Gujarati / English

વૃષપુરના મંદિરની મેડીનું કામ ચાલતું હતું, ત્યારે પુરાણી કેશવપ્રિયદાસજી ભુજ ગયા હતા. તે માગશર માસમાં વૃષપુર બાપાશ્રીનાં દર્શને આવેલા, સાથે ભોગીલાલભાઈ તથા ધનજીભાઈ આવ્યા હતા.

તે સર્વેને બાપાશ્રી મળ્યા ને કહ્યું જે, “અમારે તો હમણાં મંદિરની મેડીનું કામ ચાલે છે તેથી હરિભક્તો સવાર-સાંજ કામમાં પડ્યા હોય છે. રાતે થાક્યા હોય તેથી કથા-વાર્તા ટાણે પતાવી લઈએ છીએ.”

એમ કહી ભોગીલાલભાઈ તથા ધનજીભાઈને પાણી મંગાવીને પાયું. પછી બાપાશ્રી ખુરશી પર ચોકમાં બેઠેલા ને હરિભક્તો કામ કરતા હતા.

તેમની બાપાશ્રીએ પ્રશંસા કરી કે, “નાના-મોટા સૌ હરિભક્તોને સેવા કરવાની તાણ સારી છે. વાડીઓનાં કામકાજ મેલીને સૌ દાખડા કરે છે. મંદિરના કામમાં સંત-હરિભક્તો સૌને સરખી તાણ ને હોંશ છે. કેમ જે આ સેવાથી શ્રીજી મહારાજ રાજી થશે, એમ એ બધા જાણે છે.”

એમ કહી ભોગીલાલભાઈ તથા ધનજીભાઈને કહ્યું જે, “મોટા મોટા નંદ સદગુરુઓ તથા હરિભક્તોએ આવાં મંદિર તૈયાર કરી દીધાં છે તેથી આપણે કાંઈ કરવું રહ્યું નથી. એમના દાખડા બહુ જબરા. ગામોગામ નાનાં-મોટાં મંદિર તથા મોટાં ધામ પણ જબરાં બાંધ્યાં, દિવ્ય શાસ્ત્રો કર્યાં, મોટા મોટા મુક્તો લાવ્યા; એવી શ્રીજી મહારાજે જીવો ઉપર ઘણી દયા કરી છે. હવે તો એ મૂર્તિને મુખ્ય રાખીને પોતાનું પૂરું કરી લેવું.”

પછી પુરાણી કેશવપ્રિયદાસજી આવ્યા. ત્યારે ભોગીલાલભાઈ તથા ધનજીભાઈને કહ્યું જે, “આ પુરાણી શ્રીજી મહારાજને સુખે સુખિયા છે. અર્જુને મચ્છ વેંધવા એક વૃત્તિ કરી હતી તેમ મૂર્તિ આકારે વૃત્તિ તેમણે કરી મેલી છે.

“જેને મૂર્તિના સુખનો મહિમા સમજાય તેને બીજાં સુખ કચરા જેવાં થઈ જાય છે. આપણને તો મૂર્તિની પ્રાપ્તિનો લાભ જબરો મળ્યો છે, પણ જો સમજણ ન હોય તો અફસોસ મટે નહિ. આપણે હવે મહારાજ તથા મોટા અનાદિને ખરેખરા જીવનરૂપ કરી રાખવા; કેમ કે તે થકી આપણું આત્યંતિક મોક્ષરૂપ કામ થાય છે. મોટા મુક્ત દયા કરીને હિંમત આપે છે ત્યારે કસર માત્ર ટળી જાય છે તેથી જીવમાં તત્કાળ બળ આવે છે. એમના રાજીપા વિના કારણ શરીર નાશ પામે નહિ. મોટા અનાદિ તો મહારાજના સંકલ્પ ભેગો સંકલ્પ મેળવીને અનેક જીવને સુખિયા કરી મૂકે છે. તેની જીવને શું ખબર પડે! સાધનદશાવાળાને મૂર્તિના સુખની પ્રાપ્તિ થઈ હોય તોપણ બીજી ક્રિયામાં તેને વિક્ષેપ થઈ જાય અને મોટા મુક્તને તો શ્રીજી મહારાજની પેઠે કોઈ વિક્ષેપ છે જ નહિ. એવા સ્વતંત્ર મુક્તની વાત જુદી છે. માટે એમને રાજી કરવા, મહિમા જાણી જોગ કરવો.

