સંવત ૧૯૮૩ના કારતક વદ-૩ને રોજ સવારે નારાયણપુરના મંદિરમાં સભામાં વચનામૃતની કથા વંચાતી હતી.

તે વખતે બાપાશ્રીએ સંતોને પૂછ્યું જે, “તમે ન્યાલકરણને ઓળખ્યા છે?”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “હા, મહારાજ ન્યાલકરણ છે.”

પછી બાપાશ્રી એમ બોલ્યા જે, “વાહ રે વાહ! જેવા સદ્‌. શ્રી ગોપાળાનંદ સ્વામી! તેવા જ સ્વામી નિર્ગુણદાસજી! તે અમારા ગુરુ હતા. એ સ્વામીએ આ ઈશ્વર બાવાને મેળવી દીધા એટલે અમને ઓળખાવ્યા. બીજા તો હતા, પણ તે સ્વામીનુંય માનતા નહોતા.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીનો હાથ ઝાલીને બોલ્યા કે, “સ્વામી! ન્યાલ કર્યો તે તમે કચ્છમાં આવ્યા. સાજું બ્રહ્માંડમાં ફરી આવો તોય આવા સંત ક્યાંય ન મળે. આ સંતનાં દર્શન પણ દુર્લભ છે, આ સંત સાંભરે તો મૂર્તિ સાંભરે. ન્યાલ કર્યો! મને ન્યાલ કર્યો! બીજા તો એનું એ જાણે. હવે આપણે ચાર દિવસમાં વિયોગ થાશે.”

પછી સંતોએ કહ્યું જે, “બાપા! વિયોગ થવા દેશો નહિ. સદાય આવાં ને આવાં દર્શન દેજો.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “બહુ સારું મહારાજ! આમ ને આમ કથા-વાર્તા કરજો.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “આપ અમારા ભેળા રહી કથા-વાર્તા કરાવજો અને કૃપા કરી મૂર્તિના સુખમાં જોડી દેજો.”

ત્યારે બાપાશ્રી કહે જે, “બહુ સારું.” પછી એમ બોલ્યા જે, “મોટાની કૃપા તો જોઈએ; કૃપા વિના કાંઈ કામ ન થાય. આ વસ્તુ ઓળખવી તે બહુ ઓંઝી (કઠણ) છે. પોતાની મેળે ઓળખાય એવી નથી. કેવા સ્વામિનારાયણ ભગવાન! કેવા આ સાધુ! કેવી આ પ્રાપ્તિ! આ તો બહુ જબરી વાત છે. હવે આપણે દિવસ બે કે ત્રણ રહ્યા. તો આપણે શું કરવાનું! સદા ભેળું રહેવાય, નોખું કોઈ દિવસ ન પડાય એ કરવાનું. આ બધી બ્રહ્મની મૂર્તિઓ છે, પણ એવો મહિમા સમજાય તો.”

પછી દેવરાજભાઈને કહ્યું જે, “આ જણસ કેવડી! તે પામવી છે. એને એવા મોટા પુરુષ ઓળખાવે. આવા ન ઓળખાય તો કામ ન સરે; અને ઓળખાય તો કાંઈ બાકી ન રહે.”

પછી કહે, “સ્વામી નિર્ગુણદાસજી કેવા! સ્વામી હરિનારાયણદાસજી કેવા! જાણે બ્રહ્મની મૂર્તિઓ ઊભી હોય ને શું!”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી કહે જે, “તમે કોઈકમાં પ્રવેશ કરો તો એવા થાય.”

પછી બાપાશ્રી બે સદ્‌ગુરુ પ્રત્યે બોલ્યા જે, “તમોએ આ એક દેવરાજભાઈને સાજા કરી દીધા એટલે દિવ્યભાવ સમજાવ્યો તેથી અમને આનંદ થયો છે.”

પછી દેવરાજભાઈએ પ્રાર્થના કરી જે, “બાપા! મારી ભૂલ માફ કરો. આ સંતે બહુ દયા કરી મને ઉગાર્યો ને મહિમા સમજાવી તમારી ઓળખાણ પડાવી. હવે મને સદાય ભેળો રાખજો.”

ત્યારે બાપાશ્રી કહે જે, “તમે તો મારી જોડ છો.” એમ કહીને હાર પહેરાવીને બહુ જ રાજી થઈ માથે હાથ મૂક્યા ને સંતોને આજ્ઞા કરી જે, “એને માથે હાથ ફેરવો.” ત્યારે સર્વેએ હાથ ફેરવ્યા તેથી તેમણે રાજી થઈ દંડવત કર્યા. એવી રીતે ખીમજીભાઈએ પણ પ્રાર્થના કરીને ભૂલ માફ કરાવી.

ત્યારે તેમને બાપાશ્રીએ કહ્યું જે, “સદાય આવો ને આવો દિવ્યભાવ રાખજો.” પછી બોલ્યા જે, “આ કાંઈ અમારી મોટપ સારુ નથી કહેતા. અમે તો સર્વેના સેવક છીએ, પણ તમારું સારું થાય તે સારુ વાત કરીએ છીએ. તમે મહારાજ અને આવા સંતને ઓળખજો અને સદાય દિવ્યભાવ રાખજો.” ।।૧૪।।