Gujarati / English

સાંજે સભામાં બાપાશ્રીએ વાત કરી જે, “શ્રીજી મહારાજ નરનારાયણને મિષે પ્રગટ થયા તેથી મહારાજને નરનારાયણ કહ્યા હોય, ત્યારે નર તે મુક્ત અને નારાયણ તે મહારાજ એમ જાણવું. મહારાજ અને અનાદિમુક્તને જુદાપણું નથી; રસબસ છે, તાણા-વાણાની પેઠે છે. બીજા અવતાર તો પોતે પોતાના ધામ બાંધીને બેઠા છે, માટે નોખા  ને અતિશે ન્યૂન છે અને ઐશ્વર્યાર્થી છે. આવું જેને મહારાજનું માહાત્મ્ય સમજાણું હોય તેને પ્રકૃતિપુરુષથી લઈને અક્ષર પર્યંત સર્વે તુચ્છ થઈ જાય.  જેમ નઠારી વસ્તુને ફેર સંભારતા નથી એવું માયાનું કાર્ય થઈ જાય.

“મહારાજ તો અણુઅણુ પ્રત્યે અંતર્યામી શક્તિએ રહ્યા છે અને સત્સંગમાં સાક્ષાત્ રહ્યા છે. પણ જીવને એવું જણાતું નથી, કેમ જે મનુષ્યની મર્યાદા રહે છે એટલી પણ મહારાજની મર્યાદા રહેતી નથી; એટલું છાનું નાસ્તિકપણું છે. મહારાજ અને મોટાની મોટયપ માયિક દૃષ્ટાંતે કરીને કહેવી પડે છે તે તો કેવું છે? તો ચક્રવર્તી રાજાને રાંકની ઉપમા દીધા જેવું છે.

“અનાદિમુક્તને મતે એક મૂર્તિ વિના બીજું ધામ કે કાંઈ નથી. એવા મોટાને વિષે જેને આત્મબુદ્ધિ થઈ તેને સર્વે પ્રાપ્તિ થઈ રહી છે એમ જાણવું. અભક્ત હોય તે મોટા અનાદિને ઓળખે નહિ અને આસુરી જીવ હોય તે તો ઊલટો દ્રોહ કરે. અ.મુ. સદ્. ગોપાળાનંદ સ્વામીને અને ગુણાતીતાનંદ સ્વામીને ખૂણિયા જ્ઞાનવાળા કહેતા, એ સત્સંગમાં કુસંગ કહેવાય. તેને મોટાના સમાગમવાળા જાણે જે, ‘આ બિચારા પામર છે, તે એને ગોળ-ખોળની ખબર નથી.’ જેણે જેણે ભગવાનના મુક્ત સાથે કપટ કર્યું હશે તે સુખિયા થયા નથી અને થશે પણ નહિ, સામા વધુ દુખિયા થશે; તે ઊંડા ઊતરીને જુએ તો માલમ પડે.

“આપણે તો મહારાજના મોટા અનાદિમુક્તનો જોગ કરી લેવો, કેમ જે શ્રીજી મહારાજ કલ્યાણ તથા પોતાનું સુખ તે મુક્ત પાસે અપાવે છે. માટે સાધનદશાવાળા મોક્ષાર્થીને મુક્તને શરણે થયા વિના પોતાને બળે તે સુખ પમાતું નથી અને મહારાજના સુખમાં પહોંચ્યા પછી કોઈ મુક્તની અપેક્ષા રહેતી નથી.

“મહારાજે કહ્યું જે, ‘નાથ ભક્તના હજાર રૂપિયા અને ઝીંઝુવાડાનું કાસીદું કરી આવ્યો જે બ્રાહ્મણ તેનો  એક રૂપિયો તે બેય સરખું છે.’ કેમ જે નાથ ભક્ત પાસે હજાર રૂપિયા હતા તેથી તેણે ઘેબરની રસોઈ આપી અને એ બ્રાહ્મણ પાસે એક રૂપિયો હતો તે મહારાજને અર્પણ કર્યો, માટે બેયને બરાબર કહ્યા.

