સંવત ૧૯૬૮ના ભાદરવા વદ-૦)) અમાસને રોજ સભામાં સરસપુરના પ્રાણશંકરભાઈએ પૂછ્યું જે, “પોતાનું પૂરું થયું કેમ જણાય?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજીમહારાજની કથા, વાર્તા, ધ્યાન, ભજન આદિક જે સાધન કરે તે પોતાને અર્થે ને બીજા સર્વેને અર્થે કરે; અને શ્રીજીમહારાજ તથા મુક્તને આગળ રાખે ને દાસપણું મૂકે નહિ એવાં લક્ષણ હોય ત્યારે પૂરું થયું જાણવું. જો બીજાને જાળવવા જાય ને પોતાનું તપાસે નહિ તો પૂરું થાય નહિ.”

તે ઉપર સોરઠના હરિભક્તની વાત કરી જે, “બીજાને વાર્તા કરીને ધામમાં મોકલ્યા ને પોતાને ચાર જન્મ ધરવા પડ્યા ત્યારે પૂરું થયું. ક્યાં મહારાજ ને મુક્ત! ને ક્યાં જીવ! આ તો થોડાકમાં ઘણી પ્રાપ્તિ થઈ છે. બીજે ધોડા કરાય એટલો મહારાજનો મહિમા ઓછો છે. મહાપ્રભુજીને અંતર્યામી જાણીએ તો કોઈ ઘાટ-સંકલ્પ થાય નહિ ને મૂર્તિને વિષે જ આનંદ આનંદ રહે. મહારાજની મૂર્તિમાં જ સુખ છે, બીજે બધે તો રોગી (એકલી) વાની ઊડે છે.”

“પરોક્ષ શાસ્ત્રમાં અવતારાદિકનો મહિમા કહ્યો હોય, પણ તેમને આજના મુક્તનાં દર્શન નથી. આ સમયે તો મૂળ સ્વરૂપ જે શ્રીજીમહારાજ તે પ્રાપ્ત થયા, અનાદિમુક્ત પ્રાપ્ત થયા અને નિર્ગુણ એવું જે તેજરૂપ ધામ તે પ્રાપ્ત થયું. આ વખતમાં તો એવા મોટા પધાર્યા છે તે જો એમને મન સોંપી દે ને મન, કર્મ, વચને અનુવૃત્તિમાં રહે તો તેનાં સર્વ કામ સંપૂર્ણ થઈ રહ્યાં છે અને સર્વે સુખ પ્રાપ્ત થઈ રહ્યાં છે. અવતારાદિક તથા તેમના પાર્ષદ પોતાના મોક્ષને અર્થે સત્સંગમાં આવ્યા હોય તે આવા અનાદિમુક્તનો વિશ્વાસ લાવીને જોગ કરે ને મહારાજના સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે મોક્ષને પામે. જો વિશ્વાસ ન લાવે ને પ્રથમનું પરિપક્વ થયેલું હોય તે તેમને તેમ જ રહે તો ફેર સત્સંગમાં આવે ને જ્યારે આવું જ્ઞાન થાય ત્યારે આત્યંતિક મોક્ષને પામે.”

“માટે મોટાનો વિશ્વાસ લાવીને જો તેમની સાથે પોતાના જીવને જડી દે તો મોટા તેને મૂર્તિના સુખે સુખિયો કરે. જેમ કમળનો કંદ કાદવમાં ચોંટ્યો હોય ત્યારે તેને જળ પોષણ કરે છે ને સૂર્ય ખિલાવે છે, પણ જ્યારે કાદવમાંથી કમળનો કંદ જૂદો પડી જાય છે ત્યારે તેનું તે જળ કમળને સડવી નાખે છે અને તેના તે સૂર્ય તે કમળને સૂકવી નાખે છે. તેવી રીતે મોટા મુક્તને વિષે જે જીવ મન-કર્મ-વચને જોડાય તેનું મોટા પોષણ કરે છે અને મોટાને વિષે ન જોડાય તેનું મોટા પોષણ કરતા નથી; માટે કમળની પેઠે મોટાને વિષે ચોંટી જવું.” ।।૧૧૭।।