(સંવત ૧૯૮૩, ફાગણ વદ અમાસ) બાપાશ્રીએ સવારે સભામાં વાત કરી જે, “મહારાજની મૂર્તિમાં અનાદિમુક્ત રસબસ રહ્યા છે. ને મૂર્તિમાંથી સુખ લીધા કરે છે. કોટિ કલ્પ વીતી જાય પણ એ સુખથી તૃપ્ત થતા નથી. ત્યાં આપણે સર્વેને રહેવું છે. ત્યાં કેમ જવાય? તો એકાંતિક થઈને પરમાત્મા જે શ્રીજીમહારાજ તેમને પધરાવે એટલે પરમ એકાંતિક થાય ત્યારે તેને મહારાજનું અનુભવજ્ઞાન ખેંચી લે છે. એટલે જેમ સમુદ્રની વેળ આવે છે એમ ઝળળ ઝળળ કરતું મહા તેજોમય સુખ તેના હિલોળામાં પરમ એકાંતિકને લઈ જાય છે. ત્યાં બીજા કોઈની ગતિ નથી. ત્યાં ગયા પછી મહા તેજોમય દિવ્ય સનાતન એવું સુખ તેને અનાદિમુક્ત સાથે ભોગવે છે. આ વાત મુદ્દાની છે. મુદ્દો રાખવો એ શું? તો કારણ મૂર્તિ રાખવી. તે ભેળું બધુંય આવશે. વિશ્વાસ રાખજો. મહારાજ કહે છે કે, ‘મારા લોક, ભોગ ને મુક્ત સર્વે દિવ્ય છે.’ એ દિવ્ય વસ્તુ આપણને મળી છે. માટે સર્વેના કારણ મહારાજને જાણીને સાધનનો ભાર કાઢી નાખવો.”

પછી પ્રથમ પ્રકરણનું ૫૧મું વચનામૃત વંચાણું. ત્યારે બોલ્યા જે, “આમાં પણ એ વાત આવી જે સર્વેના કારણ મહારાજ ને દેહરૂપી ગાડું વીંખી નાખ્યું. માટે કારણને વળગી રહેવું, તો રસ મળશે. આ વાત જેમ છે તેમ કહીએ છીએ. એમાં સ્વામિનારાયણ સાક્ષી છે. માટે આ મુદ્દો જરૂર રાખજો. કાળ, કર્મ, માયા એ કોઈ ભગવાન વિના કાંઈ કરવાને સમર્થ નથી. સર્વ કર્તા શ્રીજીમહારાજને જાણવા. આવો મહિમા જાણે તેનો પાયો સત્સંગમાં અચળ છે, તે કોઈનો ડગાવ્યો મોક્ષના માર્ગમાંથી ડગે નહિ. મુખ્ય કરવાનું તો એ છે જે એક વૃત્તિ કરીને અખંડ મૂર્તિમાં જોડાવું, પણ ચાર-આઠ વૃત્તિ ન કરવી; તો જ મહાપ્રભુ રાજી થાય. અને સુખ પણ જ્યારે એક વૃત્તિ થાય ત્યારે જ આવે છે.”

પછી સાધુ દેવજીવનદાસજીએ પૂછ્યું જે, “જામફળીના ઝાડને વિષે ફળ બધાં એક સરખાં હોય છે તેમ મુક્ત દિવ્યભાવમાં બધાય સરખા છે. તેથી પોતાને કેવી રીતે ખબર પડે જે આમને જોગે હું મહારાજને પામ્યો?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અનુભવજ્ઞાન થાય ત્યારે એને કોઈ વાત અજાણી રહે નહિ. એ મૂર્તિ જ અલૌકિક છે. આ સમે શ્રીજીમહારાજની અપાર કરુણા છે, તેથી પ્રાપ્તિ બહુ મોટી થાય છે. પણ કરવાનું છે તેમાં જીવને આળસ બહુ રહે છે. આવા સમયમાં જે આળસ રાખે તે કેવો કૃતઘ્ની કહેવાય? આપણે મહારાજ સન્મુખ થઈએ તો તે ધક્કે મારીને લઈ જાય એવા છે. પણ જીવને કારણમાં હેત થતું નથી ને કાર્યમાં બહુ રાજી થાય છે. ઉત્સવ, સમૈયા અને ધામધૂમ હોય તેમાં રાજી થાય તેવો કારણનો આનંદ હોય તો કાંઈ વાંધો રહે? અને કાર્ય હોય તેમાં પણ મૂર્તિનો સંબંધ રાખે તો કેવું સુખ થાય! પણ જીવને કાર્યમાં જ ભડાભૂટ કરવાનું બહુ ગમે છે. મોટાને બીજું કહેવાનું નથી, પણ જે કરવાનું છે તે કહેવું જોઈએ. આવું સુખ અને આવા સંત ક્યાંથી હોય! આ સંત તો મૂર્તિમાં રસબસ રહેનારા છે તેથી આપણે ન્યાલ થયા છીએ, નહિ તો ક્યાંય રખડવું પડત. માટે દિવ્ય સભા જાણવી.” ।।૧૦૬।।