સંવત ૧૯૬૫ના ફાગણ વદ-૮ને રોજ બાપાશ્રીએ પોતાને ઘેર સંતોને લઈ જઈને રસોઈ કરાવીને જમાડ્યા અને પછી મંદિરમાં આવ્યા. અને બપોરે મધ્ય પ્રકરણનું ૪૩મું વચનામૃત વંચાતું હતું. તેમાં વાત આવી જે ભગવાનને વિષે આત્માને સજાતિ પ્રીતિ કરનારો ભક્ત બ્રહ્મરૂપ છે.

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “બ્રહ્મનો અર્થ શો હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “બ્રહ્મ એટલે ભગવાન જાણવા. તે ભગવાનરૂપ થયો એટલે મુક્તની પંક્તિમાં ભળ્યો. પણ જ્યાં સુધી જે દેહે સાધન કરીને મુક્તની સજાતિ થયો છે તે દેહનો યોગ છે, ત્યાં સુધી મુક્તના જેવું સ્વતંત્રપણું જે બીજા જીવોને મહારાજના સુખમાં લઈ જવા એ સામર્થી એને મળતી નથી. જેમ બાળક જન્મે તે છોકરો હોય તે પુરુષની સજાતિ કહેવાય, પણ જુવાન પુરુષની પેઠે કામ કરી શકે નહિ, અને આહાર તથા અવસ્થા તે પણ સરખાં ન હોય; તેમ સિદ્ધ મુક્તમાં અને દેહના યોગવાળા મુક્તમાં ફેર છે, ને તે સાધનદશાવાળો કહેવાય. જે અનાદિમુક્ત છે તે તો જેટલું શ્રીજીમહારાજ કરે તેટલું કરી શકે; ને જે સાધનદશાવાળા છે તે તો પોતે નિર્લેપ રહે, પણ બીજાને મુક્ત કરી શકે નહિ. તે તો જ્યારે દેહનો વિયોગ થાય ને ધામમાં જઈને ફેર સ્વતંત્રપણે આવે ત્યારે અનંત જીવોનો ઉદ્ધાર કરે. તેમાં પણ જેને અહીં અનાદિમુક્તનો જોગ થયો હોય અને તે અનાદિ થકી શ્રીજીમહારાજના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થયું હોય અને તે અનાદિના જોગે અનાદિના જેવી સ્થિતિ થઈ હોય તે તો આ દેહે પણ અનંત જીવોને અનાદિ કરી શકે.” ।।૭૧।।