સંવત ૧૯૮૨ના પોષ સુદ-૪ને રોજ સવારે સભામાં એક બ્રાહ્મણ કહે જે, “મૂર્તિ ખપે.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ મૂર્તિ સાક્ષાત્ ભગવાન છે, એવો વિશ્વાસ આવે છે? આવે તો દર્શન કરો. એક બ્રાહ્મણ હતો તે ખાવા બેઠો ને કહે જે, ‘ગળે ઊતરતું નથી’, પછી તેને કહ્યું જે, ‘ગળામાં લાકડું ખોસો.’ તેમ તમારે ગળે ઊતરે તો માનો ને દર્શન કરો, પણ નાસ્તિક ભાવ રાખશો નહિ. આ પ્રતિમા સાક્ષાત્ ભગવાન છે, એવો આસ્તિક ભાવ રાખવો.”

તે ઉપર કલ્યાણસંગની વાત કરી જે, “રામપુરમાં કલ્યાણસંગજી (માથકવાળા) આવ્યા હતા તે બહુ મોડા નહાતા હતા તેમને અમે કહ્યું જે, ‘વહેલા નાહો તો ભગવાનનાં દર્શન કરાવીએ.’ પછી બીજે દિવસે વહેલા નાહીને અમારી પાસે આવીને બોલ્યા જે, ‘અમને ભગવાનનાં દર્શન કરાવો.’ પછી અમે તેમને પ્રતિમાની પાસે લઈ જઈને કહ્યું જે, ‘જુઓ, આ ભગવાન ખરા કે નહિ?’ ત્યારે તે બોલ્યા જે, ‘હા, ભગવાન ખરા.’ એવો વિશ્વાસ ને આસ્તિકપણું રાખવું, અને આ મૂર્તિ માંહી દેખાય એવો સાક્ષાત્કાર કરવો.”

“પ્રતિમાને દિવ્ય ન જાણે ને મૂર્તિ સારુ વલખાં મારે તેમાં શું વળે? માટે તેમાં દિવ્યભાવ સમજીને ધ્યાન કરીને મૂર્તિમાં જોડાવું, તે મહારાજે સોંપ્યું છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન તેના ભાવ ટાળી નાખવા. દેહના જે શણગાર છે તે ટાળી નાખવા અને મહારાજની મૂર્તિમાં એકતાર જોડાવું. વૈભવ એકેય મેલાય નહિ અને મૂર્તિ ખપે તે કેમ મળે? મોટા મોટા સંતો પણ મૂર્તિ સારુ વલખાં કરે છે, તો સર્વેને ક્યાંથી મળે? ઝેરનું ઝાડ રોપો તો પાંદડાં, ડાળાં, પાંખડી સર્વે ઝેર હોય; તે ઝેરનું ઝાડ મેલીને સ્વામિનારાયણની એક મૂર્તિમાં તેલધારા અખંડ વૃત્તિ કરવી. તેમ શ્રીજીમહારાજનું સુખ આપનારા સંતને ઓળખીને તેમનો સંગ કરે તો જે સુખ ઇચ્છે તે મળે. જો પ્રયત્ન કરવા માંડે તો મૂર્તિ સિદ્ધ થઈ જાય; માટે પુરુષપ્રયત્ન કરવો.”

એક બ્રાહ્મણે ભાતું માગ્યું ત્યારે કહ્યું જે, “સૌનું ભેળું માગવું; એકલાનું ન માંગવું.”

ત્યારે કહે જે, “મારી દાઢી પહેલી ઓલવું.”

“માયિક ઇંદ્રિયે કરીને માયિક વસ્તુ ઝેર જેવી થઈ જાય ને અખંડ મૂર્તિમાં વૃત્તિ રાખે તો છ મહિનાની અંદર મૂર્તિ સિદ્ધ થઈ જાય. જ્યારે ખારું, ખાટું, તીખું, તમતમું આદિકના ભાવ એકેય ન રહે ત્યારે મૂર્તિ દેખાય. જ્યારે પુરુષોત્તમરૂપ થશો ત્યારે પુરુષોત્તમનું જ્ઞાન થશે. આ દેહનું સુખ ભેળું રાખવું અને મૂર્તિનું સુખ લેવું તે થાય નહિ. રસના આદિક મૂકે તો થાય, પણ ‘ભગૂડી ભેંસનું દૂધ સારું’ એમ રહે ત્યાં સુધી મૂર્તિ ક્યાં મળે તેમ છે? અમે ક્યાંથી આવ્યા? આજ મહારાજ મૂર્તિ દેખાડે છે, હરે છે, ફરે છે, સુખ આપે છે; પણ નાસ્તિક ભાવ છે. આ દેહનું જ સુખ જોઈએ; ખાવા, પીવા, પહેરવા ને શોખ માણવા; તો મૂર્તિ ક્યાંથી દેખાય?”

તે ઉપર હરજીભાઈની વાત કરી જે, “તેમને ચંદનના ઝાડનો યોગ થયો તે ઝેર ઊતરી ગયું અને દેહનો ભાવ ટાળીને એક તાંસળામાં ભેળું મેળાવીને જમે અને અમારા ગામનો ઈજારો લઈને અમારી પાસે રહ્યા અને જોગ કર્યો ને બીજું બધું ભૂલી ગયા. એમનો સેવક હતો તે સવારે-સાંજે પાસે જાય ત્યારે તેમને વિષે તેજ દેખતો. અને જો એવો ખપ થયો તો અમારી પાસે જ રહ્યા. અને અમને કહ્યું જે, ‘ગોવાભાઈને કહો જે કારખાનાંમાત્ર બંધ કરે.’ ત્યારે અમે કહ્યું જે, ‘એમની સ્થિતિ એવી થઈ નથી તે શી રીતે મૂકે?’ સર્વે ઇંદ્રિયોને વશ રાખે તે વનમાં ગયો જાણવો. એવા ભગવાન ને સંત આપણને મળ્યા છે ને ભેગા કુટાય છે તોય પણ મોહ ન મેલાય.”

પછી સાંજના બાપાશ્રી તથા સર્વ સંત-હરિજનો વિરમગામ પધાર્યા. ।।૨૫૦।।