સંવત ૧૯૮૩ના ભાદરવા સુદ-૯ને રોજ સ્વામી ઈશ્વરચરણ-દાસજી ઉપર બાપાશ્રીનો તાર આવ્યો. તેથી સ્વામીશ્રી તથા સ્વામી વૃંદાવનદાસજી આદિ સંતો ગુજરાતથી સિનોગરે ગયા. ત્યાં કથાની સમાપ્તિ વદ-૧ને રોજ થઈ. બીજે દિવસે બાપાશ્રી સાથે સર્વે સંતો ભુજ ગયા.

ત્યાં સભામાં કથા પ્રસંગે બાપાશ્રીએ વાત કરી જે, “આ સભા દિવ્ય છે. મહારાજ ને તેમના અનાદિમુક્ત નિર્ગુણ છે. આ સભાને મહારાજ સાથે એકતા છે. આવા મોટા સંત જ્યાં વિચરે તે ભૂમિનાં અહોભાગ્ય! આ ટાણું બહુ દુર્લભ છે. આ સભા અક્ષરધામની છે, એમ મહારાજ કહે છે. એવો મહિમા જણાય તો કાંઈ બાકી રહે નહિ.” એ રીતે ઘણી વાતો કરી.

પછી સર્વે સંતોને આજ્ઞા કરી જે, “તમે ભોગીલાલભાઈ, ઘેલાભાઈ, ધનજીભાઈ, વાલજીભાઈ, લાલશંકરભાઈ આદિ સર્વ હરિજનોને રાજી કરીને નારાયણપુર આવજો. અમે પણ ત્યાં આવીશું.” એમ કહીને વૃષપુર પધાર્યા.

બીજે દિવસે સાધુ ભક્તિપ્રિયદાસજીએ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજીને આસને આવીને કહ્યું જે, “તમને હાથ જોડીને વિનંતી કરું છું જે, તમે સભામાં વાતો કરો છો તે કેટલાક સમજી શકતા નથી.”

ત્યારે સ્વામીએ કહ્યું જે, “આ ન સમજે ત્યાં સુધી જન્મ-મરણ ટળે નહિ.”

તે વખતે ભોગીલાલભાઈ બેઠા હતા, તે બોલ્યા જે, “તમે આ સદ્‌ગુરુઓની વાતોમાં મૂંઝાઓ છો તે મૂંઝાવા જેવું શું છે? અમે આ વાતો બરાબર સમજી શકીએ છીએ ને બાપાશ્રીએ અમને આ બધી વાતો સમજાવી છે; માટે અમે સદ્‌ગુરુઓને પ્રાર્થના કરીએ છીએ કે આ વાતો બધેય કરજો. આ સદ્‌ગુરુઓ કેવા છે? તો જેનાં દર્શન માત્રે કરીને પામર અને પતિત જીવોના ઉદ્ધાર થાય છે ને ઠેઠ શ્રીજીમહારાજની મૂર્તિના સુખમાં પહોંચાડી દે છે. તમને વાતોમાં મૂંઝવણ થાય છે તેનું કારણ તમારી નજર પહોંચતી નથી, પણ આ વાતો સમજ્યા વિના આત્યંતિક મોક્ષ થાય તેમ નથી.”

એમ કહ્યું એટલે તે કાંઈ બોલી શક્યા નહિ. પછી જ્યાં સુધી સંતો ભુજમાં રહ્યા ત્યાં સુધી વચનામૃતની કથા પ્રસંગે બન્ને સદ્‌ગુરુઓ મહારાજ તથા મોટાના પ્રતાપની અલૌકિક વાતો કરતા, પ્રશ્ન-ઉત્તર થતા તેથી હરિભક્તો બહુ રાજી થયા.

ભાદરવા વદ-૯ને રોજ સર્વે સંતો નારાયણપુર ગયા. બાપાશ્રી પણ બીજે દિવસે એટલે વદ-૧૦ને રોજ નારાયણપુર પધાર્યા. ત્યાંથી એકાદશીને રોજ સંતો ભારાસર ગયા અને બાપાશ્રી વદ-૧૨ને રોજ તડકામાં ઘોડીએ બેસીને બપોરે બે વાગે ભારાસર પધાર્યા.

તે વખતે એમ બોલ્યા જે, “અમે આજ તપ કર્યું. તમે દરિયો ઝંઘી ઝંઘીને અમ સારુ આવો છો તે અમે જાણીએ છીએ. અમે કાંઈ કૃતઘ્ની નથી. તાપ-તડકો વેઠીને તમ કેડે વાંસે વાંસે ફરીએ છીએ.” એમ વાત કરી.

પછી સંતો તથા હરિભક્તોના આગ્રહથી બાપાશ્રીએ ઠાકોરજીને જમાડ્યા, પછી જળપાન કરી સ્વામી ઈશ્વરચરણદાસજીનો હાથ ઝાલીને ઊભા થયા ને મંદિરમાં હરતાં ફરતાં પેટ ઉપર હાથ ફેરવતા જાય ને સ્વામીને કહેતા જાય જે, “આજ તો તમારા આગ્રહથી અને હેતથી અમે મહારાજને ખૂબ જમાડ્યા.” ।।૧૭।।