(સંવત ૧૯૮૩, ફાગણ વદ-૧૪) રાત્રે મેડા પર આસને બાપાશ્રીએ લાલુભાઈને કહ્યું જે, “તમે તો જંગલમાં મંગલ કરી દીધું છે. આજ અમને અને સંતોને બહુ ફેરવ્યા. બગીચા ને વન સર્વે તીર્થ થઈ ગયાં. આ સંત-હરિભક્ત સર્વે અક્ષરધામના છે. મનુષ્ય જેવા દેખાય છે, પણ બહુ જબરા છે.”

ત્યારે તે કહે, “બાપા! આપની દયા છે તેથી બધાય મૂર્તિનાં સુખ ભોગવે છે. આપે અમને ન્યાલ કર્યા છે.”

પછી બાપાશ્રી કહે, “આ બધો શ્રીજીમહારાજનો પ્રતાપ છે. મહારાજ કહે છે કે, ‘અમારે કોઈ જીવને મૂકવા નથી, સૌને સુખિયા કરવા છે. આજ તો મહારાજની દયાથી ભારે કામ થાય છે.”

પછી લાલુભાઈએ કહ્યું જે, “બાપા! આજે આપને થાક લાગ્યો હશે તેથી આરામ કરો.”

ત્યારે બાપાશ્રી કહે, “સૌ હરિભક્તોને તાણ ઘણી છે જે પાંચ દિવસ હજી વધુ રોકાય તો ઠીક, પણ અમારે હવે જવાનું છે તેથી સૂઈ રહીએ તો તમને તાણ રહી જાય. અમે તો હરિભક્તોનાં આવાં હેત જોઈએ છીએ એટલે કાંઈનું કાંઈ થઈ જાય છે.”

એમ કહીને બન્ને સદ્‌ગુરુ પ્રત્યે બોલ્યા જે, “સુખિયો કોણ? તો જે મહારાજની મૂર્તિ રાખે, સાધુતા ખરી રાખે ને સત્સંગમાં દાસભાવે વર્તે તે. એ વિના ગાદી-તકિયાવાળા અધિકારી, મહંત ને કોઠારી આદિકનાં કોઈ નામ જાણતું નથી. અને માન, મોટ્યપ, યશ, કીર્તિનો ત્યાગ કરી સત્સંગમાં દાસત્વપણે વર્તે છે તેને સહુ વખાણે છે. તેનું તો બહુ જ કામ થઈ જાય છે. તેને દેહ મૂક્યા કેડે પણ આ બ્રહ્માંડ રહે ત્યાં સુધી વાંસે સર્વે સંતના આશીર્વાદ જાય છે, જે કેવા સાધુ હતા! કેવા હરિભક્ત હતા! જેમ દાદા ખાચરનાં ને પર્વતભાઈનાં વખાણ થાય છે તેમ.”

“એવા મોટા સત્સંગમાં છે તેમનો વાયરો અડે તો ટાઢું થઈ જાય. માયિક વાયરે પણ ટાઢું થાય છે તો દિવ્યથી કેમ ટાઢું ન થાય? જરૂર થાય જ. એવા અનાદિમુક્ત મૂર્તિનું સુખ લઈ સત્સંગમાં પ્રવર્તાવે છે અને સુખનો વરસાદ વરસાવે છે, તેણે કરીને ચાર ખાણના જીવ સુખિયા થાય છે. એવા મોટાને ખોળે તો તરત હાથ આવે.”

“આપણે તો મૂર્તિના સુખનાં પારણાં કરવાં તે અચળ ને સનાતન છે. મૂર્તિના સુખ વિના બીજું જમવું તે ચળ છે તે ટકે નહિ, માટે એ દિવ્ય સુખનો આહાર કરવો. તે કોઈ કાળે નાશ ન થાય. જો મૂર્તિ વિના બીજો માયાનો આહાર થાય તો અભડાવે છે, કેમ કે માયા વટલાવે એવી છે. તેનાં કાર્યમાં જીવ હણોહણ કરે છે. માટે આપણે તો સર્વેના કારણ ને સર્વેને વશ કરનારા, સર્વોપરી, સર્વે સુખના ધામ શ્રીજીમહારાજ છે એ મૂર્તિના સુખનો જ આહાર કરવો. જે જે કરવું તે એકાંતમાં બેસી એક વૃત્તિએ કરી મૂર્તિમાં જોડાવાય તેવું કરવું, તો તેને મૂર્તિ સાક્ષાત્ દેખાય છે.”

