સંવત ૧૯૭૫ના વૈશાખ વદ-૫ને રોજ સભામાં સારંગપુરનું ૧૪મું વચનામૃત વંચાતું હતું તેમાં એ ભક્તને ભગવાન ભાગવતી તનુ આપે છે એમ આવ્યું.

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “ભાગવતી તનુનો અર્થ કેવી રીતે સમજવો?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એક પરભાવનું ભાગવતી તનુ છે ને એક અવરભાવનું ભાગવતી તનુ છે; તેમાં આ પરભાવનું કહ્યું છે. તે ભક્તનો ચૈતન્ય મૂર્તિમાન થાય છે તેને શ્રીજીમહારાજ પોતાનું ધામ જે મૂર્તિ તેમાં રાખે છે. માટે ભાગવતી તનુ એટલે ભગવાનની મૂર્તિ તેમાં રાખે છે. અને સર્વે સાધને સંપન્ન થઈને ઉપશમદશાને પામે ને ખાધા-પીધાની તથા દેહની ખબર જ રહે નહિ એવો થાય ને પછી આત્માને વિષે મૂર્તિનો સાક્ષાત્કાર થાય, પણ જે દેહે સાધન કર્યું છે તે દેહમાં રહ્યો હોય ત્યાં સુધી એ અવરભાવનું ભાગવતી તનુ કહેવાય.”

એમ ઉત્તર કરીને પછી વાત કરવા માંડી જે, “જોગ તો બહુ સારો મળ્યો છે, પણ જીવ શૂન્યકાર થઈ ગયો છે. સ્વામિનારાયણ જેવા પતિ મળ્યા તેમને પડ્યા મૂકીને ક્યાંય ને ક્યાંય દોટ્યો દે છે, ત્યારે પછી એનો ધણી કોણ થશે? શ્રીજીમહારાજ તો થાશે નહિ. તેના ધણી યમરાજા થશે. આવા ભગવાન મળ્યા તેમની આજ્ઞા લોપીને ક્યાં જાવું? આજ્ઞા છે તે કોટ છે, તેને લોપવામાંથી દુઃખ થાય છે. જુઓને! આ સત્સંગ કેવો ફૂલી રહ્યો છે! તેમાં કેટલાક પાપી છે, તે આજ્ઞા લોપીને ભડાભૂટ કરી મૂકે છે. ત્યાગી-ગૃહીને આજ્ઞા પાળવામાં સુખ છે. દેહ તો નક્કી પડી જાશે, માટે મૃત્યુ સામી નજર કરી રાખવી અને તેડવા તો આ સભા આવશે, પણ જીવ અજ્ઞાને કરીને જ્યાં ત્યાં પરોવાઈ પડ્યા છે, તે દુઃખિયા થાય છે.”

“લાભ ને પ્રાપ્તિ તો બહુ મળી છે, પણ ભોગવતાં આવડતું નથી. સ્વામિનારાયણને જેવા જાણીશું તેવા તો કરશે. ક્યાં મહારાજ! ને ક્યાં મુક્ત! ને ક્યાં જીવ! એવા મોટા મળ્યા છે તોપણ જીવ કાંઈ માલ ન હોય તેમાં પણ બંધાઈ રહે.”

“પટેલને છોકરે છ મહિના વિચારીને હેડમાં પગ ઘાલ્યો, પછી એના બાપ પાસેથી પાંચ-દસ હજાર રૂપિયા રાજાએ લઈ લીધા. તેમ જ ભક્તિમાર્ગ છે તે પણ હેડમાં પગ ઘાલ્યા જેવું છે. માટે મંદિરો કરવાં તથા મંદિરનો વ્યવહાર કરવો તેમાં મહારાજને સાથે રાખે તો સારું ને જો સાથે ન રાખે તો હેડમાં પગ પડ્યો તે બંધાઈ રહે તેવું છે. માટે શ્રીજીમહારાજને ભૂલીને તો ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ તે પણ ન કરવાં. સર્વે ક્રિયા મહારાજને ભેળા રાખીને કરવી. મહારાજ ભેળા હોય તો જેમ જીવરામની તથા વ્યાપકાનંદ સ્વામીની તથા અખંડાનંદ સ્વામીની સહાય કરી તેમ સહાય કરે. જેમ ધણી વિનાની પત્ની શોભે નહિ તેમ કથા, વાર્તા, માળા, માનસી પૂજા આદિ સાધનમાં શ્રીજીમહારાજને સાથે ન રાખે તો શોભે નહિ ને સુખ ન આવે; અને વાતચીતમાં પણ શ્રીજીમહારાજની મૂર્તિરૂપી બીજ લાવવું. આ સત્સંગમાં દોડાદોડ કરીએ છીએ તેમાં શ્રીજીમહારાજને રાખીએ તો સુખ આવે.”