“ભગવાન અને સંત ધીરે ધીરે બહુ કામ કરે છે, પણ તુરત સુખ દેખાડી દેતા નથી. જ્યારે પ્રગટ સુખ મળે ત્યારે તો એ મૂર્તિના સુખ વિના બીજું કાંઈ રહે જ નહિ. મોટા મુક્ત તો જેમ ઘડામાં ઘી થીજી જાય તેમ મૂર્તિમાં થીજી ગયા છે અને જીવને એવી જ રીતે મૂર્તિમાં સુખિયા કરે છે.

“આપણે તો નાના-મોટા જે સ્વામિનારાયણના આશ્રિત છે એ સર્વે અક્ષરધામમાં મહાપ્રભુની સભામાં જે છે તે જ આ છે એમ જાણવું, પણ અણુમાત્ર ન્યૂન નથી. જેમ રાજાને ઘેર કુંવર જન્મે તે રાજા જ કહેવાય તેમ જેને સ્વામિનારાયણનો આશરો છે, તે સ્વામિનારાયણના દીકરા છે. તે અક્ષરધામમાં અનાદિમુક્ત છે તે જેવા જ થશે; માટે આજથી આપણે તેમને મુક્ત જાણવા. શ્રીજી મહારાજ પોતાના સર્વે આશ્રિતોને સરખું સુખ આપે છે. જેમ આ લોકમાં એક બાપને ત્રણ દીકરા હોય તેમાં એક ગાંડો હોય ને એક વ્યવહાર ચલાવતો હોય ને નિત્ય પચાસ રૂપિયા કમાઈ લાવતો હોય, પણ તે સર્વેના ઉપર બાપ સરખા પ્રસન્ન રહે છે. તેમાં જે ગાંડો હોય તેની ખબર પોતે રાખે છે તેમ મહારાજ પણ નિજ આશ્રિતોની ખબર રાખે છે. જેમ નંદાસણથી ભુલા ભક્ત ગઢડે મહારાજનાં દર્શન કરવા ગયા, ત્યારે મહારાજે માર્ગમાં રક્ષા કરી તેમ સહાય કરે છે.

“અનાદિમુક્તની તો વાત જ જુદી છે. માટે અનાદિમુક્તનો જોગ કરવો. તો અનાદિમુક્ત પોતાના જોગ કરનારને માયા, દેહ, વિષય, રાગ એ આદિક સર્વે થકી ત્યાગી કરી મૂકે. એવા મુક્ત તો સરવાણી પાણી જેવા છે. તેને શબ્દની કિંમત નથી, પ્રકૃતિપુરુષ ને તેના કાર્યની કિંમત નથી. તે તો સદા મૂર્તિના સુખે સુખિયા છે ને સદા મૂર્તિમાં જ રસબસ છે. તે મૂર્તિ સર્વોપરી છે, બીજા કોઈ અવતારની એને ઉપમા દેવાય નહિ. મહારાજે લોયાના ૧૪મા વચનામૃતમાં કહ્યું છે જે, ‘અમો અવતાર-અવતારી ભેદમાં નથી. એ સર્વેથી ન્યારા છીએ.’ એ વાત અનાદિમુક્તના જોગથી સમજાય છે. તે અનાદિના જોગથી નિષ્કામ એટલે કે અનાદિ થાય. એક પારસથી પારસ બને તે પારસ ઉત્તમ છે; તેમ પોતા જેવા કરે તે અનાદિમુક્ત છે. ઉત્તમ રુચિવાળાને મહારાજ જરૂર એવો જોગ મેળવે.

“આપણે તો મહારાજને સદાય સાથે રાખવા, દાસપણું રાખવું. સત્સંગમાં દાસપણું હોય એ જ ઊંચે દરજ્જે ચડે છે. આ લોકમાં અપમાન થાય તોય સહન કરવું, તો ઘણો લાભ થાય. સત્સંગમાં કુસંગ કિયો? તો મહારાજને હાથમાં આવવા દે નહિ તે.

