(સંવત ૧૯૮૩, ફાગણ વદ-૯) રાત્રે બાપાશ્રીએ વાત કરી જે, “અનાદિ મહામુક્તનો મહિમા બહુ સમજવો અને હેતે કરીને તેમની સેવા કરવી, પ્રસન્ન કરવા જેથી શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ તત્કાળ મળે. એમને વિષે ક્યારેય મનુષ્યભાવ ન લાવવો. એમની સર્વે ક્રિયા દિવ્ય સમજવી. એ તો જાણતાં થકા અજાણતાપણું દેખાડે ને દેહના ભાવ દેખાડે તથા હર્ષ-શોક દેખાડે એ સર્વે રીત અલૌકિક છે, એમ જાણવું. જો મહિમાની કસર હોય તો કોઈ વખત મૂંઝાઈ જવાય.”

તે ઉપર વાત કરી જે, “દંઢાવ્ય દેશમાં જેઠાભાઈ નામના ઉત્તમ હરિભક્ત હતા. તેને અનાદિ મહામુક્તરાજ સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી સાથે ખરેખરું હેત તથા અત્યંત આત્મબુદ્ધિ હતી. પછી એક સમયને વિષે સ્વામીશ્રીને અતિ મંદવાડ થઈ ગયેલો તે મંદવાડની વાત જેઠાભાઈએ સાંભળી તેથી ઉદાસ થઈ ગયા. પોતે પચાસ ગાઉ છેટે રહેતા હતા તોપણ મંદવાડની વાત સાંભળતાં તરત જોવા સારુ ચાલી નીકળ્યા તે જ્યાં સ્વામી હતા ત્યાં આવ્યા.”

“તે વખતે સ્વામી અબોલ થઈ ગયા હોય ને બોલતા ન હોય તેવો ભાવ દેખાડ્યો. તે જોઈને જેઠાભાઈ મૂર્છાગત થઈ ગયા અને બોલ્યા જે, ‘અત્યારે સ્વામી મને એક વખત જવાબ આપે ને મારી સાથે વાત કરે તો મારું સર્વે દ્રવ્ય વાપરી નાખું.’ પછી બીજા સાધુ હતા તે કહે જે, ‘જેઠા ભક્ત! વિચાર કરીને બોલો, સ્વામી તો હમણાં બોલશે.’ પછી જેઠાભાઈએ કહ્યું જે, ‘સ્વામી! હું સત્ય બોલું છું. લાવો ‘પણ’ કરું. જો એક વખત જવાબ આપે તો મારું દ્રવ્ય વાપરી નાખું.’ આમ કહ્યું, પણ સ્વામી તો તે વખતે બોલ્યા નહિ. પછી રાત્રે સ્વપ્નમાં આવી જેઠાભાઈને દર્શન દીધાં ને કહ્યું જે, ‘જેઠાભાઈ! તમે અમારા સમાચાર સાંભળીને આવ્યા ને અમે તમારી સાથે બોલ્યા વિના રહ્યા. તે બોલત તો ખરા, પણ તમારું બધું દ્રવ્ય વાપરી નાખવાનું તમોએ કહ્યું તેથી અમો તે વખત બોલ્યા નહિ; માટે ક્યારેય આવું પણ ન કરવું.’”

“આવી રીતે મોટા અનાદિની વાત જુદી છે. એ તો એક જ સ્થિતિમાં વર્તતા હોય, પણ મનુષ્યપણાના ભાવ જણાવે તેથી જો મહિમાની કચાશ હોય તો સંકલ્પ થઈ જાય જે કેમ હશે! પણ મોટા મુક્તને તો દેહના કે અવસ્થાના ભાવ છે જ નહિ. તે તો અખંડ મૂર્તિમાં રહ્યા છે ને અનંત જીવને મહારાજના સુખમાં લઈ જવા દયા કરીને દેખાય છે.”

પછી માથકવાળા ગોરધનભાઈએ પૂછ્યું જે, “મોટા મુક્ત છે તે તમામના અંતરનું જાણતા હશે?”

ત્યારે બાપાશ્રી કહે, “મહારાજની પેઠે મોટા મુક્ત પણ સર્વે જાણે. ‘એક પારસથી પારસ બને, એક પારસથી હેમ હોય.’ એમ મોટા તો પારસથી પારસ કરી મૂકે છે. પછી કઈ ન્યૂનતા રહી! એવા મોટા મુક્તને વિષે જ્યારે કાંઈ દોષ દેખાય ત્યારે એમ જાણવું જે, ‘મારે વિષે એ દોષ રહ્યા છે તેથી મોટાને વિષે ભાસે છે, પણ મોટા મુક્તને વિષે તો કોઈ જાતનો કાંઈ પણ દોષ છે જ નહિ.’ તે કેવી રીતે જાણવું? તો જેમ આપણે દર્પણ લઈને જોઈએ તો જેવો પોતાનો ચહેરો હશે તેવો જ સામો દેખાશે, પણ તેવો ચહેરો બીજાનો નથી; તે તો પોતાનો જ ચહેરો દેખાય છે. તેમ તે દોષ પોતાના છે અને મોટા મુક્તમાં જણાય છે માટે તેને મોટા મુક્તનો જોગ કરીને તે દોષ ઓળખીને કાઢવા તથા તેમને પોતાના દોષ નિષ્કપટપણે કહેવા તો તે ટાળી નાખે. તેમની આગળ કોઈપણ જાતનું કપટ રાખવું નહિ.”

