Gujarati / English

કથાની સમાપ્તિ થયા પછી બાપાશ્રી સભામાં બેઠા હતા. ત્યારે સ્વામી વૃંદાવનદાસજીએ કહ્યું કે, “બાપા! સૌને મૂર્તિના સુખમાં મેલી દેજો.”

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “આપણે એ જ કરવા આવ્યા છીએ, તમારું પણ એ જ કામ છે. મહારાજ ને મુક્ત તો એ એક જ કામ કરે છે. આવી વાત ન જાણતા હોય એ તો ફાવે તેમ બોલે તેનું આપણે કાંઈ નહિ. આપણે તો મૂર્તિના સુખનો જ આહાર કરવો. સુખના નિધિ એક શ્રીજી મહારાજ છે તે મૂર્તિ મૂકવી નહિ. ત્રિવિધ તાપમાં બળતા જીવને મહારાજ અને મોટા અનાદિ શીતળ શાંત કરે છે. તાપ બળતો હોય અને જો એ આપણને જ્ઞાન કરે તો ટાઢા થઈ જવાય. ‘શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય.’ એવું શ્રીજી મહારાજની મૂર્તિનું તેજ છે તે જો ભડકે તો લાડકીબાઈના જેવું થાય, માટે ભડકવું નહિ. કલ્પે કલ્પ વીતી જાય, પણ સુખ ને સુખ જ રહે છે. આપણે તો મહારાજ અને મોટાના ખોળામાં મસ્તક મૂકી દેવું. મોટા અનાદિ પૂરું કરી દેશે. એ વસ્તુ બહુ મોંઘી છે, સહેજમાં હાથ આવે એવી નથી. તેનો વિચાર કરવો તે અતિ કઠણ વાત છે. આપણા ઉપર મહારાજ તથા મોટાની દયા થઈ છે તેથી ખૂણામાંથી વસ્તુ મળી ગઈ છે તેને સાચવી રાખવી એ કરવાનું છે.”

પછી સંતો સામું જોઈને કહ્યું કે, “અમારા દેશમાં મોટા મોટા સદગુરુ ફર્યા તે બહુ સમાસ થયો ને ધોતિયાનું ગાડું ભરી લાવ્યા. એમાં સમજવાનું એમ છે જે પરિપકવ નિશ્ચયવાળાને સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, પણ એમાં લેવાવું નહિ. અને એમ જાણવું જે રાજાના કારભારી હોય તે જ્યાં જાય ત્યાં નવાં નવાં સન્માન મળે, એ બધું રાજાને લઈને છે; માટે પારકી મિલકતના ઘરાક થાવું નહિ. કોઈને એમ થાય જે અમે મોટા દિગ્વિજય કરીએ છીએ અને સત્સંગીને વાતેચીતે સુખિયા કરીએ છીએ એમ ન જાણવું. એ તો સર્વે મૂર્તિને લઈને સુખિયા છે. તે વિના કૂદી કૂદીને દેહ પાડી નાખે તોય સુખ ન થાય.

“આ તો મૂર્તિનો આનંદ છે, પણ સમજાતું નથી. નારદ, શુક, સનકાદિક તથા ગોપીઓ આદિકની પ્રાપ્તિ તો આ સુખની આગળ કાંઈ ગણતરીમાં નથી. આ ખંડનની વાત નથી, પણ મોટપની વાત છે. સંતના પાત્રમાંથી મોટા દેવાદિક પ્રસાદી લઈ ગયા એ બધા દેવ દિવ્ય થવા આવ્યા હતા. આપણા ઘરની આપણને જ ક્યાં ખબર છે! જેમ જેમ મહારાજની મૂર્તિને સમીપે ચાલે તેમ તેમ વિધિ વધારે કરવી જોઈએ. ખંડિયો રાજા રાજી થાય તો શું આપે? પણ ચક્રવર્તી રાજા રાજી થાય તો ન્યાલ કરે. તેમ બીજા અવતાર ખંડિયા રાજા જેવા છે અને મહારાજ તો ચક્રવર્તી રાજાને ઠેકાણે છે. સરકાર તો ફકત ટોપી પહેરીને ઘોડે બેસીને ફરવા જાય અને બીજાં રજવાડાં છે તે બાર મહિનામાં પાંચ-સાત વખત તો અસવારિયું કાઢે છે તે મોટાઈ દેખાડવા માટે છે. તેમ મહારાજ પોતાની મોટપ દેખાડતા નથી, પણ અવતારો મોટપ દેખાડે છે. તેથી મહારાજની મોટપ દેખાઈ આવે છે; કેમ કે ‘સર્વેના સ્વામી શ્રીહરિ રે સર્વેના કહાવિયા શ્યામ.’

