બાપાશ્રીએ કાંડું બાંધતી વખતે મર્મવચન કહેલ તેથી કેટલાક હરિભક્તો મનમાં વિચાર કરે અથવા સંતો એ વાતનું વર્ણન કરતા હોય ત્યાં પોતે તેમના સંકલ્પને જાણી અચાનક આવી રમૂજે યુક્ત વચન કહી તેમને રાજી કરી એ વાત ભુલાવી દેતા. સભામંડપમાં વચ્ચે બાપાશ્રીનું આસન રાખેલું તેથી સર્વેને દર્શન થાય. હરિભક્તો જય સ્વામિનારાયણ કરે ત્યારે તેમના માથા ઉપર હાથ મેલે. કોઈને પોતે ચંદન ચર્ચી હાર પહેરાવે. ક્યારેક સભામાંથી ઊઠી હાથમાં ચંદનનો વાટકો લઈ સંતોને ચંદન ચર્ચે. એવી રીતે હરિભક્તોની સભામાં પણ ચંદન ચરચતાં કોઈ હરિભક્તો કહે, “બાપા! લાવો હું ચંદન ચર્ચું, આપ બેસો.” ત્યારે પોતે એમ બોલે જે, “આ સભા દિવ્ય છે, તેજોમય છે, આ તો મહારાજ તથા અનંત મુક્તોની પૂજાઓ થાય છે.” એમ કહી પોતે જ ચંદન ચર્ચે.

કોઈ હરિભક્તોના માથા ઉપર ચંદનવાળા હાથ લૂઈને હસાવે અને કહે જે, “આ તો અક્ષરધામનું ચંદન છે. અમે તમને ચંદન ચરચવા અક્ષરધામમાંથી અહીં આવ્યા છીએ એમ જાણજો. આ અવસર બહુ દુર્લભ છે. આ તો મહારાજે દયા કરી તથા તમે પણ દરિયા ઊતરીને અહીં આવ્યા તેથી અમે તમારા ઉપર રાજી થઈએ છીએ. અમે તમને આ અમારો છેલ્લો યજ્ઞ છે એમ લખીને તેડાવ્યા છે, તેથી સર્વેને રાજી કરવા છે; એટલા સારુ આ દાખડા કરીએ છીએ.”

ત્યારે હરિભક્તો કહે જે, “બાપા! આપે સુખ આપવા ધાર્યું છે, તેથી આવો મહાયજ્ઞ કરી બધાયને ખેંચી લાવ્યા.” એમ કહી સર્વેને રાજી કરતા.

વળી જ્યારે પંક્તિમાં દર્શન દેવા જાય ત્યારે નાનાં-મોટાં બાઈ-ભાઈ સર્વે હાથ જોડી જય સ્વામિનારાયણ કરે. પંક્તિમાં પીરસનારા હરિભક્તોને પોતે ભલામણ કરે કે, “જો જો, પીરસવામાં કસર મ રાખજો. મહારાજ આ પંક્તિમાં દર્શન દેવા દિવ્ય રૂપે ફરે છે. મંદમંદ હસે છે, તેથી કોઈને જમાડવામાં કસર રાખશો તો મહારાજ રાજી નહિ થાય. માટે સૌને તાણ કરી કરીને ખૂબ જમાડજો. કોઈ ગમે તેવો આવીને જમવા બેસે તેને ના પાડશો નહિ.”

વળી બાપાશ્રી કોઈને એમ પૂછે જે, “તમે ક્યારે આવ્યા છો? કેટલા છો? આ તો આપણા છે.” એમ કહે. વળી કોઈને કાંઈ જરૂર હોય ને તે સંભારે એટલાકમાં તો કોઈ મિષ લઈ પાસેથી પોતે નીકળે અથવા સામેથી ચાલ્યા આવીને તેમની ઇચ્છા પ્રમાણે કહે ને કોઈને અજાણ્યા થકા કહે.

સભામાં બેઠા હોય તે વખતે કોઈક ઉતારામાં સંભારે તો એમના સંકલ્પને જાણી ત્યાં જઈ તેમના મનોરથ પૂરા કરવા જય સ્વામિનારાયણ કહે ને પૂછે જે, “તમને ઉતારા મળ્યા છે ને? ગોદડાં તથા જે કાંઈ જોઈએ તે હીરજીભાઈને તથા જાદવાભાઈને કહેજો, અમારા મનજીને કહેજો. આપણા ઘેરથી જોઈએ તે લઈ લેજો. કાંઈ મૂંઝાશો મા. અહીં તો સ્વામી ઈશ્વરચરણદાસજી, સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી આદિ તથા બીજા બધા સંતોએ આ યજ્ઞનું કામ માથે લીધું છે. તેથી તમને જે કાંઈ ચીજ જોઈતી હોય તો તેમને કહેજો. તમે અજાણ્યા તેથી અમે કહીએ છીએ.”

પછી જ્યારે સંતની પંક્તિ થાય ત્યારે પોતે ત્યાં આવી દંડવત કરવા માંડે, સંતો ઊભા થઈ જાય, સદ્‌ગુરુઓ ના પાડે, “બાપા! રાખો, તમારાથી ન થાય.” એમ કહે તોય દંડવત કરે.

કેટલાક સંતો ઊભા થઈ રહ્યા હોય ત્યારે પોતે એમ કહે જે, “તમને તો મહારાજે મૂર્તિમાં રાખ્યા છે, તમે મૂર્તિમાં રહ્યા થકા દર્શન કરો છો. મહારાજ જમે છે તેથી અમે દંડવત કરીએ છીએ. તમે તો સર્વે અનાદિમુક્ત છો. મૂર્તિના સુખમાં કિલ્લોલ કરો છો.” એમ મહિમાનું વર્ણન કરે. ।।૧૩૩।।