“આજ અનાદિમુક્ત શ્રીજીમહારાજનો રસ પ્રવર્તાવે છે તેમાં ઊતરે તે સુખી થાય, અને આ સમાગમમાં લૂખા થાશે તેને તો રંડાપો આવી જાશે એટલે કાંઈ નહિ મળે. આ સભા ક્યાંથી મળે? તોપણ જીવને આ સભામાં હેત થાતું નથી ને બીજે ધોડા કરે છે. રોટલા તો સ્વામિનારાયણ દે છે, ને ચેલામાં, પુસ્તકમાં ધોડા કરે.

“વળી કેટલાક તો આ સભાને ઓળખે પણ નહિ ને ‘આ સાધુ આમ કરે છે, આ હરિભક્ત આમ કરે છે’, એમ ટોચા મારે; પણ પોતાને ખબર નથી જે મારું કલ્યાણ આ સભા કરશે. તેમ પોતાનું તો વિચારે નહિ ને જાતો ક્યાંય ટોચો મારે! આ સભામાં દોષ પરઠે પછી એકલો રહે તેમાં શું રૂડા ગુણ આવે? માટે આજ્ઞા ને ઉપાસના દૃઢ કરવાં, અને આ પ્રતિમા ને સંત દિવ્ય સમજવા; તો શ્રીજીમહારાજ આ ફેરે જ મોક્ષ કરશે. આ લીંબડો છે તેને બરાબર જાણ્યો છે તેમ શ્રીજીમહારાજનો નિશ્ચય અડગ થાય તો તેને કદાપિ બીજી કાચપ રહી જાય તોપણ તેનું પૂરું થઈ જાશે. નાના-મોટા સર્વેને દિવ્ય સમજવા તો સુખ બહુ આવે.”

પછી કહ્યું જે, “વાંચો.”

પછી સ્વામી વૃંદાવનદાસજીએ કહ્યું જે, “કથા વાંચવા કરતાં તમારી વાતો બહુ સારી લાગે છે ને બહુ સુખ આવે છે.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ વાતો ને કથા એક જ છે. નિશ્ચય મહાપ્રભુજીનો એવો રાખવો જે રોગમાં, દુઃખમાં, ક્યાંય મહારાજ વિના વૈદ-ઔષધમાં પ્રતીતિ આવે નહિ. આ મૂર્તિ ને આ સંત સુખ કરે ને બધી પીડાનો નાશ કરે ને ભગવાનની મૂર્તિમાં ઊતરી જાય તો તાવની કે રોગની કાંઈ પીડા વર્તાય જ નહિ. આ લોક, ભોગ, પદાર્થ, દેહ, સર્વે નાશવંત છે; પણ જીવને તૃષ્ણા છે તે રહેવાય જ નહિ. પાંચ-પાંચ પેઢી સુધી ખાય એટલું હોય, પણ ભગવાન ભજે નહિ ને વ્યવહારને વળગી રહે.”

“શ્રીજીમહારાજનો નિશ્ચય ન હોય ને તેણે જે સાધન કર્યાં હોય તે સાધન દિવ્ય થઈને મહારાજ પાસે જતાં રહે ને ભાઈ તો અહીં પડ્યા હોય. તે જ્યારે નિશ્ચય થાય ને મહારાજ પાસે જાય ત્યારે સાધનનું ફળ મળે.”

“અને જો કોઈ મોટાનો દ્રોહ કરે તો જીવ નાશ થઈ જાય ને સાધન તો મહારાજ પાસે જતાં રહ્યાં હોય તે ફેર ભેળાં થાય નહિ એટલે તેનો મોક્ષ થાય નહિ. માટે શ્રીજીમહારાજની ઉપાસનાવાળા તથા પંચ વર્તમાને યુક્ત જે સંત અથવા હરિભક્ત હોય તેનો દ્રોહ ન કરવો. એવાને દ્રોહે કરીને સાધન બળી જાય છે.”

“આ સત્સંગનો વ્યવહાર છે તેમાં પણ દેવને માટે સરકારમાં કામ ચાલે તો સત્સંગીઓ ‘સરકારમાં પૈસો જાય છે’ એમ જાણીને ન આપે તેને મોટી ખોટ આવે; માટે ધર્માદો આપવામાં સંશય કરવો નહિ; કેમ જે દેવની મિલકતને બથાવી પાડતા હોય તેને માટે સરકારમાં પણ જાવું પડે તેમાં શ્રીજીમહારાજનો બહુ રાજીપો છે.”

