સંવત ૧૯૬૫ના ફાગણ વદ-૦)) અમાસને રોજ સવારે સભામાં છેલ્લાં પ્રકરણનું ૪થું વચનામૃત વચાતું હતું. તેમાં ૧લા પ્રશ્નમાં બાધિતાનુવૃત્તિની વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “બાધિતાનુવૃત્તિનો મર્મ જાણવો એ ઘાંટી જબરી છે; કેમ જે ગોરધનભાઈની સ્થિતિ જેના જાણ્યામાં નહોતી આવી તે અવગુણ લેતા. ઉપશમવાળો જ્યાં સુધી ઉપશમમાં રહે ત્યાં સુધી મહારાજનું સુખ રહે ને જાગે ત્યારે આ લોકની ક્રિયા કરે. અને જેને ત્રણે અવસ્થામાં સદાય મૂર્તિ હોય એ સ્વરૂપનિષ્ઠાવાળા અનાદિમુક્ત કહેવાય. એમના જોગથી માયા, દેહ, વિષય, રાગ એ આદિક સર્વે કાકવિષ્ટા તુલ્ય સમજાય. અને કેવળ સમાધિવાળાને રવજીભાઈની પેઠે ધક્કો લાગે.”

“અનાદિમુક્તને જે સમાધિ થાય તે તો બીજા જીવના સમાસને માટે છે, પણ પોતાને માટે નથી. એમને તો જેમ કાચબો ચાલે છે તોય એમ છે ને સંકોચાઈને અંગ તાણી લે છે તોય એમ છે; તેમ અનાદિમુક્તને તો સદાય સરખું છે. સાધનિક એમ જાણે જે, ‘સમાધિમાં ગયા તે બહુ સુખિયા થયા’, પણ એ તો સદા મૂર્તિમાં જ છે. એવા મુક્ત કદાપિ મહાપ્રભુજીની મરજીથી બીજા જીવના સમાસને માટે સમાધિ કરતા હોય અને ક્યારેક ન કરતા હોય તેને કોઈક કહે જે, ‘સમાધિનું સુખ જાતું રહ્યું’ તો તેને બહુ પાપ લાગે; કેમ જે એ તો સ્વતંત્ર છે.”

“આ ગામમાં રત્નો ભક્ત હતા તે મુક્ત હતા અને દહીસરામાં કચરો ભક્ત હતા તે પણ મુક્ત હતા; તે બેય દેહ મૂકીને ધામમાં ગયા. તેમની વાત ઉડાડી જે બેય ભૂત થયા છે. ત્યારે અમે કહ્યું જે, ‘એ બે જ્યારે ભૂત થયા ત્યારે ધામમાં એટલે મૂર્તિમાં કોણ જાશે?’ માટે ખોટું બોલનારને બહુ પાપ લાગે. કદાપિ ધામમાં ગયા કેડે કોઈકને દર્શન આપે તો દિવ્યરૂપે દર્શન આપ્યાં એમ જાણવું; જ્યારે કોઈકને વળગીને ધૂણે ત્યારે ભૂત થયા એમ જાણવું. મોટા તો અલૌકિક ક્રિયાવાળા હોય કેમ જે એ તો સ્વતંત્ર છે. માટે ક્યારેક સ્વતંત્રપણે જાગૃતમાં દર્શન આપે ને ક્યારેક તો સ્વપ્નમાં દર્શન આપે અને ક્યારેક અંતર્વૃત્તિએ દર્શન આપે અને ક્યારેક ઉપશમમાં દર્શન આપે; તેને વિષે વાસના ઠરાવવી નહિ.”

આટલી વાર્તા કરીને સમાપ્તિ કરી. ।।૮૧।।