“શ્રીજી મહારાજે કેવળ કરુણા કરી પોતાના અનાદિમુક્તોએ સહિત આ લોકમાં દર્શન આપ્યાં. એ કેવડી દયા! નહિ તો લાખ વરસ ઊંધે માથે વાયુ ભક્ષણ કરીને તપ કરે તોય એમનાં દર્શન ન થાય એવા મોંઘા છે. મહારાજ તથા મોટા મુક્તનાં દર્શન થયાં હોય, વાયરો અડ્યો હોય, અથવા બે શબ્દ જીવમાં પડી ગયા હોય તોય બહુ બળ આવે છે. ઝાડ, પહાડ, વૃક્ષ, વેલી આદિ જે જે તેમની દૃષ્ટિએ પડે તેનાં પણ ધન્ય ભાગ્ય. આપણે તો બહુ ભારે ટાણું આવી ગયું છે, માટે અખંડ સોહાગી થવું. જીવ માયાને આધીન થઈને સુષુપ્તિમાં જાય છે, પણ જો અંતરવૃત્તિ કરીને મૂર્તિમાં ઉપશમ કરે તો સુખિયો થઈ જાય. આવો જોગ ને આ સુખ ખોળ્યું પણ જડશે નહિ, માટે લક્ષ્યાર્થ કરવો અને આવી વાત એકબીજાને માટે કહેવી. આ જોગ અત્યારે બહુ સુગમ છે, પણ અગમ થાય તો પસ્તાવો ઘણો થાય. માટે કથા, વાર્તા, ધ્યાન, ભજન કરીને મૂર્તિમાં જોડાવું.

“સર્વે સારનું સાર શ્રીજી મહારાજની મૂર્તિ છે. આવી વાતો કરતાં કરતાં જીવમાં સાક્ષાત્કાર થઈ જાય. મોટા અનાદિના શબ્દ તો બહુ ચમત્કારી હોય, તેથી એવા શબ્દ જીવમાં જેમ જેમ ઊતરતાં જાય તેમ તેમ સુખ, સામર્થી ને પ્રકાશ વધતાં જાય; માટે તેમના જોગ-સમાગમની, રાજીપાની ને સેવાની ગરજ રાખવી. મોટા તો મૂર્તિના સુખમાં જ રમ્યા કરે છે ને મૂર્તિમાં રહ્યા થકા મહારાજના સંકલ્પે દેખાય છે. તેથી એવા મોટા, મહારાજનો જેવો છે તેવો મહિમા સમજાવે તો સુખ લેવાની ગતિ વધારે થાય. મોટાની દૃષ્ટિમાં તથા રાજીપામાં જે આવ્યા હોય તે કેમ ઓળખાય? તો એ મૂર્તિ વિના રહી શકે નહિ. એ તો કથા, વાર્તા, ધ્યાન, ભજન કર્યા કરે. એની દરેક વાતમાં મૂર્તિનું મુખ્યપણું આવતું હોય. સત્સંગમાં સૌ તેનું પ્રમાણ કરે ત્યારે જાણવું જે આના ઉપર મોટાનો રાજીપો છે.”

પછી ભોગીલાલભાઈ તથા ધનજીભાઈએ બાપાશ્રીને પ્રાર્થના કરી જે, “બાપા! આપે અમને પોતાના જાણ્યા છે, તેમ સદાય કૃપાદૃષ્ટિ રાખજો.”

ત્યારે બાપાશ્રી પુરાણી કેશવપ્રિયદાસજીને માથે હાથ મૂકીને બોલ્યા જે, “આવા સાધુને સેવજો, આ સાધુ ખરા છે. કારણ મૂર્તિને વળગી પડ્યા છે અને બ્રહ્મચારી નિર્ગુણાનંદજી જેવા નિર્ગુણ છે. તેને મારું-તારું નથી, હર્ષ-શોક નથી, તેમ કોઈ પ્રકારનો મમત્વ નથી. અમારા સારુ અમદાવાદથી અહીં આવીને બેઠા છે. અમે પણ આવા સાધુને અખંડ સંભારીએ છીએ.”

એમ કહી ભોગીલાલભાઈ તથા ધનજીભાઈને બાપાશ્રી મળ્યા ને કહ્યું જે, “આ મેડીનું કામ પૂરું થયે હવે અમારે એક મોટો યજ્ઞ કરવો છે એમ અમે સદગુરુઓને કહ્યું છે; તે ચૈત્ર માસમાં જરૂર કરશું.”

ત્યારે ભોગીલાલભાઈ કહે, “બાપા! આપ તો સદાય એ જ કરો છો અને એવો સંકલ્પ કરશો તો તે પણ થશે.”

એમ કહી તે બન્ને ભુજ ગયા, અને પુરાણી કેશવપ્રિયદાસજી પણ બે દિવસ રહી પછી ભુજ ગયા. બીજા સંત-હરિભક્તો દર્શને આવે ને જાય તે સર્વને કથાપ્રસંગે બાપાશ્રી વાતો કરે. એમ મેડીનું કામ પૂરું થયું ત્યાં સુધી બાપાશ્રી પણ સવારે કથા-વાર્તા કરી કામ કરનારા પાસે સવારે તથા સાંજના આવી બેસે, જે જે સેવાઓ કરતા તેના પર ઘણો રાજીપો બતાવી પ્રસાદીઓ આપે, રાત્રે સભામાં વાતો કરે, એમ મહા વદમાં લગભગ કામ પૂરું થઈ રહ્યું.    II ૧૨૫ II

 

 

