સંવત ૧૯૭૩ના વૈશાખ વદ-૧ને રોજ સવારે સભામાં મધ્ય પ્રકરણનું ૫૧મું વચનામૃત વંચાતુ હતું. તેમાં જે સત્પુરુષની આજ્ઞા પ્રમાણે વર્તે તે જ આત્મસત્તારૂપે વર્તે છે એમ આવ્યું.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આજ્ઞા છે તે આત્મસત્તાનું કામ કરે છે, એટલે આજ્ઞા પાળનારો આત્મસત્તારૂપ એટલે મહારાજના તેજરૂપ થાય છે, ત્યારે તે પાત્ર થયો; પછી મોટા મુક્ત એમાં મૂર્તિ પધરાવી દે છે.”

એમ કહીને બોલ્યા જે, “અમે તમને મૂકીને એકલા ગયા તે ઘેર નિસરણી ચઢતાં પગે મચકોડ આવ્યો, તેમ તમે જો મહારાજને ને અમને મૂકી દેશો તો એવું થાશે. માટે આજ્ઞામાં રહીને મહારાજને સંભારજો; પણ ‘રાંડીને ઘેર માંડી ગઈ તે આવ બાઈ હું જેવી તું થા’, એમ ન કરશો. જેને ઘાટ થતા હોય તેના આગળ પોતાના ઘાટ કહીએ ત્યારે તે બોલે જે, ‘એ તો દેહના ભાવ છે તે ઘાટ તો થાય ખરા’, એવી મોળી વાત કરે તે રાંડી પાસે સુવાસણી ગયા જેવું છે. અને બરોબરિયાનો જોગ કરીએ તે ‘કૂતરાનું મુખ કૂતરે ચાટ્યું’ એવું છે; કેમ કે એવાના જોગથી વૃદ્ધિ ન પમાય. અને જે અવગુણિયા હોય તે ભેગા થઈને મોટા સત્પુરુષની નિંદા કરીને તે અવગુણરૂપી ઝેર પરસ્પર ચઢાવે તે ‘સર્પને ઘેર પરોણો સાપ’ એવું છે. માટે એ કુસંગ ઓળખીને તેથી છેટે રહેવું, પણ તેનો સંગ ન કરવો.”

“શ્રીજીમહારાજે કહ્યું છે જે, ‘સત્સંગમાં રાહુ-કેતુ જેવા પડ્યા છે, તેમનો સંગ ન કરવો.’ જે મોટા હોય તેમને કોઈક પોતાના ઘાટ કહેવા આવે ત્યારે તેને ઘાટની નિવૃત્તિ થાય તેવી રીતે શુદ્ધ સત્ત્વગુણમાં રહીને શાંતિથી કહેવું, પણ ક્રોધે કરીને તેનો તિરસ્કાર ન કરવો. કોઈકને આજ્ઞાલોપ થઈ ગઈ હોય તેને પણ શાંતિથી કહેવું, પણ કોપ તો કરવો જ નહિ; કેમ કે કોપ તો પોતાનું ભૂંડું કરે એવો છે. સંગ કરનારે પણ તપાસીને સંગ કરવો ને જે સંકલ્પને ટાળી નાખે તેનો જોગ કરવો. અને પંચજ્ઞાનેન્દ્રિયો તથા ચાર અંતઃકરણ દ્વારે ભગવાનનો રસ લેવો, એટલે તે ઇંદ્રિયો દ્વારે શ્રીજીમહારાજને સંભારવા અને આજ્ઞા પાળવી.”

દ્રવ્યને તો વિષ્ટા તુલ્ય જાણવું, એટલે તેનો વિષ્ટાની પેઠે ત્યાગ કરવો. જો વિષ્ટાનો સંકલ્પ થાય તો દ્રવ્યનો સંકલ્પ થાય. જેટલું વિષ્ટામાં હેત હોય તેટલું દ્રવ્યમાં હેત રાખવું; એટલે જેમ વિષ્ટાનો સંગ્રહ થતો નથી તેમ દ્રવ્યનો સંગ્રહ કરવો નહિ. અરે! તેથી પણ ભૂંડું જાણીને તેનો ત્યાગ કરવો. એ વિના શું ચાલતું નથી?

“ત્યાગીને ખાવા, પીવા, લૂગડાં સર્વે ગૃહસ્થ આપે છે તો બીજું શું જોઈએ? ત્યાગી તો ગૃહસ્થ અન્ન-વસ્ત્ર આપે છે તેના પણ દેણદાર થયા. માટે એ દેણું વાળવાને માટે માળાઓ ફેરવવી અને પોતાનું પણ કરવું. માટે ખૂબ ખબડદાર રહેવું; નહિ તો હરિભક્તને ઘેર જન્મવું પડશે, ને નવ મહિનાની કેદ આવી પડશે. જે દ્રવ્યનો ને સ્ત્રીનો બેયનો ત્યાગ રાખશે તેનું અમે પૂરું કરીશું. માટે એ બેયની તો અંતરમાંથી ઊલટી કરી નાખવી; તો અમે શ્રીજીની મૂર્તિમાં લઈ જાશું ને સુખિયા કરીશું.”

“કારિયાણીના ૧૦મા વચનામૃતમાં શ્રીજીમહારાજે ‘અમને સર્વકર્તા જાણવા અને પ્રેમે સહિત તપ કરવું’ એ પોતાનો સિદ્ધાંત કહ્યો છે; માટે માયાનો ત્યાગ કર્યો છે તેને પેસવા દેવી નહિ. એટલે ચૈતન્ય માયા જે સ્ત્રી અને જડ માયા જે દ્રવ્ય તેનો સંકલ્પ થવા દેવો નહિ; તો રખાય કે રખાવાય જ કેમ? એ પ્રમાણે રહેવું, પણ એમાં ફેર પડવા દેવો નહિ.”

એટલી વાત કરીને પછી સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, “તમે વાડ કરજો એટલે સર્વેને વર્તમાન પળાવજો, અને તેને તેડવા અમે આવશું.”

એમ કહીને બોલ્યા જે, “તમને કોઈ કહે જે, ‘તમે ભાડાં ખરચીને શું કરો છો?’ તો તેને આ લખેલું બતાવજો અને કહેજો જે, ‘અમે આ કરીએ છીએ, ને તમેય આ કરો’ એમ કહેજો.” ।।૧૭૨।।