પછી બોલ્યા જે, “તમારા આવ્યા પહેલાં અમે ભુજ ગયા હતા ત્યાં તાવ આવ્યો, ત્યારે અમે આ સભાને સંભારી જે અમારી સભા આવે તો સારું; એટલામાં તુરત તમે આવ્યા, એવી મહારાજની દયા છે. આ સભા બહુ દુર્લભ છે. આવી સભામાં રાત્રિ-દિવસ બેઠા હોઈએ, પણ મહિમા ન હોય તો લૂખાશ મટે જ નહિ.”

“અમારે કણબીમાં કોઈકનું બાજરિયું ખવાઈ ગયું હોય તો પ્રાયશ્ચિત્ત માગે અને મહેતા તથા સોની હોય તે સિંધની કમાઈ ખાય, પણ પ્રાયશ્ચિત્ત કોઈ પૂછે નહિ. જે ચોરી ન કરે તે અક્ષરધામમાં સૌથી આગળ બેસે ને જે ચોરી કરે તેનો સાંધો આવે નહિ. કરાંચીવાળા લાલુભાઈના જમાઈને મોટર હાંકતાં કોઈકનું ખૂન થઈ ગયું તેથી તેને સજા થતી હતી, તેને લાલુભાઈએ ઘણા રૂપિયા ખરચીને છોડાવ્યો. મોટા તો એવા દયાળુ હોય, પણ જીવ કૃતઘ્નીપણું મૂકે નહિ.”

એટલી વાત કરીને બોલ્યા જે, “દુઃખમાં ભગવાન બહુ સાંભરે. સુખદાયી તો ભગવાન ને સંત છે, પણ બીજા કોઈ દેવ-દેવલાંથી સુખ કે દુઃખ આપી શકાય તેમ નથી. એક વખત તીડ આવ્યાં હતાં ત્યારે એક ડોશીએ કહ્યું જે, ‘હે શિવજી! મારા ખેતરમાં ન ખાય ને મારા દિયરના ખેતરમાં ખાય.’ પણ એનું જ ખેતર ખાધું. પછી તેણે પથરો ઉપાડીને શિવજીના લિંગમાં માર્યો તેથી તે ભાંગી ગયું ને બોલી જે, ‘તારી પૂજા કરી કરીને મરી ગઈ તોપણ મારું ખેતર રાખ્યું નહિ.’ એવા પણ જીવ છે.”

“બીજું, કામાદિક શત્રુની વહારે ન ચઢવું ને તે શત્રુને વશ ન થાવું ને કોઈ તેનું ખોદે તો દુઃખ ન લગાડવું. આ જીવ મોહરૂપી આંધળે ઘોડેથી ઊતરીને એટલે મોહ મૂકી દઈને શ્રીજીમહારાજ પાસે મોજ લે તો સુખિયો થાય. મહિમામાં કસર હોય તો શ્રીજીમહારાજની સન્મુખ ચાલવામાં શ્રદ્ધા ન આવે; માટે પહેલો તો પરિપક્વ નિશ્ચય કરવો, પછી શ્રદ્ધા વધે, પછી પ્રેમલક્ષણા ભક્તિ આવે ને આત્યંતિક મોક્ષ થાય. ગૃહસ્થને રૂપિયાનો નિશ્ચય થયો છે તો પોતાની સ્ત્રી-છોકરાંને પડ્યાં મૂકીને પાંચ-દસ હજાર ગાઉ જઈને કમાઈ લાવે છે. તેમ જેને પરિપક્વ નિશ્ચય હોય તે ભગવાનને ને સંતને અર્થે ઘવાઈ પડે ને આડો જઈને મરે પણ ખરો.”

પછી કહ્યું જે, “ત્યાગી તો અમંગળિક છે, તેણે ગૃહસ્થની પેઠે વ્યાવહારિક કામમાં મંગળિક થાવું નહિ એટલે વ્યવહારમાં ભળવું નહિ. અને વર્તમાન ન હોય તેને બોલાવવો-ચલાવવો નહિ ને તેની પાસે ઠાકોરજીની તથા પોતાની સેવા ન કરાવવી; અને જો એવાનો પ્રસંગ રાખે ને સેવા કરાવે તો એના જેવો ભ્રષ્ટ થઈ જાય. અને આત્મનિષ્ઠા દૃઢ કરવી, પણ દેહાભિમાન રાખવું નહિ ને સેવા કરવી. દેહાભિમાન રાખે તો સેવા ન થાય.” ।।૨૦૩।।