“મૂર્તિ સિદ્ધ કરી હોય તોપણ તેને પરમ એકાંતિક તથા અનાદિનો જોગ જોઈએ; કેમ જે ભોમિયા તો એ જ છે તે મહારાજનો દિવ્ય ભાવ સમજાવે, મહિમા જણાવે, જ્ઞાનનો પાર પમાડે ને સુખની પ્રાપ્તિ કરાવે. જેના અંતરમાં મહારાજનું સુખ છે તેને ત્રણે અવસ્થામાં સાક્ષાત્કાર થઈ ગયો છે તે જુદા પડતા નથી; જેમ દેહ ને જીવ જુદા પડતા નથી તેમ. એ કારણ મૂર્તિ હાથ આવે તેને કાર્યની જરૂર રહેતી નથી. જ્યારે તેજમાં મૂર્તિ દેખાય ત્યારે તે કારણ મૂર્તિ છે એમ જાણવું. તે મૂર્તિ શ્વેત છે, તેજોમય છે. તે મૂર્તિ વિના પોતાનો દેહ આદિ કાંઈ વહાલું ન હોય ત્યારે જાણીએ જે પૂરું થયું. મૂર્તિ વિના બીજું પ્રધાન જણાય એટલું અધુરું જાણવું. અતર્વૃત્તિએ અને સાંખ્ય વિચારે કરીને દાખડો કરતો જાય તેમ તેમ દિવ્ય ભાવ જણાતો જાય ને સુખ આવતું જાય. એમ કરતાં કરતાં જ્યારે શુદ્ધ પાત્ર થાય ત્યારે પ્રતિમાનાં દર્શન સાક્ષાત્કાર જેવાં થાય અને સર્વે મનોરથ પૂરણ કરે. પછી તેની સાથે બોલે, વાતો કરે– જો દિવ્ય ભાવ આવે તો. પણ જીવ માયાને આધીન થઈ ગયો છે, તે સાધુ, બ્રહ્મચારી, હરિજનોની ગણતરી નહિ; એવો એકદેશી થઈ ગયો છે. તેથી માયા પ્રધાન રહે છે ને મૂર્તિનો, સાધુનો, અને હરિજનનો ભાર નથી આવતો. એને ક્યાંથી સુખ આવે!

“મૂર્તિ અને મુક્તને ભૂલીને વિદ્યા, સાધન એ આદિકને સંભારવા એ હલર-વલર કહેવાય; ત્યારે મહારાજ ને મોટા એમ જાણે જે આ બાળકિયા સ્વભાવ કરે છે. માટે કાર્યથી જુદો પડીને મૂર્તિ પકડે તો સદા સુખિયો થઈ જાય. મોટાનો જોગ કરીને ધ્યાન સિદ્ધ કરીને મૂર્તિ પામવી; તો જોગ કર્યાનું ફળ મળ્યું જાણવું. જેમ શાળ ઉપર ફોતરૂં હોય છે તેણે કરીને દાણા પાકે છે તેમ સાધને કરીને મૂર્તિ સિદ્ધ કરવી. મૂર્તિ સિદ્ધ થયા પછી સાધન પૂરાં થયાં જાણવાં, માટે એક મૂર્તિ રાખવી. પદાર્થ પોતે ભેળાં કરીને તેણે કરીને ઉત્સવ-સમૈયા કરે ને તેને સંભારીને રાજી થાય તે કાર્ય કહેવાય, પણ મૂર્તિ વિના એણે કરીને સુખ ન થાય. મૂર્તિ ભૂલીને એકલું કાર્ય સંભારે તો તે કણ ફગાવીને કુશ્કા રાખ્યા જેવું છે.

“ઘેર ઘેર આવા મુક્ત ન હોય. માટે આ અવસરે ચેતી લેવું. એક ક્ષણવાર મૂર્તિ ભૂલવી નહિ. મોટાના જોગનો પારખું થાય અને મોટા કહે તેમ કરે ને આ લોકના સુખથી લૂખો થઈ મહારાજના સુખમાં જોડાઈ જાય. અવયવ ન ફરે તો આ લોકમાંથી લૂખો થાય નહિ. માટે આ લોકમાંથી લૂખા થઈને મહારાજની મૂર્તિમાં જોડાઈ જાય તો અવયવ ફર્યા કહેવાય. પ્રાયશ્ચિત્ત કરે તો દેહની શુદ્ધિ થાય અને સેવા, માળા, ધ્યાન આદિકે જીવની શુદ્ધિ થાય છે. ખરેખરો થઈને મંડે તો મહારાજ અને મોટા સહાયમાં ઊભા છે, કોઈ દિવસ જુદા છે જ નહિ. હું જે જે ઘાટ-સંકલ્પ કરું છું તે સર્વે મહારાજ ને મોટા જાણે છે એવી મર્યાદા રાખીને ખરી આતુરતાથી મંડે તો મહાસુખિયો બ્રહ્મરૂપ કરી મૂકે. બ્રહ્મમય દેહ એટલે બ્રહ્મ જે ભગવાન તે મય એટલે કે તે રૂપ થાય છે; ત્યારે મૂર્તિને પામે છે.