“માટે શ્રીજી મહારાજને સાથે રાખે તો કોઈનો ભય રહે નહિ. ખરી મોટપ એક મહારાજની મૂર્તિમાં છે. જગતના જીવનું પ્રારબ્ધ બીજા છે અને આપણું પ્રારબ્ધ મહારાજ છે. ઘાટ-સંકલ્પ થતા હોય અને મહિમાએ સહિત ગદગદ કંઠે થઈને પ્રાર્થના કરે તો ઝેર ઊતરી જાય. પછી આ લોકમાં મોટપ, સારપ, કામ, ક્રોધ, એ કાંઈ વસ્તુ જ નથી. મોટપ એક મહારાજની મૂર્તિમાં છે. શીતળતા વગેરે સર્વે ગુણ તેમાં છે. બીજાં સુખ તો નકામાં છે, પણ મહારાજનો મહિમા ન હોય તો એમાંય માલ જણાય.

“દિવ્ય ભાવમાં માનસી પૂજા કરે તેને બહુ સુખ આવે. જેમ ભાવ બેસે તેમ કરવું. ભાવ ફકત સુખનો છે. સુખ મહારાજની મૂર્તિમાં છે. જબરા રાજ્યમાં બેઠા છીએ અને ધણી મોટા મળ્યા છે, પણ વાઘરણના સ્વભાવ જીવને બહુ નડે છે. જે સત્સંગને દિવ્ય ન સમજે અને સર્વેના ઉપરી મહારાજ છે એમ ન સમજે તેને આ લોકમાં ઘણું કરવાનું રહી જાય.

“એક પારસથી પારસ બને એવા મહારાજ છે. ઝવેરી જેમ નંગની પરીક્ષા કરે છે તેમ મહારાજની મૂર્તિનું પારખું કરવું. મોટા શેઠિયામાં ભાગ રાખવો, પણ જ્યાં ત્યાં ન રાખવો. ‘જેને જોઈએ તે આવો મોક્ષ માગવા આજ ધર્મવંશીને દ્વાર.’ આ તો સુખનો સમુદ્ર છે; કૂવો-તળાવ નથી જે સુકાઈ જાય. માટે મોટા સુખને પામવું હોય તો આવો મૂર્તિમાં. જેમ જેમ નવાં નવાં સુખ ભોગવતા જાય તેમ તેમ અપારપણું વધતું જાય. કલ્પેકલ્પ વીતી જાય એટલું એ સુખનું અપારપણું છે. અમે તો એવો જ આશીર્વાદ દઈએ છીએ કે બધોય સત્સંગ સાજો આબાદ ભગવાન પાસે જાય અને બધાય અનાદિની પંક્તિમાં ભળી જાય. અનાદિના સંકલ્પે કરીને મૂર્તિ મળે છે ને ધામ મળે છે. જેમ વીજળી સડકો મારીને નાસી જાય તેમ મહાપ્રભુનું સુખ ક્યારેય ભુલાય એવું નથી. માયિકભાવવાળાને મતે અક્ષરધામમાં મૂકી આવ્યા અને દિવ્ય ભાવવાળાને મતે પાસે રાખ્યા એમ છે.

“પોતે પોતાની કસર જાણપણારૂપ દરવાજે રહીને કાઢી નાખવી. સ્વામિનારાયણને ત્યાં મડદું નહિ શોભે. બાર મહિના સુધી બેઠા હોય, પણ જો મોટાની દયા થાય તો એક કલાકમાં કામ કાઢી નાખે. માંહી કામ, ક્રોધ, આદિક ચોરટા છે એને કાઢી નાખવા તેમાં શ્રીજી મહારાજને સાથે રાખે તો કોઈનો ભય રહે નહિ. મહારાજની પ્રસન્નતાને અર્થે જેમ જેમ મૂર્તિ સન્મુખ ચાલે તેમ તેમ વિધિ વધારે કરવો જોઈએ તો મહારાજ તથા મોટા રાજી થાય.”  II ૫૯ II

