Gujarati / English

ભાદરવા વદ-૮ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “શ્રીજી મહારાજના ભેળા આવેલા મુક્તો પોતાનો સિદ્ધાંત પાછો લઈ ગયા; કેમ કે જીવો પાત્ર નહિ, તેથી પ્રવર્તાવી શકયા નહિ. તે સંસ્કારી જીવો આજ ફેર આવ્યા છે તે મુક્તની વાતો સત્ય માને છે. આ સમયે વખત, જોગ, સ્થાન બહુ સારાં મળ્યાં છે. આ શ્રીજી મહારાજ જેવા ભગવાન ને આવા મુક્ત તે અનંત કોટિ બ્રહ્માંડમાં ક્યાંયે નથી એવા મળ્યા છે, પણ તે ભોગવાતું નથી. જેમ ગાંડાને ધન મળ્યું હોય તે ભોગવી શકે નહિ તેમ. મોટાનો મહિમા જાણ્યા વિના સુખ ન આવે ને વિશ્વાસ પણ ન આવે.”

પછી શેદલાના પ્રાણજીવનભાઈએ કહ્યું જે, “જેમ આ લૌકિક પદાર્થ સર્વે દેખાય છે તેમ જ મહારાજ દેખાય તો જીવ મહારાજને મૂકે નહિ.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “‘આ જગ્યાએ દ્રવ્યનો ભંડાર દાટયો છે’ એમ કોઈક કહે તો જેને વિશ્વાસ હોય તે ખોદે તો દ્રવ્ય નીકળે.”

પછી માલણિયાદના અમીચંદભાઈએ પૂછ્યું જે, “ખોદવાની શ્રદ્ધા ન હોય તે કેમ કરે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રદ્ધા તો મહારાજ ને મોટા આપે, પણ વિશ્વાસ નથી. સુખનો ઢગલો પડ્યો છે, પણ જીવ તપાસ કરતો નથી એટલે અંતરમાં જોતો નથી જે આ વાતોમાંથી મેં કેટલી ગ્રહણ કરી. જ્યારે વાત થાય ત્યારે એમ જાણે જે આ તો બીજાને માટે થાય છે, પણ પોતાને માથે તાણી લેતો નથી. જો પોતાને માથે તાણી લે તો દોષ માત્ર નાશ થઈ જાય ને મૂર્તિનું સુખ આવે. બીજાનો લાખો રૂપિયાનો સરવાળો કરે ને પોતાના ઘરમાં રામપાત્ર હોય; તેમ બીજાને માથે નાખી દે, પણ પોતાને માથે ન લે તેને એવું થાય. ઘેલાઈમાં ચાલ્યું જાય છે. જેમ પાંચ જણ વાંકમાં આવ્યા હોય તેનો ફેંસલો થાય ત્યારે એક જણાને સંભળાવે જે, ‘તમને કેદ મળશે’; ત્યારે પાંચે જણા જાણે જે, ‘આપણે સર્વેને આવી’. તેમ એકને વાત કરતા હોઈએ તે સર્વેએ માથે લેવી, પણ બીજાને માથે નાખીને નીકળી જાવું નહિ.

“ગૃહસ્થ હોય તેમણે તો શ્રીજી મહારાજ સુખેથી સાંભરે ને કથા, વાર્તા, ધ્યાન, ભજન, માળા, માનસી પૂજા વગેરે નિયમ બરાબર સચવાય, અને પોતાના જીવાત્માનું પરલોક સંબંધી સુખ થવાનું સાધન સુખે થાય એવી રીતે દેહનિર્વાહ જેટલો જ વ્યવહાર કરવો; પણ વ્યવહારરૂપ થઈ જવાય એવો વેગે સહિત વ્યવહાર ન કરવો. શ્રીજી મહારાજની ને મોટાની આજ્ઞા પ્રમાણે કરવો.

બીજું, પોતાના મોક્ષના લાભ માટે ગમે તેવી પ્રકૃતિ હોય તેને મોટાના જોગમાં રહીને ટાળવી. મહારાજની અને મોટાની આજ્ઞામાં લેશમાત્ર ફેર પડવા દેવો નહિ. એમ જાણવું જે, ‘હું જે જે ક્રિયાઓ તથા સંકલ્પ કરીશ તેને મહારાજ ને મોટા દેખે છે. તેથી મહારાજની ને મોટાની મરજી તથા આજ્ઞા વિરુદ્ધ વર્તીશ, તો તે કુરાજી થશે ને મારું બગડી જશે.’ નિરંતર એવી તપાસ રાખીને મહારાજ ને મોટા જેમ પ્રસન્ન થાય તેમ વર્તવાનો આગ્રહ રાખવો.

“અને મોટાના આપેલા નિયમ ખબડદાર થઈને પાળવા. જો તેમાં ફેર પડે તો મોટાનું વચન પાછું જાય ને મોક્ષનો ઝાંપો વસાઈ જાય. માટે આજ્ઞા પૂરી પાળવી અને તેમાં ભૂલ પડે તો મોટાને સંભારીને તેનું પ્રાયશ્ચિત્ત કરી નાખવું. સારા-નરસા ઘાટ થાય તેને મહારાજ ને મોટા દેખે છે; એમ જાણીને  પ્રાયશ્ચિત્ત કરશે તેનું પરમ કલ્યાણ થાશે. ઈન્દ્રિયો જીતે તો અંતઃકરણ જીતાય છે. અને અંતઃકરણ જીતે તો ખાવા-પીવાનો ને બોલવા-ચાલવાનો ચસકો રહે નહિ. વાસનાવાળા ત્યાગી કરતાં ગૃહસ્થના ધર્મ સાચવે તે ગૃહસ્થ શ્રેષ્ઠ છે. વાસના તો બહુ ભૂંડી છે.

