સંવત ૧૯૬૩ના વૈશાખ સુદ-૧૪ને રોજ સાંજના બાપાશ્રી તથા સર્વે સંત-હરિજનો શ્રી કાકરવાડીએ નાહવા ગયા હતા. ત્યાં નાહીને માનસી પૂજા કરી બાવળ નીચે સભા કરી.

પછી સાધુ દેવજીવનદાસજીએ પૂછ્યું જે, “સમાગમ કરીએ ને વાત તો સમજાય નહિ ને યાદ પણ રહે નહિ તેને સમાસ થાય કે નહિ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ખેતરમાં ખૂબ વરસાદ વરસે ને તેને ખૂબ ખેડીને પછી તેમાં માળવણ જાર વાવે ને પછી વરસાદ ન થાય તોપણ મોટાં મોટાં કણસલાં કાઢે ને જાર પાકે; તેમ વાતો ન સમજાય તોપણ જીવમાં રહે છે ને અંત વખતે જણાઈ આવે છે. વળી, બીજું દૃષ્ટાંત જે, જેમ ભાલ દેશમાં ઘઉં પીલતી વખતે બળદ આખા ઘઉં ખાઈ જાય છે તે છાણ ભેળા નીકળી જાય છે, પણ તેનો કસ રહે છે; તેમ આ વાતો સમજાય નહિ તોપણ બહુ સમાસ કરે ને સાંભળનારને દેશકાળ લાગવા દે નહિ.”

“આ પ્રશ્ન મુળીમાં સદ્‌ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીને આ ગામના કુંવરજી પટેલે પૂછ્યો હતો તે સ્વામીશ્રીએ એવો ઉત્તર આપ્યો હતો. અને તે કુંવરજીભાઈ કહેતા જે, ‘જ્યારે સ્વામીશ્રીની પાસે વાતો સાંભળતો તે દિવસે કાંઈ સમજાતું નહોતું, પણ આજ તે બધી વાતો સાંભરી આવે છે.’ આ વાતો અંત વખતે કામમાં આવે છે. માટે સમજાય અથવા ન સમજાય તોપણ જ્યાં સુધી પ્રત્યક્ષ બેઠા છીએ ત્યાં સુધી જોગ કરી લેવો.” ।।૬૪।।