સંવત ૧૯૬૩ના વૈશાખ સુદ-૪ને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “શ્રીજીમહારાજને વિષે ને તેમના મુક્તને વિષે આત્મબુદ્ધિ ને દૃઢ પ્રીતિ થાય તો સમાધિ કરતાં પણ ઘણી શાંતિ થાય.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “આવા મોટાનો જોગ ન હોય ત્યારે કેમ કરવું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ લોકમાંથી મોટા ચાલી નીકળે એટલે અદૃશ્ય થાય તો એમ વિચારવું જે, ‘આવા પુરુષ ઠરવાનું ઠામ હતા તે ચાલી નીકળ્યા તે મહારાજની મરજી એમ હશે. મોટા તો દેહ ધરતા નથી અને મૂકતા પણ નથી, ક્યાંય જતા-આવતા નથી. એ તો સત્સંગમાં છે, છે ને છે જ; કેમ કે એ તો સર્વત્ર રહેલા છે; ક્યાંયે ન હોય તેમ નથી.’ એમ સંતોષ વાળવો અને એમની કરેલી વાતો સંભારીને વાંચીએ ત્યારે મોટા પ્રત્યક્ષ બોલે છે એમ જાણવું. હૃદયમાં મહાપ્રભુજીના ભેળા ધારવા ને આનંદમાં રહેવું. મોટા તો જીવના સંબંધી છે તે જીવમાં મોટાનો સાક્ષાત્કાર કરવો. જેમ પૃથ્વી ખોદે છે તો પાણી નીકળે છે, તેમ અંતર્વૃત્તિ કરીને સાક્ષાત્કાર કરવો તો અંતર્વૃત્તિએ ભેળા જ છે તે સુખિયા કરે.”

પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું છે જે, “જેમ દેહે કરીને ઉપરથી (બહારથી) પુછાય છે તેમ અંતર્વૃત્તિએ શી રીતે પુછાય?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મહારાજ અને મુક્ત સદાય આત્માને વિષે છે. તેમને સંભારીને અંતર્વૃત્તિ કરે તો શાંતિ થાય ને માયા દબાઈ જાય. અને મહારાજ ને મોટા અંતરમાં પ્રેરણા કરીને ઉત્તર સંભારી આપે ને સર્વે ખુલાસા થઈ જાય. એવો અંતર્વૃત્તિનો મહિમા છે. જેમ આ લોકમાં પદાર્થના, વિષયના, ખાધા-પીધાના એવા ઘણાક પ્રકારના ઘાટ થતા હોય ને તે વિના દુઃખિયો રહેતો હોય, પણ જો મહારાજનો મહિમા વિચારીને આત્માને વિષે મહાપ્રભુજીને ધારે તો સર્વે થકી વૈરાગ્ય પામીને મહા સુખિયો થઈ જાય તેમ. વળી જેમ બાજરો વાવીને પકવીને પેદા કરવો હોય તેને કોઈક હજારો પારસમણિઓ આપે તો તે બીજા ઉદ્યમ કરવા પડ્યા મૂકે, તેમ ઘણાક પ્રકારની વાસના હોય ને મૂર્તિ મળે તો સર્વે બળી જાય છે. આ મોંઘી વસ્તુના ઘરાક થવું. બીજું બધું મળે, પણ આ વસ્તુ જે શ્રીજીમહારાજ તથા મુક્ત તે ન મળે.”

“બહારથી મુક્તનો જોગ હોય ત્યારે મનુષ્યપણાના ભાવ કાંઈક રહે ખરા. તે કિયા? તો હસે, રમે, બોલાવે એમ દેહભાવ જણાવે. જેમ મોટું માણસ છોકરું રમાડે તે છોકરાના જેવું બોલે, તેમ આ મનુષ્યભાવ જણાવીએ છીએ. જો પરભાવ રાખીને પરભાવની બોલી કરીએ તો તમને સમજાય નહિ. વાતમાં પણ આ લોકનું દૃષ્ટાંત લાવીએ ત્યારે સમજાય; પણ પરભાવની બોલી કરીએ તો જીવ સમજી શકે નહિ. એટલા માટે દૃષ્ટાંત આપીએ છીએ જે રસમાં રસ ઘી, ને ગળ્યામાં ગળી સાકર, તેજમાં તેજ અગ્નિ, ને ધોળામાં ધોળું દૂધ. એવાં દૃષ્ટાંત દીધાં તે મહારાજને કે મુક્તને લાગુ ન પડે, તોપણ સમજાવવા સારુ દેવાં પડે છે. પરભાવની વાતો સમજાય નહિ ને તુંબડીમાં કોડીઓ નાખીને ખખડાવ્યા જેવું થાય. માટે મનુષ્યની પેઠે વર્તીએ છીએ ને મનુષ્યના જેવું બોલીએ છીએ તે જીવને હેત થાવા માટે છે. પ્રકૃતિપુરુષના કાર્યમાં મહારાજને કે મુક્તને ઉપમા દેવાય એવું કાંઈ છે જ નહિ.”

“આજ સ્વાંત વરસે છે. આ મહિમા સમજાય તો બહુ કામ કરે. અંતરમાં મહારાજને તથા મુક્તને સંભારીએ તો સર્વે ખુલાસા થઈ જાય. બહારવૃત્તિએ પ્રશ્ન-ઉત્તરમાં બધાં શાસ્ત્ર ભેળાં કરીએ તોપણ તેનો યથાર્થ ઉત્તર ન મળે. મહારાજને તથા મુક્તને અંતરમાં ધારીએ એટલે સર્વે ખુલાસા તરત થઈ જાય. જેમ બ્રહ્માંડમાં મહત્ કારખાનું છે ને પિંડમાં અલ્પ છે, પણ પિંડમાં સર્વે આવી ગયું. તેમ ઉપરથી જાણવા જાય તો પાર ન આવે ને અંતરમાં મહારાજને ને મુક્તને ધારે તો મહારાજ ને મુક્ત સદા આત્માને વિષે વિરાજમાન છે તે સર્વે દોષ થકી ને વાસના થકી મુક્ત કરી મૂકે. શ્રીજીમહારાજે છેલ્લા પ્રકરણના બારમા વચનામૃતમાં કહ્યું છે જે, ‘આ વાત કરામત જેવી છે.’ એટલે અલૌકિક છે. માયાનું કે મૂળપુરુષનું એટલે ઈશ્વરનું કે બ્રહ્મનું કે અક્ષરનું કોઈ દૃષ્ટાંત કે ઉપમા દેવાય એવી નથી.”

વાર્તાની સમાપ્તિ કરીને “શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય ને આ સભાની માયાનો ક્ષય” એમ અતિશય કરુણાએ કરીને બોલ્યા. ।।૪૮।।