“માયા ઝેરરૂપ છે તેને જીવ ઇચ્છે છે, પણ અમૃતને કોઈ ન ઇચ્છે. આપણે તો પ્રકૃતિરૂપ માયાને ગણવી જ નહિ. પ્રકૃતિનું જ્ઞાન ખોટું છે. સાચું જ્ઞાન અનુભવ અને સત્ય સનાતન છે. માટે માયા ભેદીને, એકાંતિક તથા પરમ એકાંતિક ભેદીને તેથી પર અનાદિમુક્ત તે ભેળા ભળી જવું. એવા અનાદિમુક્ત અને મહારાજ સદા અનાદિ છે જ, પણ જે અવરભાવવાળા છે તેની દૃષ્ટિ અવરભાવવાળી છે તેથી તેને મહારાજ અને મોટા અનાદિ આદિ જેવા દેખાય છે; પણ તે આદિ નથી. સદા અનાદિ અને સનાતન છે.”

“એવો મહિમા કાલ સાધુ થયા હોય તેનો પણ જાણવો જે આ સાધુ બહુ જ મોટા છે; એમ સર્વેને દિવ્ય જાણવા. અને જ્યારે સંગ કરવો ત્યારે તો મોટાનો જ કરવો. મહારાજે અવરભાવમાં કહ્યું જે, ‘મોટા મોટા આગળ બેસો’, પણ પરભાવમાં સરખા કહ્યા છે; માટે આપણે સર્વેને દિવ્યભાવે બ્રહ્મની મૂર્તિઓ છે એમ જાણવું.”

“મોટા અનાદિમુક્ત છે તે તો અનંત કોટિ કલ્પ સુધી મૂર્તિનું સુખ ભોગવે છે તોપણ પાર પામતા નથી. તે મૂર્તિમાંથી તરેહ તરેહનાં નવાં નવાં સુખ આવે છે. જેમ પૃથ્વી માયિક છે તોપણ તેમાંથી જુદા જુદા રસ ઘણાક થાય છે. તો આ તો દિવ્ય મૂર્તિ છે તેમાંથી નવીન નવીન સુખ આવે તેમાં શું આશ્વર્ય હોય? તે સુખની આપણે ત્વરા કરવી ને મૂર્તિમાં વળગવું, પણ મૂર્તિ વિના બીજે હેત કરી બંધાવું નહિ. હેત કરવા જેવા તો એક ભગવાન ને મૂર્તિમાં રહેનારા અનાદિમુક્ત છે. માટે એવા મોટા મુક્તને વિષે કોઈ દિવસ મનુષ્યભાવ આવવા દેવો નહિ; સદાય દિવ્યભાવ રાખવો.”

“અને મહારાજ પાસે એમ પ્રાર્થના કરવી કે, ‘કોઈ દિવસ નાસ્તિક તથા કુસંગીનો સંગ ન થાય.’ તે કુસંગ તે શું? તો મોટા ભગવદીનો દોષ આપણા જીવમાં ઘાલી દે એ મોટો કુસંગ કહેવાય. આપણે સાજો સત્સંગ દિવ્ય જાણવો, પણ સમાગમ તો મહારાજનો મહિમા તથા સુખ મળે તેવાનો કરવો. ને આજ્ઞા પાળવાનો ખટકો ઘણો રાખવો; તેનો લોપ ક્યારેય કરવો નહિ. ગંગાજીનું જળ ગૌમુખીમાંથી આવે છે તેમ ગંગાજીને ઠેકાણે મૂર્તિ છે. જળને ઠેકાણે મૂર્તિનું સુખ છે અને ગૌમુખીને ઠેકાણે મુક્ત છે. તે મુક્તરૂપ મહારાજનું મુખ તે દ્વારે મૂર્તિનું સુખ આવે છે. માટે મૂર્તિથી જુદા ન પડે તે મોટા જાણવા ને કોઈનો મન, કર્મ, વચને કરીને દ્રોહ ન થાય તેવો ખટકો રાખવો. કેમ જે આ બધો સત્સંગ આપણું ગોત્ર છે તેથી કોઈનો ભૂંડો સંકલ્પ પણ ન કરવો. જે સ્વામિનારાયણ નામ લેતા હોય તેવાના દોષનો સંકલ્પ થાય તો આપણું ઠીકરું ફૂટી જાય ને વજ્રલેપ થાય. કારણકે જેના જીવમાં સ્વામિનારાયણ હોય તેના મુખથી જ તે શબ્દ નીકળે; માટે તેવાના દ્રોહથી પણ આપણે બીતા રહેવું.” ।।૧૦૨।।