After the kathā was over, Bāpāśrī was sitting in the assembly. Swāmī Vṛṅdāvandāsjī requested Bāpā to keep all in the bliss of Mūrti. Bāpāśrī said, “We have come for this purpose only. Yours is also the same work. Mahārāj and muktas do the only work. He who does not know this may speak as he thinks fit. We are not concerned with it. We should enjoy only bliss of Mūrti. The source of bliss is only Śrījī Mahārāj and that Mūrti should not be given up. The agony of three kinds which a sinner suffers is made cool by Mahārāj and great Anādi. If they give us knowledge, the agony will become cool. ‘Śītaḷ śāṅt chhe re tejnī upmā nav devāy’ (luminescence is cool and quiet, it cannot be given a simile). Such is the luminescence of Mūrti. If one gets frightened it will happen like Lāḍkībāī; so, do not get frightened. Thousands of years may pass but there remain only bliss and bliss. We should put our head in the lap of Mahārāj and muktas. Great Anādi will fulfil-that thing is very dear. It will not come in your hand easily and thinking about it is very difficult. We have got that thing from the corner unexpectedly due to the grace of Mahārāj and muktas, so our work is to preserve it.”

          Then looking at saints Bāpāśrī said, “Great Sadgurus went from place to place in our region and gave preaching. Wherever they went and brought with them a cartload of dhotis. This means that those having matured determination achieve siddhis (supernatural power) but we should not be tempted by it. So, know that wherever the king’s administrator goes, he is honoured with gifts which is due to the king- therefore one should not wish others wealth. Someone may think that we are achieving great victory and making satsaṅgīs happy by talks but it is not so. They are all happy due to Mūrti- without Mūrti even if they try hard for the whole life, they will not get happiness. This is the joy of Mūrti, but it is not understood. The accomplishment of Nārad, Śuk, Sanak, Gopīs, etc. is nothing compared to the bliss of Mahārāj. I am not saying this to belittle them, but describing the enormous proportion of the bliss of Mahārāj. Some great deities also took prasādī (offerings) from the bowl of saints. All of them had come to become divine. We do not know our own house. As one move towards Mūrti, he has to put more efforts. What can subordinate king give if he is pleased?  But, if sovereign king is pleased, he will give whatever one wishes. Similarly, the other incarnations are like subordinate kings but Mahārāj is like a sovereign. The Governor wearing only hat goes for a ride on horse back whereas the other kings take out procession five to seven time a year– this is for showing their pomp. Mahārāj does not show His greatness thus. But incarnations do show it. Therefore, greatness of Mahārāj becomes obvious because, ‘sarvenā swāmī Śrī Hari re sarvenā kahāviyā śyām’ (master of all is Śrī Hari). So if Śrījī Mahārāj is kept together, there will not be fear from anyone. The real greatness is only in Mūrti. The fate of worldly jīva is someone else but our fate is Mahārāj. If thoughts are occurring, we should pray in piteous voice with his greatness, they would disappear. Then the importance of greatness, goodness, passion, anger in this world will become worthless. Greatness is only in Mūrti. All virtues like coolness, etc. are in it. All happiness other than that is useless but if one has no importance of Mahārāj’s greatness, he will find importance in other happiness also. If mental worship is performed in divine feeling, we will get much bliss from it. Do according to your inclination. Inclination should only be for bliss. Bliss is in Mūrti. We are in very rich kingdom and we have got great Master but jīva’s nature like vāgharaṇa (low cast woman) is an obstacle. He, who does not understand satsaṅg as divine and also does not understand that Mahārāj is Master of all, will have left out many things to be done in this world. From a pāras another pāras is formed- such is Mahārāj. Just as the jeweller examines jewel, similarly we should appreciate Mūrti. One should make partnership with a big businessman but not elsewhere. ‘Jene joīe te āvo mokṣa māgvā, āj dharmavaṅśīne dwār’ (whoever wants liberation, come, come, today to Śrījī Mahārāj). This is the ocean of happiness. It is neither well nor a pond which will dry up. Therefore, if you want to achieve more bliss come in Mūrti. As one enjoys various kinds of bliss, bounds will increase. Billions of years may pass but bound of that bliss is limitless. I bless that the whole satsaṅg may go to God hale and hearty. All may resemble in the cadre of Anādi. One gets Mūrti and Akṣardhām by saṅkalpa of Anādi. Just as lightening flashes and disappears, but bliss of Mahāprabhujī is never forgotten. In the opinion of him having māyik feeling, has been put in Akṣardhām and in the opinion of him having divine feeling has been kept with Mahārāj. One should drive away his defect, by remaining at the door in the form of  Knowledge. The dead body is inauspicious at the place of Swāmīnārāyaṇa. One may sit for twelve months but by the grace of muktas, it can be done within an hour. Passion, anger, etc. which are inside are thieves. Drive them out and instead if one keeps Śrījī Mahārāj with him, he will have no fear. Mahārāj and muktas will be pleased if one remains in front of Mūrti and puts more and more efforts for the pleasure of Śrījī Mahārāj. || 59 ||