એક સમયે પ્રેમજીભાઈ માંદા હતા. તેમનો ખાટલો ઉગમણી વાડીમાં હતો. ત્યાં બાપાશ્રી પધાર્યા ને તેમને બોલાવી જગાડ્યા. પછી તે બેઠા થયા ને દર્શન કર્યાં. પછી કલાક વાર થઈ એટલે દિવ્ય વહેલ લાવેલા તેમાં બેસીને વૃષપુર તરફ ચાલી નીકળ્યા તે થોડેક સુધી દેખાયા, પછી ન દેખાણા. વળી એક વખતે પોતે બહુ માંદા હતા ને આંખો બહુ દુખતી હતી ને ફૂલાં છવાઈને આંખો ધોળી થઈ રહી હતી. તેમને બાપાશ્રીએ દર્શન આપીને કહ્યું જે, “એક આંખ સારી થશે.” એમ કહીને અદૃશ્ય થઈ ગયા તે એક આંખ સારી થઈ. ।।૪૩।।