“જેમ હજૂરી રાજાનો માણસ છે અને થાણદાર પણ રાજાનો મનુષ્ય છે, પણ હજૂરી તેડવા આવે તો રાજા પાસે બેસારે અને થાણદાર તેડવા આવે તો કેદમાં પૂરે; તેમ અનાદિમુક્ત મળે તો શ્રીજીની મૂર્તિમાં લઈ જાય અને તે વિનાના તો બીજા ધામમાં લઈ જાય. મહારાજ અને મોટા અનાદિનો મહિમા સમજાય ત્યારે શ્રદ્ધા વધે, દેહના ઘસારાને પણ ન ગણે, માન-અપમાનને પણ ન ગણે; એને તો એક મૂર્તિનું જ તાન હોય. એ જેવો તેવો હોય તોપણ અમને ગમે છે. જેવો તેવો એટલે મૂર્તિમાં જોડાઈ જાય તેથી નાવા-ધોવાની કે કોઈને અડી જવાની એવી ક્રિયા કદાપિ ન કરી શકે. જેમ ગોરધનભાઈ દાતણ પડ્યું મૂકીને નાહ્યા વિના જમવા મંડ્યા અને મહારાજની પૂજા કરવાનું ચંદન ડબામાં હતું તેમાં પગ બોળ્યો, એમ થઈ જાય તોપણ મહારાજને ગમે છે. એવા મુક્તને બાધ નથી. જેમ રાજાનો કુંવર રાજ્યમાં ચાહે ત્યાં હરે ફરે, પણ કોઈથી એને દુઃખ દઈ શકાય નહિ. તેમ એવા મુક્તને માથે કાળ, માયા, પુરુષ, બ્રહ્મ, અક્ષર આદિ કોઈનો હુકમ નથી ને એ સર્વે રાજી કરવા ઈચ્છે છે.

“આમ ન સમજાય ને એકલી વિદ્યાને નોરે ચડી જવાય એમાં તો કુસંગ કહેવાય. માટે વિદ્યાની શુદ્ધિ પણ મોટાનો જોગ હોય ત્યારે જ થાય છે અને ત્યારે જ ભગવાનમાં વૃત્તિ રહે છે. શ્રીજી મહારાજે પ્રથમ પ્રકરણના ૪૯મા વચનામૃતમાં કહ્યું છે જે, ‘ભગવાનના સ્વરૂપમાં જેની વૃત્તિ ન રહે તે ભગવાનનો ભક્ત નહિ.’ માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તો જ ભક્ત કહેવાય. જ્યાં સુધી ભગવાનની મૂર્તિમાં અખંડ વૃત્તિ ન રહે ત્યાં સુધી માયાના ગુણ ટળે નહિ અને દુખિયો મટે નહિ. પણ મૂર્તિમાં વૃત્તિ રાખતાં રાખતાં જ્યારે માયા છે જ નહિ એવું થાય ત્યારે સુખિયો.”  II ૩૭ II

