સંવત ૧૯૬૨ના જેઠ સુદ-૧ને રોજ સવારે સભામાં પ્રથમ પ્રકરણનું ૩૩મું વચનામૃત વંચાતું હતું. તેમાં ઉત્પત્તિકાળે અક્ષરાદિક રૂપે થઈએ છીએ અને જીવના કલ્યાણને અર્થે નારદ-સનકાદિક રૂપે થઈએ છીએ એમ આવ્યું.

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “એ નારદ-સનકાદિક કોને સમજવા?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “પોતાના અનાદિમુક્તોને આ ઠેકાણે નારદ-સનકાદિક નામે કહ્યા છે. તે અનાદિમુક્તો સદાય મૂર્તિમાં રહ્યા થકા આ લોકને વિષે જીવોને દર્શન આપીને મોક્ષ કરે છે એટલે પોતા જેવા મુક્ત કરે છે, પણ બીજું ઐશ્વર્યાર્થીનું કામ જે જગતની ઉત્પત્ત્યાદિક તથા કર્મફળ આપવાં તે કરતા નથી; કેમ કે એને તુચ્છ ગણે છે. એ કામ તો મૂળઅક્ષરાદિકને સોંપી મૂકેલાં છે તે કરાવે છે. મુક્ત તો કેવળ મોક્ષ જ કરે છે. જીવોના ગુણ-અવગુણ સામું જોતા નથી અને પામર જેવો જીવ હોય તેનો પણ મોક્ષ કરે છે તેવા દયાળુ છે. અને એમને ગુણ-અવગુણ, નિંદા-સ્તુતિ કાંઈ છે જ નહિ.”

“ત્યાં દૃષ્ટાંત જે એક સત્સંગી જાતિએ હરિજન હતો. તેને રાજા કેદમાં પૂરીને પોતાને હાથે નિત્ય સાત ખાસડાં મારતો. તે અપરાધે એ રાજાને યમ લેવા આવ્યા. તેમને દેખીને હરિજને શ્રીજીમહારાજને વિનંતી કરી જે, ‘હે મહારાજ! આ રાજાને મારાં દર્શન થયાં છે અને એણે મારી પૂજા કરી છે માટે એ બિચારાને યમના મારથી છોડાવો ને આપણા ધામમાં લઈ જાઓ.’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘હે ભક્તરાજ! એ તો તમારો અપરાધી છે તેથી યમને લઈ જવા દો. મારો અપરાધ કરે તેને હું છોડી મૂકું છું, પણ મારા ભક્તના અપરાધીને હું છોડતો નથી.’ ત્યારે હરિજને કહ્યું જે, ‘હે મહારાજ! તમારે ને તમારા ભક્તને દર્શને કરીને તો અનંત બ્રહ્મહત્યાઓ બળી જાય અને સર્વે પાપ બળી જાય અને મોક્ષ થાય. માટે યમના મારથી મુકાવીને એ બિચારાનો મોક્ષ કરો. તમારા ભક્તને તો ચંદન, પુષ્પની ને ખાસડાની પૂજા સરખી છે. માટે એ અજ્ઞાનીનો અપરાધ ન ગણીને આપનાં દર્શનનું ફળ આપો.’ ત્યારે યમને કાઢી મૂકીને શ્રીજીમહારાજ એ રાજાને તેડી ગયા અને પોતાના ભક્ત ઉપર બહુ રાજી થયા. મોટાની તો આવી સમજણ છે. તે સમજણ સાધનદશાવાળો ગ્રહણ કરે તો મોટાના જેવા ગુણ આવે.”

