સંવત ૧૯૬૭ના ફાગણ વદ-૯ને રોજ બપોરે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “તમને મળ્યા છે તે સનાતન સ્વરૂપ છે અને ધામ પણ અનાદિ છે. એવું બીજું કોઈ ધામ નથી અને મહારાજ જેવા કોઈ પતિ નથી અને મુક્ત જેવા કોઈ ગુરુ નથી; માટે તેમને મૂકીને બીજે ક્યાંયે સારપ રાખવી નહિ. જેમ ચક્રવર્તી રાજાની રાણીને રાજા વિના બીજાને વરવાનો સંકલ્પ થાય નહિ, તેમ શ્રીજીમહારાજને મૂકીને બીજો સંકલ્પ કરવો નહિ.”

“શ્રીજીમહારાજ સર્વેના આધાર છે અને સર્વેના કારણ છે. ને ધામ જે તેજ, તે પણ શ્રીજીમહારાજની મૂર્તિને આધારે છે. જો ધામને આધારે મહારાજ રહ્યા છે એમ કહીએ તો મહારાજનું કારણ ધામ થાય; માટે એમ ન સમજવું. કારણ ને આધાર તો મહારાજ છે. અને અનાદિમુક્ત પણ મહારાજની મૂર્તિની અંદર છે, માટે અનાદિમુક્તના આધાર પણ મહારાજ છે; પણ ધામ આધાર નથી. કારણ વસ્તુને જ આધાર કહેવાય; પણ કાર્ય વસ્તુને આધાર ન કહેવાય. જેમ પૃથ્વીનું કારણ જળ છે તે જળ પૃથ્વીનું આધાર છે તેમ જ જે કારણ હોય તે જ આધાર હોય ને જે કાર્ય હોય તે કારણને આધારે હોય. જેમ સૂર્યનો પ્રકાશ સૂર્યની મૂર્તિને આધારે છે, અને અગ્નિની જ્વાળા અગ્નિની મૂર્તિને આધારે છે; તેમ શ્રીજીમહારાજ તે ધામના કારણ છે.”

“અને શ્રીજીમહારાજના પ્રકાશરૂપ અક્ષરધામને વિષે શ્રીજીમહારાજને સન્મુખ પરમ એકાંતિક મુક્ત રહ્યા છે, અને તે અક્ષરધામની કિરણ કિરણ પ્રત્યે કોટાનકોટિ મૂળઅક્ષરોની કોટિઓ તથા બ્રહ્મની કોટિઓ તથા મૂળપુરુષ ઈશ્વરોની કોટિઓ તથા સર્વે બ્રહ્માંડ રહ્યાં છે. અને શ્રીજીમહારાજ એ અક્ષરધામને વિષે સદા સાકાર મૂર્તિમાન રહ્યા છે. અનાદિમુક્ત જે શ્રીજીમહારાજની મૂર્તિમાં રહ્યા છે તે સર્વે સદા સાકાર મૂર્તિમાન છે. અને એ ધામમાં શ્રીજીમહારાજને સન્મુખ પરમ એકાંતિક મુક્ત રહ્યા છે તે સદા સાકાર મૂર્તિમાન છે; અને મૂળઅક્ષરો તથા તેમના મુક્તો, તથા વાસુદેવબ્રહ્મની કોટિઓ તથા તેમના મુક્તો, તથા મૂળપુરુષ ઈશ્વરોની કોટિઓ તથા તેમના મુક્તો, તે સર્વે સાકાર છે.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “મૂળઅક્ષરોને તથા તેમના મુક્તોને, અને બ્રહ્મને તથા તેમના મુક્તોને અને મૂળપુરુષોને તથા તેમના મુક્તોને આત્યંતિક મોક્ષની ઇચ્છા થાય ત્યારે ત્યાંથી જ પાધરો મોક્ષ થતો હશે કે કેમ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જ્યારે એમને મોક્ષની ઇચ્છા થાય ત્યારે આ લોકને વિષે જે બ્રહ્માંડમાં જ્યાં શ્રીજીમહારાજ અથવા તેમના મુક્તો જીવોનો મોક્ષ કરવા પ્રગટ થયા હોય તે ઠેકાણે આવીને શ્રીજીનો અથવા મુક્તનો સમાગમ કરે ને શ્રીજીના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય ત્યારે મુક્ત થાય.” ।।૯૫।।