In the evening assembly, Bāpāśrī talked. He said, “Śrījī Mahārāj incarnated as Narnārāyaṇa so Mahārāj has been called Narnārāyaṇa. We should know that Nar is mukta, and Nārāyaṇa is Mahārāj. Mahārāj and Anādi muktas are not separate, engrossed in one another like knitted thread- means they are in harmony. Other incarnations are there and they have built their own abodes so they are separate and very insignificant and desirous of splendour. If one has known such greatness of Mahārāj, he will consider from Prakṛti Puruṣa to Akṣar everything as trivial. Just as we do not remember bad thing again so also it will be with māyā. Mahārāj dwells in every atom with His concealed power and He Himself is there in satsaṅg. But jīva does not know thus because it is restrained by human being.  Even such restrain is not shown for Mahārāj –means there is secret atheism. The greatness of Mahārāj and muktas has to be described with māyik example; it is just like giving simile of the wretched to sovereign. According to Anādi muktas there is no any other abode excepting Mūrti or there is nothing else. If one gets ‘ātmabuddhi’ (self-intelligence) for such muktas, it should be known that everything is achieved by him. The one who is not a devotee will not recognise great Anādi whereas devilish jīva on the contrary will betray. Anādi Mukta Sadguru Gopālānaṅd Swāmī and  Guṇātitānaṅd Swāmī were called by some ignorant person as having knowledge more than necessary- this is called kusaṅg (bad company) in satsaṅg. Such persons are known as miserable by those who associate with muktas because they have no knowledge. Those who have cheated God’s muktas have not become happy and will also not become happy. On the contrary, they will become more unhappy-if they think deeply, then only they can know it. We should take the opportunity of associating with great anādi mukta of Mahārāj because Mahārāj gives His bliss and salvation through mukta. Therefore, unless seekers seeking salvation surrender to muktas they cannot get happiness by their own efforts. After reaching in the happiness of Mahārāj there is no need of any muktas. Mahārāj has said, “ Thousand rupees of Nāth  Bhakta and a rupee of Brāhmaṇa who has earned a rupee by going to village Zīṅzuwāḍā for delivering a message, are equal, because Nāth Bhakta had thousand rupees so he offered rasoī (meal) of ghebar (a kind of sweet) and the Brāhmaṇa had a rupee which he gave to Mahārāj – so both are called equal. God and saint show much favour but slowly, they do not give happiness soon. When one gets bliss with realisation, there remains nothing excepting bliss of Mūrti. Great muktas are frozen in Mūrti in the same way in which ghee freezes in an earthen pot, and they make jīva happy in Mūrti in the same way. We should know that small or big who are followers of Swāmīnārāyaṇa are the same as and all are in the assembly of Mahāprabhujī in Akṣardhām are same but not less than it even by an atom. Just as a baby boy takes birth at the king’s house is called the king. Similarly, those who have taken shelter under Swāmīnārāyaṇa are children of Swāmīnārāyaṇa. They will become the same as the Anādi muktas of Akṣardhām. Therefore, we should know them muktas from now onward. Śrījī Mahārāj gives equal happiness to all His followers. Just as in this world a father has three sons, among them one is mad, one handles responsibility and one earns fifty rupees daily- the father is equally happy with all- father himself looks after the mad son. Similarly, Mahārāj also looks after His follower. Just as when Bhulā Bhakta went for darśan of Mahārāj at Gaḍhaḍā from village Naṅdāsaṇa, Mahārāj protected him on the way- He helps in the same way. Whereas Anādi muktas are distinct. Therefore, one should associate with anādi mukta. Anādi muktas will make the one who associates with them renouncer of māyā, body, passion, attachment, etc. Such muktas are like stream of water. They have no value of word. Prakṛti Puruṣa has no value of their work. They are always happy in the happiness of Mūrti and are always engrossed in Mūrti. That Mūrti is supreme most. It cannot be given simile of any incarnation. In the 14th Vachanāmṛt of Loyā Mahārāj has said, “We are beyond the identities of incarnate and incarnation.” We are distinct from all. This point can be understood by associating with Anādi muktas. In this association, one becomes passionless (niṣkām-to observe complete celibacy) i.e. he becomes Anādi. A gem begets a gem, that gem is the best, similarly, the one who makes others as he is, is anādi mukta. Mahārāj will definitely get such opportunity for the one who has intense liking. We should always keep Mahārāj with us, should remain as servant. The one who behaves as a servant in satsaṅg progresses and reaches the top. If we bear insults of this world, we will get much benefit. Which is bad company in satsaṅg? It is that which does not allow us to realise Mahārāj. One needs association of param ekāṅtik and Anādi even if he has realised Mūrti, because the