સંવત ૧૯૬૨ના વૈશાખ વદિ-૬ની રાત્રિએ બાપાશ્રીએ વાત કરી જે, “શ્રીજીમહારાજ પોતાના ભક્તની કામ, ક્રોધાદિક થકી રક્ષા કરે છે; પણ જે પોતાના ભક્તનો દ્રોહ કરે તેની રક્ષા કરતા નથી. દાદા ખાચરે હાથગરણું માગ્યું જે, ‘તમારા ભક્તના સર્વે ગુન્હા માફ કરીને અંત વખતે તમારા ધામમાં લઈ જજો.’ ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, ‘કરોડો ગુન્હા માફ કરીને અમારા ધામમાં લઈ જાશું, પણ જે અમારા ભક્તનો દ્રોહ કરશે તે ગુન્હો માફ નહિ કરીએ.’ કીડી જેવા જીવનો પણ દ્રોહ કરવો નહિ.”

“સત્સંગમાં દાસપણું રાખે તેને કોઈનો અવગુણ ન આવે અને તેમાં રૂડા ગુણ આવે છે. જેને દાસપણું ન આવે ને પોતાને મોટા જાણે તેમાં માન, ક્રોધાદિક દોષ રહે છે તે દોષ સત્સંગના અવગુણ લેવરાવીને સત્સંગથી બહાર લઈ જાય છે ને હેરાન હેરાન કરે છે. જ્યારે જીવને સત્સંગમાં સંતનો ને હરિજનનો અવગુણ આવે છે ત્યારે તેનું માથું ફરી જાય છે ને દિશ ભૂલી જવાય છે. મોટાનું વાળ્યું પણ પાછું વળાતું નથી; કેમ જે એમણે કારણ ઓળખ્યું નથી. જો કારણને એટલે શ્રીજીમહારાજને ને મુક્તને ઓળખીને તેમને વળગે તો તેને દેશકાળ નડી શકે નહિ, કોઈ વિઘ્ન પણ આવે નહિ. તેને માન, મોબત કે કાંઈ વસ્તુ જોઈએ જ નહિ.”

“માટે સાધુને તો કોઈ પ્રકારનું માન કે મમત્વ ન કરવો. અમદાવાદ કે મુળી કે ભુજ મારું છે એવી સમજણ ન રાખવી. કોઈ ઠેકાણે તમારું કાંઈપણ શ્રીજીમહારાજે રાખ્યું નથી. પ્રકૃતિના કાર્યમાં સાધુનો ક્યાંયે ભાગ રાખ્યો નથી માટે માન-સન્માન સારુ ક્યાંય બંધાવું નહિ. ‘સર્પતુલ્ય સન્માન અને પૂર્ણ પાપતુલ્ય માન’ સમજવું. સન્માન થાય તો કાળો નાગ વળગ્યો એમ જાણવું. માન થાય તો પૂર્ણ પાપ વળગ્યું એમ જાણવું.”

તે ઉપર દૃષ્ટાંત દીધું જે, “સ્વામીશ્રી અક્ષરજીવનદાસજીને ગાદી-તકિયો આપવા માંડ્યો તોપણ લીધો નહિ અને કહ્યું જે, ‘બહુ આગ્રહ કરશો તો આ ભુજ સ્થાન મેલીને બીજા દેશમાં જઈને રહીશ.’ સંતને તો એમ સમજવું જે વનમાં છીએ અને ગોળા માગી ખાઈએ છીએ; પણ હવેલી કે બાગ, બગીચા, માન, સન્માન, ઉત્સવ, સમૈયા, રસાસ્વાદ એ કાંઈ નથી. ઘર મેલવું ત્યારે પણ એવો વિચાર કરવો જે વનમાં જઈએ છીએ ને ગોળા માગી ખાશું અને ભગવાન ભજશું. એવો ભાવ સદા રહે તો સુખે ભગવાન ભજાય ને મોટાનો જોગ-સમાગમ થાય.”

“સત્સંગમાં તો પરિપક્વ નિશ્ચયવાળા સંતને માન, સન્માન, વસ્ત્ર, રસાસ્વાદ આદિ સિદ્ધિઓ મળે; પણ એ બધી ગ્રહણ કરવી નહિ. ઘટે એટલું ગ્રહણ કરવું ને બાકીનું ત્યાગ કરવું. એમ ન કરે ને બધું ગ્રહણ કરે તો ભગવાન ભુલાય અને વિષયી થઈ જવાય. રસાસ્વાદ જીવનું બહુ બગાડે છે તેથી રસાસ્વાદ મૂકે તો મોટાના સમાગમનું સુખ આવે. બાજરીના રોટલા શ્રી ઠાકોરજીને જમાડીને ભગવાન ભજવા ને આવા મુક્તનો સમાગમ કરવો. પૂર્વે તો મુમુક્ષુઓએ ધોવરામણ પીને પણ સમાગમ કર્યો છે. આજ તો પત્તર ભરીને જોઈએ તેટલું મળે છે. આગળ તો સંત લીંબુ લીંબુ જેટલા ગોળા ખાઈને રહેતા. અને આજ તો પૂરેપૂરું મળે છે તોપણ સ્વાદ ન મૂકે તો દુઃખી થાય. માટે રસાસ્વાદનો ત્યાગ કરવો.”

તે ઉપર પોતાની વાત કરી જે, “અમારે બાજરીના રોટલા વિના બીજું રુચે જ નહિ ને દાંત નથી તે ચવાય નહિ. ઊનો રોટલો પાણીમાં બોળીને રાખ્યો હોય તે રોટલો ને ગુવારનું કે રાતડિયાનું શાક હોય તે ચોળીને દશ વાગે મહારાજને જમાડીએ છીએ. સાંજના ચોખા વિનાની મઠની ખીચડી કરે તેમાં મેળ લેવા બાજરીનો લોટ નાખે તે ખીચડી જમાડીએ છીએ તે વિના બીજું ગળ્યું-ચીકણું કાંઈ ગમે જ નહિ. ગુજરાત દેશમાં આવીએ તોપણ બાજરીનો રોટલો કરાવીને શ્રીઠાકોરજીને જમાડીએ. ફળફૂલ તથા નાનાપ્રકારના મેવા-મીઠાઈ આવે, પણ કોઈ દિવસ સંકલ્પ જ થાય નહિ, તે તમો જાણો છો. કોઈ દિવસ જમતાં દેખ્યા છે?”

ત્યારે સંતો કહે, “ના બાપા! આપ સંતોને વહેંચી આપતા, પણ આપને કોઈ દિવસ જમતાં દેખ્યા નથી.”

બાપાશ્રી કહે જે, “કોઈ દિવસ કોઈ ભાવે સહિત બહુ જ આગ્રહ કરે તો લગાર ગ્રહણ કરીએ, પણ તેની રુચિ નહિ; કેમ જે ગ્રહણ કરવા માંડે તો જીવ ચટણો થઈ જાય. માટે એમ રાખીએ તો ઠીક રહે.”

ત્યારે સંતે કહ્યું જે, “આપનું ખાવું-પીવું, ઓઢવું-પહેરવું તે સર્વે જીવના કલ્યાણને અર્થે છે; તોપણ અમને શીખવવા સારું આપ એમ વરતો છો. માટે અમારા ઉપર દયા કરીને અમને પણ એવા આશીર્વાદ આપો જે અમારી પણ એવી રુચિ થાય.”

ત્યારે બાપાશ્રી કહે જે, “મહારાજનો અને મોટાનો ખરો ખપ રાખશો તો તમારે પણ તેવું થાશે.” ।।૯।।