When the work of upper storey of Vṛṣpur temple was going on, Purāṇī Keśavpriyadāsjī had gone to Bhuj. In the month of Magsar he came to Vṛṣpur along with Bhogīlālbhāī and Dhanjībhāī for darśan of Bāpāśrī. Bāpāśrī met all and said, “Here the work of construction of the upper storey is in progress so devotees are busy from morning to evening.  They get tired so kathā-vārtā is completed in time.” Then Bāpāśrī got water for Bhogīlālbhāī and Dhanjībhāī and gave it to them. Then Bāpāśrī was sitting in the square on a chair and devotees were working. Bāpāśrī praised them by saying that all young or old are eager for sevā. They have given up the work in their farms and work here. For the work of temple saints and devotees all have equal eagerness and enthusiasm, as they know that Śrījī Mahārāj will be pleased by this sevā. He told Bhogīlālbhāī and Dhanjībhāī, “Great Naṅda Sadgurus and devotees have built such temples. So we have nothing to do more. Their work is praise worthy. In every village they have built small or big temples and also big temples, prepared divine scriptures, brought great muktas- thus Śrījī Mahārāj has shown much mercy on jīvas. Now for us Mūrti should be the goal and get ourselves fulfilled.” Then Purāṇī Keśavpriyadāsjī came. Then Bāpāśrī told Bhogīlālbhāī and Dhanjībhāī that this Purāṇī is happy in the happiness of Śrījī Mahārāj. Arjun’s goal was to shoot the fish so all his concentration was on the fish. Similarly Purāṇī has made his tendency (vṛtti) on Mūrti only. The one who understands the importance of happiness of Mūrti will consider other happiness as worthless. We have got much benefit of achievement of Mūrti but if there is no understanding, regret will not be over. Now we should consider Mahārāj and great Anādi as the form of our life because of them our goal of ultimate liberation becomes true. Great muktas mercifully give us courage, so that there remains no shortcomings and jīva immediately gets strength. The causal body will not be ruined without their pleasure. Great Anādi merge his saṅkalpa with the saṅkalpa of Mahārāj and make many jīvas happy-what does jīva know about it! For seekers though they have achieved happiness of Mūrti they will be disturbed in other activity whereas great muktas like Śrījī Mahārāj have no disturbance- the talk of such independent muktas is peculiar. Therefore, they should be pleased and we should associate with them knowing their greatness. Śrījī Mahārāj along with His Anādi muktas has given darśan in this world- it is His only compassion. What a great mercy! Otherwise if one does penance for thousands of years with sirshasan and taking air only, even then their darśan is not possible. It is rare. If anyone had darśan of Mahārāj and great muktas, the wind which has touched them touches him or two words of theirs had gone in jīva, it gives much strength. The tree, the mountain, the creeper, etc.- whatever comes under their sight is also fortunate. For us it is the great opportunity. So must seize it. Jīva under the influence of māyā becomes drowsy. But if it   becomes introvert and becomes tranquil in Mūrti, it will be happy. Such opportunity and such happiness will not be found even if one looks for it. Therefore, make lakṣyārtha (one’s state in absolute sense) and such talk should be conveyed to one another. Presently this opportunity is easily available. But if it becomes difficult, there will much regret. Therefore, do kathā-vārtā, meditation, bhajan and join Mūrti. The essence of all essence is Mūrti. Talking thus, there will be realisation in jīva. The words of great Anādi are very miraculous so when such words go deep in jīva, the happiness, capacity and brightness go on increasing. Therefore, show need for sevā, pleasure and association of them. Muktas enjoy in the bliss of Mūrti and they dwelling in Mūrti are seen by Mahārāj’s saṅkalpa. Therefore, if such muktas explain the greatness of Mahārāj as it is, pace of taking happiness increases. How can those who have come in the sight of muktas and in their pleasure be recognised?- they cannot live without Mūrti, it is their identification. They go on doing kathā-vārtā, meditation, bhajan. In every talk of theirs Mūrti will be the main topic. When all certify him in satsaṅg, we should know that, muktas are pleased with him.” Bhogīlālbhāī and Dhanjībhāī requested Bāpāśrī that since they have been considered as his, they should always be favoured with his merciful sight. Then Bāpāśrī putting his hand on the head of Purāṇī Keśavpriyadāsjī said, “Get attached to such saint who is saint in real sense. He has stuck to the causal Mūrti and he is above attributes like Brahmachārī Nirgunanand -he has nothing to do with mine or thine, nothing to do with joy or sorrow and has no attachment whatsoever. For me he has come from Amdāvād and is with me. I also constantly remember such saint.” Saying thus Bāpāśrī met Bhogīlālbhāī and Dhanjībhāī and said that when the work of the upper storey was over, a big yajña is to be performed as I have told to Sadgurus-that will definitely be performed in the month of Chaitra.” Bhogīlālbhāī said, “Bāpā! You always do the same and your, such saṅkalpa will also be realised.” Both of them went to Bhuj and Purāṇī Keśavpriyadāsjī also went to Bhuj after two days. Other saints and devotees came and had darśan, Bāpāśrī talked with them, during the kathā. Similarly till the work of upper storey was over, Bāpāśrī used to do kathā-vārtā in the morning and sit with workers in the morning and evening. Bāpāśrī showing his pleasure would distribute prasād to all who were rendering sevā– at night he talked in assembly. Thus, the work was practically over in the second half of month Mahā Vad. || 125 ||