guide is the one who explains divine feeling of Mahārāj, explains His greatness, gives full knowledge and gets happiness achieved. The one who has bliss of Mahārāj inwardly has realised in all three states- he is not separated. Just as the body and jīva do not separate, similarly, if causal Mūrti is achieved it is not necessary for him for the activity. When Mūrti is seen in luminescence, we should consider that it is causal (ultimate) Mūrti. That Mūrti is white and luminous. When one’s body, etc. or any other thing excepting Mūrti is not dear to him, we should know that he is fulfilled. If something else appears to be prime other than Mūrti, we should consider that it is incomplete in that much proportion. If one puts effort introvertly and according to Sāṅkhya philosophy, divine feeling develops by and by and happiness comes. While carrying on thus and when one becomes pure and worthy, darśan of idol will appear to be realised one, and all wishes will be fulfilled. Then idol speaks and talks with jīva if he has divine feeling, but jīva has become victim of māyā so he has no value for saint, celibate, devotee, etc.- he has become such one sided. Therefore, māyā remains prime for him; so, Mūrti, saints, devotees are not valuable to him. How can he get happiness? If one gives importance to education, means, etc. forgetting Mūrti and muktas it is worthless. Then Mahārāj and muktas know that he is childish. Therefore, if one separates himself from the activity and pursues Mūrti, he always becomes happy. After associating with muktas, realising Mūrti by meditation, Mūrti should be achieved than it can be known as the fruit of association of muktas. If unhusked rice is sowed, bumper crop of rice grows. Similarly, Mūrti should be realised by doing means. After realisation of Mūrti means should be known as completed, therefore keep only Mūrti. If one celebrates the festival and samaiyā by collecting necessary things and if he becomes pleased by remembering it, it is called an activity but he cannot get happiness because of that activity without Mūrti. If one remembers only activity forgetting Mūrti it is like keeping husk throwing away the grain. There can not be such muktas in every house. Therefore, we should be alert in this time. Mūrti should not be forgotten for a moment. If one realises importance of association with muktas, does as they tell him, neglects happiness of this world joins in the happiness of Mahārāj. If he does not change his mind, he will not be able to free himself from world. Therefore, if one becomes free from this world and joins Mūrti, it is said that he has changed his mind. Body is purified by doing repentance and jīva is purified by doing sevā (service), rosary, meditation, etc. If one does it sincerely, Mahārāj and muktas are always there to help-they are never separate. If one forms thoughts with the understanding that everything is known by Mahārāj and muktas, and keeps modesty and does sincerely for the goal, he will be made very happy form of Brahma. The body which is form of Brahma means God i.e. he becomes form of God and then only achieves Mūrti. Just as attendant is the king’s man and constable is also the king’s man but if the attendant comes to take us, he will make a seat near the king and if the constable comes, he will imprison us. Similarly if anādi mukta meets, he will take us in Śrījī’s Mūrti and if others come they will take us to other abodes. When greatness of Mahārāj and great Anādis is understood, faith will increase. He will not care for the wear and tear of body, even he will not care for honour or insult- he has strong fascination for Mūrti. He may be whatever he is but I like him- here it means after getting attachment to Mūrti he may not be able to perform activities like bathing, washing and touching to somebody etc. Just as Gordhanbhāī started taking dinner without brushing teeth and bathing and dipped his leg in the sandalwood paste, which was in the box and meant for performing pūjā of Mahārāj. Even then, he is liked by Mahārāj. Such muktas have no restrictions. Just as the prince of the king may go anywhere, in the kingdom but no one can harm him. Similarly, such muktas are above kāḷa (death), māyā, Puruṣa, Brahma, Akṣar, etc, and they are under no one’s rule; those all wish to please them. If this is not understood thus and sticks to only education, it is called kusaṅg (bad company). Therefore, purification of education (knowledge) takes place only when one comes in contact with muktas and then only his vṛtti (tendency) remains in God. In the 49th Vachanāmṛt of Gaḍhaḍā First Chapter, Śrījī Mahārāj has said that if one’s vṛtti does not remain in the form of God, is not God’s devotee. He is called devotee only when he keeps his vṛtti constantly in God’s Mūrti. Unless constant vṛtti is not there in God’s Mūrti, attributes of māyā cannot be avoided and unhappiness will not go. But while keeping vṛtti in Mūrti when he realises that there is nothing like māyā, he experiences bliss. || 37 ||