ રહે છે અને બીજાં નવાં નવાં સુખ આવતાં જાય છે. જેમ કૂંપળો પાણી મળવાથી વધે છે અને લૂક લાગે તો બળી જાય છે તેમ જીવ મોટાને જોગે વધતો જાય છે અને કોઈ ભગવાનના ભક્તનો અવગુણ આવે તો લૂક લાગી તે જીવનો નાશ થઈ જાય છે.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “એણે ભક્તિ કરી હોય તે રહે કે નાશ થઈ જાય?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “થોડો દ્રોહ કર્યો હોય તો તેને પાણીવાળો સજીવન પર્વત કરે તે એના ઉપર ઝાડ, ફળ, ફૂલ થાય અને ઉપર પાણી હોય માટે તે કોઈક સમયે ભગવાન કે ભગવાનના સંતના જોગમાં કે ઉપયોગમાં આવે તે વખતે એને કાઢીને સત્સંગમાં લાવે. જેમ હિમાચળને લાવ્યા તેમ લાવીને મોક્ષ કરે. જે ઘણો દ્રોહ કરે તેને સૂકો પર્વત કરે તે કોઈના ઉપયોગમાં ન આવે તેથી મોક્ષ ન થાય.”

ત્યારે વળી સ્વામીએ પૂછ્યું જે, “હિમાચળનો મહારાજે કેવી રીતે મોક્ષ કર્યો?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજીમહારાજ વનમાં વિચર્યા ત્યારે હિમાચળમાં ગયા તે વખતે હિમાચળે મનુષ્યરૂપે આવીને શ્રીજીમહારાજને પગે લાગીને બે કેરીઓ ભેટ મૂકી. તેને મહારાજે જમવા માંડી ત્યારે તેણે પ્રસાદીની ઇચ્છા કરી. મહારાજ તો ગોટલાં-છોતરાં સહિત જમી ગયા. તેણે સંકલ્પ કર્યો જે, ‘જળમાં હાથ ધોશે ને જળ પીશે તે પ્રસાદીનું જળ હું પીશ.’ મહારાજે તો હાથ પણ ન ધોયા અને જળ પણ ન પીધું અને બોલ્યા જે, ‘કેમ ઊભા થઈ રહ્યા છો?’ તે બિચારો નિરાશ થઈને ઘણો દિલગીર થઈ ગયો. મહારાજ દયા લાવીને બોલ્યા જે, ‘તમારે પ્રસાદીની ઇચ્છા છે, તો અમો સત્સંગમાં જઈએ ત્યારે તમે ગઢડે આવજો. ત્યાં પ્રસાદી આપીશું અને આ પર્વતમાંથી કાઢીને સત્સંગમાં લાવીને મોક્ષ કરીશું.’ પછી તે અદૃશ્ય થઈ ગયો.”

“જ્યારે શ્રીજીમહારાજ વનમાં ફરતાં ફરતાં વસ્તીમાં આવ્યા ને ગાદીએ બેઠા ત્યારે હિમાચળ બ્રાહ્મણને વેષે ગઢડે આવ્યો. તેણે ઝોળીમાંથી ભારે ભારે વસ્ત્ર-આભૂષણ કાઢીને મહારાજની પૂજા કરીને પ્રસાદી માગી. મહારાજ પ્રસાદી આપીને બોલ્યા જે, ‘ડોસા! અહીં રાત રહો, સવારે જજો.’ ત્યારે તે બોલ્યો જે, ‘ઘણા દિવસથી ઘર મૂક્યું છે માટે થોડોક દિવસ છે તે ગાઉ-બેગાઉ જઈને જ્યાં રાત પડશે ત્યાં રહીશ.’ એમ કહીને ચાલ્યો તે થોડેક છેટે જઈને અદૃશ્ય થઈ ગયો. ત્યારે સદ્‌ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, ‘હે મહારાજ! એ કોણ હતો?’ ત્યારે મહારાજે વનમાં બનેલી બધી વાત કરી જે, ‘અમો હિમાચળમાં ગયા હતા ત્યારે એને પ્રસાદીની ઇચ્છા હતી, પણ અમે આપી નહોતી; કેમ જે અમારી પ્રસાદી જમે તે જ વખતે પાપ સર્વે બળી જાય તો એને પર્વતમાંથી બહાર કાઢવો પડે. તે વખતે એના ઉપર ઝાડ-બીડ હોય તે સર્વે બળી જાય. માટે આજ પ્રસાદી આપીને કાઢ્યો અને બીજો એવો ભગવાનના ભક્તનો અપરાધી શોધી રાખ્યો હતો તેને માંહી પ્રવેશ કરાવ્યો.’”

“એમ અપરાધનું ફળ મહા દુઃખદાયી છે. અપરાધથી બહુ બીવું ને કોઈ કીડી જેવા જીવનો પણ દ્રોહ કરવો નહિ. સત્પુરુષના દ્રોહમાં ભગવાનનો દ્રોહ આવી જાય છે; જેમ રાણીના દ્રોહમાં રાજાનો દ્રોહ પણ ભેળો આવી જાય તેમ. જેમ પાત્રમાં ઘી હોય તે પાત્રને જે ફોડે તેણે ઘીનો દ્રોહ કર્યો કહેવાય તેમ પાત્રને ઠેકાણે સત્સંગ ને મંદિરો છે અને ઘીને ઠેકાણે શ્રીજીમહારાજ છે. માટે જે સત્સંગનો ને મંદિરનો દ્રોહ કરે તેણે શ્રીજીમહારાજનો દ્રોહ કર્યો કહેવાય. જ્યારે જીવને સત્સંગમાં સંતનો અને હરિજનનો અવગુણ આવે ત્યારે માથું ફરી જાય છે અને દિશ ભૂલી જવાય છે. તેથી મોટાનું વાળ્યું પણ પાછું વળાતું નથી, કેમ જે એમણે કારણ ઓળખ્યું નથી. જે કારણને એટલે મહારાજ અને મુક્તને ઓળખીને તેમને વળગે તેને દેશ, કાળ નડી શકે નહિ અને કોઈ વિઘ્ન પણ આવે નહિ. એને માન, મહોબત, અધિકાર કે ગાદી એ કોઈ વસ્તુ જોઈએ જ નહિ.” ।।૩૮।।