સંવત ૧૯૬૨ના જેઠ સુદ-૪ને રોજ બપોરે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “જેમ વર પરણવા જાય અને ત્યાં જમે, રમે અને જ્યારે વરને હથેવાળો મેળવવા વખત આવે ત્યારે માંકડાં રમતાં હોય ત્યાં જોવા જાતો રહે; તેમ આ જીવ મહાપ્રભુજીને પામવા સારુ સત્સંગમાં આવ્યા છે તે ધ્યાન કરવા વખતે નવરા રહેતા નથી અને વ્યાવહારિક કામમાં વળગી પડે છે; તે ઉપર દૃષ્ટાંત દીધું એવું છે. માટે વસ્તુ કેવી પામવી છે તેનો તપાસ કરવો જોઈએ. આપણને કેવી મોટી પ્રાપ્તિ છે! માટે મૂર્તિ ધારવી ને બીજા ઠરાવ પડ્યા મૂકવા.”

“શાસ્ત્રમાં તથા વ્યવહારમાં જાણતા હોઈએ તેનું તથા મૂર્તિ દેખતા હોઈએ તે સર્વેનું માન આવવા દેવું નહિ. માન બહુ ઝીણું છે તે કોઈથી મુકાય એવું નથી; મૂકે તો દેહ રહે નહિ. માનીની સેવા કાળના કોદરા જેવી છે. કદાપિ માન મૂકે તો નિર્માનીપણાનું માન આવે જે, ‘હું કેવો નિર્માની છું!’ તે પણ જીવનું બગાડે છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, તપ, ત્યાગ, આત્મનિષ્ઠા, બ્રહ્મપણું, સેવા, પૂજા, ધ્યાન, ભજન એ આદિક ગુણનું માન આવે તોપણ એકાંતિક થવા દે નહિ. માટે જેનું નામ પડ્યું તે સર્વે કાઢી નાખવું. એક મૂર્તિ રાખવી. જેને મૂર્તિમાં લીન થાવું હોય તેને મૂર્તિ વિના બીજા સર્વેનો ભાર કાઢી નાખવો. મહિમા, નિર્માનીપણું, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, એ બધું કરતા રહેવું; પણ મૂકી દેવું નહિ. તેનો ભાર રાખે જે, ‘મારે વિષે આવા ગુણ છે કે હું બ્રહ્મરૂપ છું’ એમ જાણે તો મૂર્તિથી પાછો વળ્યો.”

“મહાપ્રભુજીની મૂર્તિ પામવી તે બહુ ઝીણી વાત છે. માટે બહુ પ્રકારે તપાસ કરવો. મૂર્તિથી ઓરું બધું વિસારવું. મૂર્તિ પામવા માટે ઉપર કહ્યા જે રૂડા ગુણ તે મેળવવા; પણ મૂર્તિમાં દૃષ્ટિ પહોંચ્યા પછી એ જે સાધનરૂપી રૂડા ગુણ તે સામું જોવું નહિ; એક મૂર્તિ આકારે જ દૃષ્ટિ રાખવી. જેમ પાણી લાવવા માટે સામાન ભેળો કરે છે અને પાણી થયા પછી સામાન મૂકી દે છે તેમ. માનકુવાના મૂળજી અને કૃષ્ણજીએ ઉપાધિ ન ગણી અને પોતે ભગવાં લૂગડાં પહેરીને મહારાજ પાસે આવ્યા તેમને મહારાજે અપમાન અને તિરસ્કાર કરીને કાઢી મૂક્યા. કોઈ બોલાવે નહિ ને માગ્યું અન્ન પણ કોઈ આપે નહિ એવો બંદોબસ્ત કર્યો; તોપણ એ અપમાનની અને વિમુખપણાની માનીનતા રાખી નહિ અને મહારાજને મૂક્યા નહિ. એવી સમજણ આવે ત્યારે મુક્ત કહેવાય.”

“એવા પાકા હરિભક્તને મંદિરમાં કારભારી રાખ્યા હોય તો સત્સંગમાં બગાડ થવા દે નહિ. એવા ગુણ ન આવ્યા હોય તેનું અપમાન થાય કે પગાર તૂટે કે ધાર્યું ન થાય કે બીજો લોભાદિક સ્વાર્થ હોય તો તેના સારુ દ્રોહ કરે. તે ત્યાગી હોય અથવા ગૃહસ્થ હોય પણ ઊંધું કામ કરીને સત્સંગને વગોવે ને લજાવે. માટે પાકા ભક્ત રાખ્યા હોય તો કામ સારું કરે. શ્રીજીમહારાજે કહ્યું છે કે, ‘ધર્મકુળ ભોળું છે, માટે એક જણને કહેવે કાંઈ કામ કરવા દેવું નહિ.’ એક જણાને કહેવે જે કામ કરે તેમાં દુઃખ આવે ને શ્રીજીમહારાજનું વચન લોપાય.”

“મોક્ષને માર્ગે ચાલવું હોય તેને મહાપ્રભુજીનાં વચન સામી સુરત રાખવી. આપણે સત્સંગ કર્યો છે તે એક મહારાજને પ્રસન્ન કરવા. તે પ્રસન્ન કેમ થાય? તો એમની કરેલી આજ્ઞા શિર સાટે પાળીએ. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ સિદ્ધ કરે તે અતિ સુખિયા થાય.”

“ત્યાગીને ધર્મામૃત સામું જોવું. લેશમાત્ર શ્રીજીનાં વચનમાં ફેર પાડવો નહિ. આગળ તો મોટા મોટા સંત હતા તેમને જડ-ચૈતન્ય માયામાં તો ફેર જ નહોતો. સ્વાભાવિક ભૂલ કોઈકમાં હોય તે એકબીજાને વાતો કરીને તે ભૂલ ટાળતા. હવે તો સુગરી વાંદરાને શિખામણ દેવા ગઈ તો વાંદરે સુગરું તોડી નાખ્યું; તેમ કોઈક શિખામણ દેવા જાય તો પાધરા મારવા જ માંડે છે. કેટલાક સાધુઓ છે તે કોઈ ધર્મવાળાની મોટાઈ દેખી શકે એવા નથી. એવું બગડી ગયું છે તે તમ જેવા મોટા મોટા ધર્મવાળા સંતો છો ત્યાં સુધીમાં સુધારો કરો તો સારું. કેટલાક ખેતીવાડી કરવા પણ મંડી પડ્યા છે. તો અમદાવાદ, મુળી, ગઢડા, વરતાલ, જૂનાગઢ આદિના મોટા મોટા મળીને ધર્મામૃત પ્રમાણે વર્તે એવો બંદોબસ્ત કરો તો સારું. લોકો પોતાની નાતોમાં કેટલાક સુધારા કરે છે તેમ તમે સંતો મળીને સત્સંગમાં કરો તો સારું, નહિ તો વધારે બગડશે.” ।।૪૧।।