સંવત ૧૯૮૨ના માગશર વદ પાંચમને રોજ સવારે સભામાં અશ્લાલીના રાવસાહેબ બાલુભાઈએ પૂછ્યું જે, “જીવ સાકાર છે કે થાય છે કે એને બીજો દેહ બંધાય છે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જીવ સત્ય ચૈતન્ય વસ્તુ છે તે શ્રીજીમહારાજને ધ્યાને કરીને દિવ્ય સાકાર શ્રીજીમહારાજના જેવો થાય છે. શાસ્ત્રના સમજનારા શાસ્ત્રમાંથી ગોઠવે તે કોઈ આમ ને કોઈ આમ કહે, ગોથાં મારે, પણ હાથ ન આવે. આ તો દેખીને કહેવાય છે, જે જીવ માયામાં નિરાકાર છે તે ભગવાનના ધામમાં દિવ્ય સાકાર થાય છે. જ્યારે જીવને અનુભવજ્ઞાન થાય ત્યારે મૂર્તિમાંથી ખુશબો છૂટે છે તે ખેંચીને જીવને મૂર્તિમાં લઈ જાય છે. એ થયા વિના બધુંય કાચું. પંડિતથી ગાઉ પચાસ, તમારા પંડિતોથી ભગવાન પચાસ ગાઉ છેટે છે તે શાસ્ત્રમાં ગોથાં ખાઓ છો, પણ તે જડે તેમ નથી. એ તો મહારાજના અનાદિ કાં પરમ એકાંતિક મળે તો જ ભગવાન મેળવે.”

“આજ મળેલા સંત ખોળવા જોઈએ તે આ જ છે. એવાનો જોગ કરે તો સુખિયો થાય, એવાની તો ખબરે ન હોય. અમે ૧૯૨૨ની સાલમાં આવ્યા હતા ત્યારે ઘણા મળેલા હતા તે પણ મળેલા. અને આજ તો શ્રીજીમહારાજની મૂર્તિમાં રહેતા હોય એવા મળેલાને ઓળખીને તેમાં આપોપું કરીને તેમનો જોગ કરવો ને તેમને મન અર્પી દેવું. રાત્રિ કહે તો રાત્રિ અને દિવસ કહે તો દિવસ, પણ તર્ક ન કરવો; તો બધી માયા ટળાવે. આ સંત અક્ષરધામનો દરવાજો છે તે પોતાના જેવી સ્થિતિ કરાવે– જો કરવા માંડીએ તો. અને પુરુષપ્રયત્ન કરે તો મોટા પુરુષ રાજી થાય ને કૃપા કરે. જીવ સર્વે સત્સંગને દિવ્ય સમજે તો પોતે દિવ્ય થઈ જાય.”

પછી મંડાળાના હરિજન દર્શને આવ્યા. તેમને માથે ચાર ફેરા બે હાથ મૂકીને કહ્યું જે, “નિયમ, નિશ્ચય ને પક્ષ રાખવો અને મૂર્તિ ધારવી તે સબીજ કહેવાય; તેને વાંધો રહે જ નહિ. અને એકલાં સાધન કરે તેમાં ન વળે. અવરભાવ જે આ દેહમાં રહ્યા તે અને પરભાવ જે મહારાજની મૂર્તિમાં રહ્યા તે. તે પરભાવમાં સર્વેને રાખવા છે. આ સત્સંગમાં કેટલાક અનાદિ છે ને કેટલાક આદિ છે. આ બેઠા તે સર્વે આદિ છે અને અનાદિ જે ધામમાં બેઠા તે જ આ આદિ છે. જેમ અહીં માયામાં મૂર્તિ છે ને પડછાયો પણ છે, તેમ આ આદિ તે પડછાયાને ઠેકાણે છે. ‘જ્ઞાનીને જ્ઞાની મળે રસની લૂંટાલૂટ, જ્ઞાનીને અજ્ઞાની મળે તો થઈ પડે માથાકૂટ.’”

પછી તલ્લીનપણાની વાત આવી, ત્યારે એક બ્રાહ્મણે પૂછ્યું જે, “આ મૂર્તિનું તલ્લીનપણું કે વૃત્તિનું સમજવું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “વૃત્તિનું લીનપણું એ તો સાધનદશાનું છે, સિદ્ધકાળમાં તો જીવનું જ લીનપણું છે તે કરવું. વૃત્તિ તો માયિક છે ને જીવ ને ભગવાન તો દિવ્ય છે. તે દિવ્ય વસ્તુને વૃત્તિ હોય નહિ. એ તો આપસત્તાએ જુએ છે. આ સભામાં ઉપશમદશાવાળા છે તથા નિરાવરણ દૃષ્ટિવાળા છે અને સ્વતંત્ર અનાદિમુક્ત પણ છે; તેમને ઓળખીને જીવ જોડવો તો સુખી થાય. જો આવા પુરુષને ઓળખીને સમાગમ કરે તો જીવને સાધનનો અવધિ આવી રહે ને સાધનના ભાવ મટીને સિદ્ધભાવ આવી જાય. પછી તેને ખારા, ખાટા, મોળા, સ્વાદુ, કુસ્વાદુની ખબર રહે નહિ, એવો થઈ જાય. સત્ય એવા જે શ્રીજીમહારાજ તથા પોતાનો આત્મા તથા સંત તથા સત્શાસ્ત્રમાં કહ્યો એવો ધર્મ તે મળીને સત્સંગ કહેવાય. આંધળા ન રહેવું ને આવા સંતના ગુલામ થઈને રહેવું.” ।।૨૪૫।।