‘નાખે અદાવત દીયે ગાળુ, તેને ભક્ત સમજે દયાળુ’ એ ચોપાઈ બોલીને પછી બોલ્યા જે, “આવી સમજણ ગ્રહણ કરે તો બહુ સુખિયો થાય. જીવને પોતાનું ધાર્યું મુકાતું નથી ને ધાર્યું ન થાય તો કલ્યાણના દાતા એવા જે ભગવાન ને મુક્ત તેમનો દ્રોહ કરે ને કલ્યાણ બગાડે. જુઓને! જીવા ખાચરે શ્રીજીમહારાજને ભગવાન જાણીને ઘણી સેવા કરી હતી, પણ પોતાનું ધાર્યું મરડાયું તો શ્રીજીમહારાજને મારવાના ઉપાય ખોળ્યા. અલૈયા ખાચરે ઘણી સેવા કરી હતી, પણ માન મરડાયું તો શ્રી મુક્તાનંદ સ્વામીને મારવા તરવાર તાણી. માન એવું ભૂંડું છે જે દેવનાં દર્શન પણ મુકાવી દે. દર્શન વિના ચલવે અને ખાઈ લે, પણ માન ન મૂકે.”

“આ સત્સંગમાં શ્રીજીમહારાજ ને મોટા સંત વિરાજે છે; સત્સંગ મૂકીને ગયા નથી. માટે જેમ કહે તેમ કરવું અને રાજી કરવા, પણ કચવાવવા નહિ; કેમ કે તેમાંથી તો જીવનું બગડી જાય. ‘રાજી કરવાનું રહ્યું પરું, પણ ઊલટો કોપ ન કરાવીએ સ્વામીને’. સત્સંગમાં કોઈકને કહેવું ઘટતું હોય તે કહેવું ખરું, પણ કોપાયમાન થઈને કહેવું નહિ. અને મોટાની આજ્ઞામાં રહેવું. માન આદિક સર્વે દોષનો ત્યાગ કરીને ભગવાન ને સંતના દાસાનુદાસ થઈ રહેવું.”

“અમદાવાદમાં દામોદરભાઈ હતા. તેમની સ્ત્રી મરી ગઈ ત્યારે રામપ્રતાપભાઈ પાસે ‘બ્રહ્માંડમાં સર્વે સ્ત્રીઓ છે તે બહેનો છે’ એમ બોલી ગયા ને પછી નાતરું કરીને સ્ત્રી લાવ્યા તેથી ભાઈને રીસ ચઢી. તે જ્યારે દર્શને આવે ત્યારે ‘સસુર કિસ બ્રહ્માંડ મેં સે લાએ’ એમ કહીને મારવા દોડે, એટલે દામોદરભાઈ ભાગી જાય, પણ દર્શન કર્યા વિના જમે નહિ. જ્યારે રામપ્રતાપભાઈ નાહવા કે પૂજા કરવા કે જમવા બેઠા હોય તે વખતે દર્શન કરી જાય, પણ દર્શન વિના કોઈ દિવસ જમ્યા નહિ ને પાણી પણ પીધું નહિ. કોઈ વખત સવારે અને કોઈ વખત બપોરે અને કોઈ વખત સાંજે અને કોઈ વખત રાત્રિએ, જ્યારે દર્શન થાય ત્યારે જમે અને પાણી પીએ. એવા આસ્તિક અને નિષ્ઠાવાળા હતા. એવી દૃઢતાવાળા હોય તે ભક્ત કહેવાય. તેમની દૃઢતા મધ્ય પ્રકરણના ૫૯મા વચનામૃતમાં શ્રીજીમહારાજે વખાણી છે.”

“એક સમયે અનાદિ મુક્તરાજ સ્વામી શ્રી નિર્ગુણદાસજી ભુજ પધાર્યા હતા. તેમનો સમાગમ કરવા ભુજના સાધુ માધવદાસજીને ભુજ રહેવું હતું અને ભુજમાં રહેવા માટે વાગડ દેશમાં કથા, વાર્તા, ધર્માદો કરી આવ્યા હતા. તોપણ સદ્‌ગુરુ સ્વામીશ્રી અક્ષરજીવનદાસજીએ તેમને અબડાસામાં મોકલ્યા. તેમને સમાગમ કરવાની ઘણી આતુરતા હતી, પણ બિચારા આજ્ઞામાં વર્તીને ગયા. એમ આજ્ઞામાં રહેવું, પણ મનગમતું કરવા સત્સંગ બહાર ન જાવું. અને દોષ તથા સ્વભાવ ટાળીને દાસાનુદાસ થઈને સત્સંગમાં મુક્ત સાથે જીવ જોડવો.” ।।૩૬।।