“એક ગામમાં એક જણને છોકરાં જીવે નહિ. પછી પુરુષે ઠીકરામાં ખાવું એવી માતાની બાધા રાખી; તે પણ ઊભા ઊભા ખાવું. તેની સ્ત્રીએ છોકરાનું મળમૂત્ર બાર મહિના સુધી ભોંય પડવા દેવું નહિ ને બધું લૂગડામાં રાખવું ને બાર મહિને બધું માતા પાસે લઈ જવું ને પગે લગાડીને પછી લૂગડાં ધોવે ત્યારે બાધા છૂટે. પછી બાર મહિને લૂગડાનો મોટો ગાંસડો બાઈએ માથે ઉપાડયો ને પુરુષે છોકરાને તેડેલો ને માથે ઠીબડી; એવી રીતે ચાલ્યાં. તેને માર્ગમાં એક હરિજન મળ્યા તેમણે પૂછ્યું જે, ‘આ ગાંસડો ને ઠીબ ને આ બધું શું છે? ને ક્યાં જાઓ છો?’ પછી તેણે બધી વાત કરી. આટલો બધો દીકરા સારુ દાખડો કર્યો. તે કેવો દીકરાનો મહિમા! અજ્ઞાની જીવને એવો મહિમા નાશવંત પદાર્થનો છે. આટલો દાખડો ભગવાનને ને સંતને અર્થે કરે તો કલ્યાણમાં કાંઈ વાંધો જ ન રહે.”  II ૧૦૮ II

On the day of Bhadarva Vad 8th, Bapashri, showing his favour, talked.  He said, “Muktas who came with Shriji Maharaj took back their dogma/principle because Jiva was not worth of it so they could not propagate.  Those cultured Jivas have come again today and they believe as true talk of Muktas.  Presently the time, opportunity, place are very good.  Shriji Maharaj who is God and such Muktas are nowhere in infinite cosmos-we are fortunate to meet them, but we are unable to take the benefit of them.  It is just like mad man got wealth but he cannot enjoy it. Unless the greatness of Muktas is understood, there will not be happiness and there will not be faith.

The Pranjivanbhai of Shedla said, “If Maharaj is seen as we see all other objects of this world, Jiva will not forsake Maharaj.”  Bapashri replied, “If some one says that a lot of treasure is buried at this place and if some one trusts, he will dig the place and will get the treasure.”

Then Amichandbhai of Malaniyad asked, “If there is no trust in digging how will he do?”  Bapashri replied, “The faith is given by Maharaj and Muktas but there is no trust.  There is heap of happiness but Jiva does not search it means it does not see in the heart.  It does not examine how much it had grasped from these talks. When the talk goes on, he thinks that it is for some one else, but does not think it is meant for him.  If it understands that it is for him, every fault of its will be destroyed and will get bliss of Murti. He calculates lacs of rupees of others and his condition is miserable but instead of realising his misery, he does not take it seriously.  Every thing is wasted in madness.  Just as five persons are in fault and when the judgement is given, it is told to one that he will be imprisoned, then all five know that it is for all.  Similarly talk is given to one but all should think that it is for all and should not leave thinking that it is for others.  The householder can remember Shriji Maharaj with love, rules of conduct like katha-varta, meditation, devotion, rosary, mental worship, etc can be preserved properly and means of achieving salvation can be done comfortably, that much efforts for livelihood should be done so that need of body is satisfied but should not be so much that one’s aim becomes only livelihood. It should be done according to the commands of Shriji Maharaj and Muktas. Moreover, any short of our nature, which may tend to be for the benefit of salvation, should be modified/transferred in the company of Muktas.  Commands of Maharaj and Muktas should not be altered at all. One should know that whatever activities he does and thought is seen by Maharaj and Muktas.  If I behave against the wishes or act contrary to the commands of Maharaj and Muktas, they will be displeased and my goal will be spoiled.  One should insist to behave so that Maharaj and Muktas are pleased and he should constantly remain alert for that purpose. And rules of conduct given by Muktas should be observed thoroughly. If these rules are altered, blessings of Muktas become void and the door of salvation will be closed. Therefore commands should be observed perfectly and if there is any mistake one should repent by remembering Muktas. Bad and good thoughts are seen by Maharaj and Muktas and if we repent by knowing that, we shall get ultimate salvation.  If senses are controlled, Jiva is controlled and he will not be crazy for eating, drinking and he will not waste his tongue.  The one who fulfils the duty of the householder is better than the passionate renunciate. Passion is very bad. 

There was a person in some village whose children did not survive.  The person took the vow of goddess and according to the vow he would eat from a broken clay vessel and that too by standing only. His wife would not allow the child’s excreta to fall on the ground for the twelve months and every thing would be kept in a cloth and after twelve months every thing would be taken to goddess and after worshipping her she would wash clothes. Then only the vow would be over. After twelve months the woman carried a big bundle of clothes on her head and her husband took the child in his hand and kept broken clay vessel on his head.  Thus they started. On the way they met a devotee.  He asked where they were going and asked about the bundle and the vessel.  Then husband told everything. So much was done for the child.  How important the child was!  Ignorant Jiva has such importance of perishable objects.  If such efforts are put for God saints, there will not be any hurdle in salvation.          || 108 ||