સંવત ૧૯૬૩ના ફાગણ વદિ-૯ને રોજ સરસપુરના પ્રાણશંકરભાઈએ સત્સંગિભૂષણની પારાયણ અમદાવાદમાં કરાવી. ત્યાં બાપાશ્રી પધાર્યા હતા. તે કથાની સમાપ્તિ ચૈત્ર સુદ-૬ની હતી. ચૈત્ર સુદ-૯ને રોજ સમલાવાળા નાગભા તથા બળોલના શેઠ ઠાકરશીભાઈને તથા બીજા ઘણાક હરિજનોને બાપાશ્રીએ કહ્યું જે, “મહારાજ ને મુક્ત આજ સ્વાંત વરસાવે છે તે જોગમાં તમો આવી ગયા તે તમારાં બહુ મોટાં ભાગ્ય થયાં એમ જાણજો.”

એમ કહીને ત્યાંથી બાપાશ્રી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી સદ્‌ગુરુ સ્વામી હરિનારાયણદાસજીને આંખેથી મોતિયા કઢાવ્યાથી ગરમી બહુ હતી તેમને જોવા ઘનશ્યામ મહારાજના અક્ષર ભુવન સામા ઓરડામાં પધાર્યા. ત્યાં સ્વામીને કહ્યું જે, “પીડા કેવી છે?”

ત્યારે સ્વામી બોલ્યા જે, “બીજા પૂછે છે તેમને તો સારું છે એમ કહું છું, પણ પીડા તો કહી જાય એવી નથી.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મહારાજ સારું કરશે.” એમ કહીને સ્વામીને શરીરે હાથ ફેરવ્યો એટલે પીડા મટી ગઈ. પછી ઓરડામાંથી નીકળીને સભામાં પધાર્યા.

પછી સ્વામી ભગવત્સ્વરૂપદાસજીએ સ્વામીને પૂછ્યું જે, “સ્વામી! આ અબજીબાપાશ્રીની વાંસે માણસ બહુ તણાય છે ને મોટા મોટા સદ્‌ગુરુઓથી પણ એમનો ભાર વધારે જણાય છે તે કેવા મોટા હશે?”

ત્યારે સ્વામી બોલ્યા જે, “આજ સત્સંગમાં શ્રીજીમહારાજ બાપાશ્રી દ્વારે સર્વ કાર્ય કરે છે. એ તો અતિ મોટા છે, પણ એ વાત કોઈને ખમાય નહિ માટે કરવી નહિ.”

એ પારાયણમાં પાટડીવાળા નાગજીભાઈ એમના ભાઈ ત્રિભોવનભાઈને અમદાવાદમાં દર્શન કરાવવા અને વૈદું કરાવવા લાવ્યા હતા. તેમને બાપાશ્રીએ કહ્યું જે, “એમને પાટડી પહોંચાડો; ધામમાં તેડી જવા છે.”

પછી પાટડી લઈ ગયા ત્યાં એમણે ત્રીજે દિવસે દેહ મૂક્યો. પછી બાપાશ્રી જેતલપુર, ધોળકે થઈ પાછા અમદાવાદ આવીને કચ્છ તરફ પધાર્યા. તેમના ભેળા સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંત તથા પ્રાણશંકરભાઈ આદિ હરિજનો કચ્છમાં ગયા અને ભુજ થઈને વૈશાખ સુદ-૧ને રોજ શ્રી વૃષપુર ગયા. ।।૪૩।।