સંવત ૧૯૬૨ના વૈશાખ વદિ-૧૦ને રોજ સાંજે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “આપણાં મંદિરોમાં શ્રી નરનારાયણ, શ્રી રાધાકૃષ્ણ, શ્રી લક્ષ્મીનારાયણ, શ્રી ગોપીનાથ આદિક અવતારોની મૂર્તિઓ પધરાવી છે તે પધરાવવાનું શું કારણ હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજીમહારાજ માંગરોળ આદિક ગામોમાં મતવાદીઓને તથા બીજા અવતારોના ઉપાસકોને એમના ઇષ્ટદેવરૂપ પોતે દેખાયા હતા તથા શ્રી વ્યાપકાનંદ સ્વામીને ચોવીસ અવતારરૂપે પોતે દેખાયા હતા, તે પોતાનાં સ્વરૂપ પોતાનાં મંદિરોમાં પધરાવ્યાં છે. બીજા અવતારો જે વૈકુંઠ, ગોલોક, બદરિકાશ્રમ, શ્વેતદ્વીપ આદિક ધામોમાં રહ્યાં છે તેમને કોઈને પધરાવ્યા નથી. માટે બીજા અવતારોની મૂર્તિઓ છે એમ ન જાણવું. આપણાં મંદિરમાં તો શ્રીજીમહારાજ પોતે છે તે ઘણા જીવોના સમાસ અર્થે વેષાંતર કરીને દર્શન આપે છે. ભક્તચિંતામણિમાં ચોવીસ અવતારોએ પર્વતભાઈને દર્શન આપ્યાં એમ લખ્યું છે તે તો સર્વાનુકૂળ માટે છે; પણ મુક્ત તો સર્વેને દર્શન કરવા યોગ્ય છે.”

ત્યારે વળી સ્વામીએ પૂછ્યું જે, “એ સર્વે મૂર્તિઓ શ્રીજીમહારાજ પોતે જ છે ત્યારે એ સર્વે મૂર્તિઓનું ધ્યાન થાય કે નહિ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એ મૂર્તિઓ પોતાના સંકલ્પે કરી દેખાડી છે, માટે એ મૂર્તિઓ સંકલ્પની છે; તેનું ધ્યાન થાય નહિ અને મુક્તનું પણ ન થાય. ધ્યાન તો પોતે શ્રી સહજાનંદ સ્વામી તથા શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા શ્રી ઘનશ્યામ મહારાજ એવા નામની પધરાવી છે તે મૂર્તિઓનું કરવું. તે મૂળ મૂર્તિ છે અને વેષાંતર કરીને દર્શન આપે છે તે સંક્લ્પની મૂર્તિઓ છે; માટે મૂળ મૂર્તિનું ધ્યાન કરવું. ધર્મદેવ અને ભક્તિમાતા ને માણકી ઘોડી એ સર્વે રૂપે મુક્ત થયા હતા, માટે સર્વે અક્ષરધામનો સમાજ છે એમ જાણવું. શ્રીજીમહારાજ છપૈયે પ્રગટ થયા ત્યારે દેવતા પુષ્પની વૃષ્ટિ કરતા હવા ને ગાંધર્વ ગાન કરતા હવા એમ લખ્યું છે તે પણ મુક્ત ગાન ને વૃષ્ટિ કરતા હવા એમ જાણવું; કેમ જે દેવ અને ગાંધર્વની મહારાજનાં દર્શન કરવાની ગતિ નથી.” ।।૨૨।।