(સંવત ૧૯૮૩, ફાગણ વદ-૬) રાત્રે મેડા ઉપર આસને બાપાશ્રીએ વાત કરી જે, “મહારાજનું ધ્યાન ખટકો રાખીને કરવું, સંકલ્પરૂપી ગઠિયાનો વિશ્વાસ કરવો નહિ. ધ્યાન કરીને અંતર્વૃત્તિ કરીએ તો તેજ દેખાય ને તે તેજના ઝબકારામાં મૂર્તિ દેખાવા માંડે એટલે સભાએ સહિત મુક્તોથી બ્રહ્માંડ ઠસાઠસ ભરેલું છે એવી રીતે જોડાવું. એક કલાક બેસવા ધાર્યું હોય તો બે કલાક થઈ જાય એમ કરવું. આપણાથી લાખ મણનો પત્થર ઊપડતો ન હોય, પણ મોટા મુક્ત હાથ દે તો ઊપડે; તેમ ધ્યાનથી સુખિયા થવાય છે. કારણ મૂર્તિનું ધ્યાન કર્યા વિના ચાલોચાલથી સુખ ન આવે. આ દિવ્ય સભા સંભારશો તો મોટાની સહાયતાથી એ વાત સિદ્ધ થશે. તે શ્રીજીમહારાજે પ્રથમ પ્રકરણના ૩જા વચનામૃતમાં કહ્યું છે કે, ‘જે જે અવતારે કરીને જે જે સ્થાનકને વિષે જે જે લીલા કરી હોય તે સંભારી રાખવી જેથી ભગવાન સાંભરે.’”

એમ કહીને સભાનો દિવ્યભાવ જણાવ્યો ને કહ્યું જે, “સો કાળ સામટા પડે, પણ ભાવ ઓછો થવા દેવો નહિ. કોઈનું કર્યું કાંઈ થતું નથી. આવી રીતે સમજે ત્યારે જ કૃપાપાત્ર થવાય. પાત્રની તારતમ્યતાએ અધિક-ન્યૂન સુખ આવે છે. જેને અખંડ મૂર્તિ દેખાય એ કૃપાપાત્ર કહેવાય અને સુખ પણ ત્યારે જ આવે. તેમાં મોટા અનાદિના આશીર્વાદ ને દયા જોઈએ. અમો ખેતર ખેડીએ, ખાતર પૂરીએ, પાણી પાઈએ વગેરે પ્રયત્ન કરીએ, પણ ફળપ્રદાતા શ્રીજીમહારાજ છે. કેટલુંક પુરુષપ્રયત્ને થાય છે ને કેટલુંક ભગવાન અને ભગવાનના મુક્તની દયાથી કામ થાય છે એ જાણવું જોઈએ. પુરુષપ્રયત્ન ન કરે તો મોટા અનાદિને વિષે દિવ્યભાવ ન આવે. કેટલાક અમદાવાદ, ભુજ, ગઢડા, વડતાલ આદિ બધે ફરી આવે, પણ મોટા મુક્તને ઓળખ્યા વિના ને જોગ-સમાગમ અને સેવાએ રાજી કર્યા વિના પાત્ર થાય નહિ.”

“વીજળીના ઝબકારા કાયમ રહેતા નથી; તેથી આ ઝબકારામાં મોતી પરોવી લેવું. પાત્ર થઈને મોટા અનાદિની વાતો ઝીલીને જીવમાં ઉતારે તો પુષ્ટિ બહુ થાય છે ને ભાગવતી તનુ બંધાય છે. જેમ હાંડીનું આવરણ ભેદીને પ્રકાશ થાય છે ત્યારે હાંડી પણ પ્રકાશમય થઈ; તેમ દિવ્ય દેહ થાય તો આ સમજાય. આ તો સાકરનું નાળિયેર એટલે દિવ્ય મૂર્તિને લઈને બધુંય દિવ્ય. આ મંદિર આંહી કર્યું અને પ્રતિમા માંહી પધરાવી એટલે મંદિરને પણ કલ્યાણકારી દિવ્ય જાણવું. આપણને મહારાજ અને મોટાનો જોગ થયો એ કાંઈ થોડી વાત નથી. જેમ વૃક્ષમાં ગુણ છે, જળમાં ગુણ છે, તેમ મહારાજ તથા મોટા અનાદિમાં ગુણ છે. એમ મહિમા સમજી ધ્યાન કરવું, માળા ફેરવવી, સત્સંગમાં દિવ્યભાવ લાવવો એ બધું પાત્ર થયાનું કારણ છે. એવો પાત્ર થાય ત્યારે મહારાજ અને મોટા અનાદિની સંપૂર્ણ કૃપા થાય. આ વચનામૃતનો મુદ્દો છે. બીજાં શાસ્ત્ર બાર ને બાર ચોવીસ વર્ષ સુધી ભણે, પણ કારણ મૂર્તિ હાથ ન આવે. માટે આવું દિવ્ય ભણતર આવા મોટા મુક્ત પાસેથી શીખવું.”

પછી એમ બોલ્યા જે, “વચનામૃત અને ભક્તચિંતામણિ આદિ સત્શાસ્ત્ર, શિક્ષાપત્રી, ધર્મામૃત, નિષ્કામશુદ્ધિ આદિ આજ્ઞા, સત્ એવો જે આત્મા તથા સત્ એવા પરમાત્મા જે ભગવાન શ્રીજીમહારાજ એ ચાર વાતો સિદ્ધ કરે તે સત્સંગી કહેવાય. હવે સત્સંગી થયો, પણ દેવ પધરાવવા જોઈએ. તે મોટા અનાદિમુક્ત પધરાવે છે. મોટાના આશીર્વાદના શબ્દે કરીને ભગવાન આવે છે. એવા મોટા અનાદિ સત્યસંકલ્પ છે.”

“જુઓને! વચનામૃત વંચાય છે તેમાં કેવળ શ્રીજીમહારાજનો અમૃતરસ ચાલ્યો આવે છે. તે અમૃતરસ પાન કરનારા સર્વે મહામુક્ત છે. આ સભામાં એકાંતિક, પરમ એકાંતિક અને અનાદિ બધાય છે. આપણે આ સભા મહારાજની મૂર્તિમાં જોવી. મુક્ત મૂર્તિમાં સળંગ રહ્યા છે, રસબસ રહ્યા થકા સુખ ભોગવે છે. મહારાજ દાતા અને મુક્ત ભોક્તા એમ સ્વામી-સેવકપણું રહે છે. મુક્ત મૂર્તિમાં રહે એટલે આધાર મહારાજ થયા ને સેવકપણું મુક્તને દૃઢ થયું. પછી તો એને મૂર્તિ વિના કાંઈ છે જ નહિ. અનંત મુક્ત એ રીતે મૂર્તિમાં રસબસ રહી સુખ ભોગવે છે.” ।।૫૬।।