Gujarati / English

રાત્રે સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “આ પૃથ્વી ઉપર ભગવાન રાજા રૂપે અને રાજાધિરાજ રૂપે તથા સદગુરુ રૂપે અને સાધુ રૂપે વર્તતા હોય તે રીત જાણવી. તે જ્યારે રાજા રૂપે ભગવાન વર્તે ત્યારે કોઈ સાધારણ મનુષ્યને જોગ કરવો હોય તેને કઠણ પડે, અને રાજાધિરાજ રૂપે ભગવાન વર્તતા હોય ત્યારે અતિ મોટા પુરુષને પરાણે પરાણે જોગ થાય અને સદગુરુ રૂપે ભગવાન વર્તતા હોય ત્યારે પણ મોટા મોટા હરિભક્તોની સભા બેઠી ને બેઠી હોય તે કોઈને કાંઈક  પ્રશ્ન પૂછવો હોય તો તે પૂછતાં પૂછતાં કેટલોક વખત વીતી જાય, પણ પૂછવાનો મેળ મળે નહિ. તો બીજું તો ક્યાંથી પૂછાય! તેથી જોગ કરવો ઘણો કઠીન થઈ પડે. અને જ્યારે સાધુ રૂપે ભગવાન વર્તતા હોય ત્યારે તો તેમને ગમે તેમ પૂછો, ગમે તે આવો, ગમે તેમ બોલો, ચાલો, વાતો કરો, તેમાં જરાપણ કોઈને કઠણ પડે જ નહિ ને સર્વેને જેવું જોઈએ તેવું સુખ આવે ને કોઈ રીતે આમન્યા રહે નહિ. નાના-મોટા  સૌને  જોગ કરવાનો સમય મળે અને સૌને સખાભાવ રહે. તેથી આ સમયે શ્રીજી મહારાજ સૌ જીવને સુખિયા કરવા માટે સાધુ રૂપે વર્ત્યા.”

વળી વાત કરી જે, “આપણે ભગવાનના ભક્તને એમ વિચાર કરવો જે, ‘હું ભગવાનનો ભક્ત છું તે મારે જગતના જીવની પેઠે શી રીતે વર્તાય? આપણે તો ભગવાનને અને મોટા  મુક્તને રાજી કરવા છે તથા અખંડ અલૌકિક સુખને પામવું છે, માટે જગતના જીવની સમજણ ક્યાં! અને આપણી સમજણ ક્યાં!’ એવો વિચાર રાખી જગતના જીવની ક્રિયાને વિષે હર્ષ-શોક ન કરવો. અને એમ વિચારવું જે, ‘જગતના જીવ ઘણા પ્રકારનાં સુખ-દુ:ખને પામે છે, તોપણ પોતાના સ્વભાવને મૂકતા નથી; તો હું તો શ્રીજી મહારાજનો દાસ છું તો હું મારો સ્વભાવ જે શ્રીજી મહારાજની મૂર્તિનું જ સુખ ભોગવવું  તેને કેમ મૂકું?’

“જીવને માયામાંથી નીકળીને પુરુષોત્તમ ભગવાનને પામવા એ પોતા થકી કોઈ સાધને કરીને કે સમજણે કરીને પમાતું નથી. તે તો માછલાંને જેમ જળ જીવન છે તેમ જીવ જ્યારે અતિ મોટા પુરુષ જે અનાદિ મહામુક્ત તેમને  વિષે પોતાના જીવને બાંધીને એવા મોટાને વિષે એકાત્મપણું કરે ત્યારે માયાને તરીને શ્રી પુરુષોત્તમરૂપ થઈને એ મૂર્તિના સુખમાં રમે તેમાં કાંઈપણ કઠણ પડતું નથી. તે વિના તો શ્રી પુરુષોત્તમની સન્મુખ ચાલવાની સામર્થી કોઈ જીવને થતી નથી. માયાના ભાવથી મુકાઈને શ્રી પુરુષોત્તમ સન્મુખ ચાલવું તે આવા મહામોટા સમર્થ અનાદિના જોગથી થાય.

“જેમ ભૂચર અને ખેચર પંખી છે તેમાં ભૂચર પંખી ઊંચે બેઠું હોય અને ખેચર પંખીનું ઇંડું પૃથ્વી પર પડ્યું હોય પછી તે ઇંડું સેવાય ને બચ્ચું થાય એટલે ઊડીને ઊંચું ચાલ્યું જાય; તેમ શ્રી પુરુષોત્તમની ઉપાસનાવાળા જે મહામુક્ત તેમના જે જોગવાળા છે તે પ્રકૃતિપુરુષ, બ્રહ્મ, અક્ષર આદિ સર્વથી પર શ્રી પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી ભગવાન તેમને જ પામે છે; પણ વચમાં એ ક્યાંય અટકતા નથી. એવું તેમનું શ્રીજી મહારાજની મૂર્તિના બળે સામર્થ્ય છે.”  II ૯૬ II

In the night assembly, Bāpāśrī, showing his favour talked. He said, “On this earth God behaves in the form of a king, in the form of sovereign, in the form of Sadguru and in the form of saint- know as it is His way. When God behaves in the form of a king, an ordinary human being will find it difficult to come in contact with Him. And, when He behaves as the sovereign, very great person may come in contact with Him with great difficulty. When He behaves as Sadguru great devotees sit continuously in the assembly, and if anyone from the assembly wants to ask a question does not get chance even after waiting for a long time. Then how can others’ questions be raised? Therefore, association with Him becomes very difficult. When He behaves as sādhu any question can be asked. Anyone can come, anything can be talked, anyone can go with him- there will not be any difficulty at all, and all can get happiness as per their wish and there is no need of formalities. All whether small or big get a chance to associate and all have friendly relation. Therefore, at this time Śrījī Mahārāj behaved as sādhu to make all jīvas happy. Moreover, Bāpāśrī said, “The devotee of God should think that since he is the devotee of God how can he behave as an ordinary jīva of this world? We want to please God and great muktas and want to achieve constant divine happiness. This kind of understanding lacks in jīva of this world and think about our understanding. Thinking thus, we should not be sorry or happy by the activity of the jīva of this world and should think that the worldly jīva suffers many kinds of happiness and unhappiness, even then it does not give up its nature. If I am the servant of Śrījī Mahārāj and my nature is to enjoy the happiness of Mūrti, how can I give up that nature? It is not possible for jīva to come out of māyā and achieve Lord Puruṣottam by doing means or by his own understanding. Just as water is the life for fishes. Similarly when jīva binds itself with very great persons means Anādi Mahā Mukta and becomes one with them, it crosses māyā and plays in Mūrti becoming form of Puruṣottam– there is nothing difficult in it. Without it, no jīva has capacity to work in front of Śrī Puruṣottam. Becoming free from māyā and walking in front of Puruṣottam is possible by associating with such great Anādi muktas who have such capacity. Just as Bhuchar and Khechar are birds- Bhuchar sits high up and the egg of Khechar lies on the earth- then the egg is hatched and becomes young one, it flies away and goes up. Similarly those who are attached to great muktas having upāsanā of Lord Puruṣottam realise Lord Puruṣottamnārāyaṇa Sahajānaṅd Swāmī who is above Prakṛti Puruṣa, Brahma, Akṣar, etc. but does not stop anywhere in the middle. Such is their capacity on account of the strength of Mūrti.” || 96 ||