એમ કહીને બોલ્યા જે, “આપણે કોઈને સુખ કરીએ તો તે આપણને સુખ થાય છે અને દુઃખ દઈએ તો આપણને જ દુઃખ થાય છે. કેની પેઠે? તો જેમ દર્પણમાં દેખાતું જે રૂપ તેના કપાળમાં કંકુનો ચાંદલો કરીએ તો તેવો ચાંદલો પોતાને જ કપાળે થાય છે અને જો મેશનો ચાંદલો કરે તો સામો પોતાને કપાળે મેશનો ચાંદલો થાય છે તેમ. કેટલાક કહે છે જે, ‘મારા ઉપર રાજી થાઓ, મારા માથા ઉપર હાથ મૂકો.’ એમ મોટા મુક્તને કાંઈ કહેવું પડે છે? એ તો તેને વિષે ભગવાનને રાજી કરવાના રૂડા સ્વભાવ અને ગુણ જોઈને વગર કહે જ રાજી થઈ જાય છે અને માથે હાથ મૂકીને સુખિયા કરે છે.”

તે ઉપર વાત કરી જે, “સદ્‌. નિર્ગુણદાસજી સ્વામી પાસે કોઈક દેહે કરીને પુષ્ટ એવો હરિભક્ત આવ્યો તે સ્વામીને પગે લાગીને ઉતાવળો ઉતાવળો કહે કે, ‘સ્વામી! તમે મારા ઉપર રાજી થાઓ અને મારે માથે હાથ મૂકો’ એમ કહીને સ્વામીના બે હાથ ઝાલીને પરાણે ખેંચીને પોતાના માથે મૂક્યા. સ્વામીનું શરીર તો દૂબળું સરખું તે શું કરે? પછી સ્વામી કહે, ‘ભાઈ! એમ પરાણે હાથ મુકાવવાથી શું થાય? એમ તો તું દેહે જબરો છું તે ઠામૂકો મને ઉપાડીને માથે મૂકવા ધારે તો મૂકી શકે, પણ તેણે કરીને કાંઈ રાજીપો થાય છે?’ માટે ભગવાનને રાજી કરવા હોય તેને તો રૂડા સ્વભાવ ને રૂડા ગુણ અવશ્ય રાખવા.”

“વળી શ્રીજીમહારાજની કૃપાએ પોતાને કાંઈક ઐશ્વર્ય-સામર્થી પ્રાપ્ત થઈ આવે તોપણ કાંઈ ન સમજતો હોય તેવો ગરીબ થઈને તથા ભગવાનના ભક્તનો દાસાનુદાસ રહીને સત્સંગમાં જે મોટા અનાદિમુક્ત હોય તેમનો જોગ કરે અને ભગવાનનો મહિમા અધિક સમજીને સુખને દબાવે. એમ કરતો જાય તો તે વૃદ્ધિને પામતો થકો મહામુક્ત થઈને શ્રી પુરુષોત્તમના સ્વરૂપ સંબંધી મહા મોટા અચળ અખંડ સુખને તથા અદ્‌ભુત અખંડાનંદને પામીને શ્રીપુરુષોત્તમરૂપ થઈ જાય છે. અને જો તેને કાંઈક ઐશ્વર્ય-સુખ પ્રાપ્ત થઈ આવ્યું હોય તેનો ઉદ્‌ઘોષ કરીને પોતાને વિષે માણસ ખેંચવા માટે અથવા પોતાની મોટ્યપ ને પોતાનું સુખ તે બીજાને જણાવવા માટે કાંઈક ચમત્કાર બતાવે અથવા ચમત્કારની ને સુખની વાતો કરવા માંડે તો તે પોતાની સ્થિતિમાંથી પડી જાય છે અને લૂખો થઈ શૂનકાર જેવો થઈ જાય છે અને છેવટે સત્સંગમાંથી પડી જાય એવા મોટા વિઘ્નને પામે છે. કેમ કે તેનો કોઈ સંત-હરિભક્ત નિષેધ કરે પછી પોતાની પ્રકૃતિ પ્રમાણે વર્તવાના આગ્રહ માટે તેને એ સંત-હરિભક્તનો અવગુણ આવે ત્યારે પડી જાય. માટે પોતાનો ગોળ પોતે ચોળી ખાવો.”

પછી એમ બોલ્યા જે, “નાના હોય તેનો મહિમા આપણે સમજીએ તેમાં ખોટ નથી, પણ મોટાને નાના સમજાય તો ખોટ રહી જાય, માટે મહિમા બરાબર સમજવો. અને કોઈ મહારાજની આજ્ઞામાં રહીને કદાચ થોડી ભક્તિ કરતા હોય તોપણ તેનો અવગુણ લેવો નહિ; પણ આજ્ઞામાં ફેર પાડતા હોય ત્યાં તો પોતાને અટકવું, ત્યાં મહિમાએ કરીને ચાલ્યા જવું નહિ.” ।।૭૪।।