સંવત ૧૯૮૪ના ચૈત્ર સુદ-૬ને રોજ સવારે વૃષપુર મધ્યે બાપાશ્રી પૂજા કરીને શિક્ષાપત્રીનો પાઠ કરતા હતા.

તે વખતે હરિભક્તો પ્રત્યે એમ બોલ્યા જે, “આ શિક્ષાપત્રી મહારાજે લખી છે તે આચાર્ય, સંત, બ્રહ્મચારી, પાર્ષદ, હરિભક્તો, બાઈ, ભાઈ સર્વેને પાળવાની છે. તેને મહારાજે પોતાનું સ્વરૂપ કહ્યું છે. મહારાજના આશ્રિત હોય તે સર્વે એમાં લખી આજ્ઞા પ્રમાણે રહે. ખરા સાધુ કે ખરા હરિભક્ત પણ એને જ કહેવાય. આજ્ઞાપરાયણ અંગ હોય તેને વચનનિવાસી કહ્યા છે. મહારાજ એવા ભક્ત ઉપર અતિ પ્રસન્ન થાય, પણ જો એ માંહેલું એકેય વચન લોપે તો રાજી ન થાય. માટે અધિકાર, મોટાઈ, આદિમાં લેવાઈ કોઈ વચનનો લોપ ન કરવો.”

પછી બાપાશ્રી ઠાકોરજીનાં દર્શન કરી ઓસરીમાં સભામાં આવીને બેઠા ને સૌને જય સ્વામિનારાયણ કહ્યા. પછી સંતો પ્રત્યે એમ બોલ્યા જે, “તમે મહારાજના સંત છો તે મહારાજ વિના બીજું કાંઈ ઇચ્છશો નહિ. તમને શ્રીજીમહારાજે વ્યવહારમાર્ગમાં અમંગળિક ગણ્યા છે માટે તમારે એક મહારાજ વહાલા રાખવા. ત્યાગીની રીત ભૂલીને ગૃહસ્થને માર્ગે ચલાય તો મોટી ખોટ આવે. માટે કોઈ સંત મૂર્તિ વિસારીને અમંગળિક થશો નહિ. અમંગળિક તે શું? તો દ્રવ્ય, ખેતર, આદિ રાખવું તે. તેવું કાંઈ ન હોય ને એક શ્રીજીમહારાજની મૂર્તિ હોય તે ખરા મંગળિક. તમારે તો મહારાજની મૂર્તિ વિના બધુંય મૂકી દીધા જેવું છે. અમે આમ વાતો કરીએ છીએ, પણ મૂર્તિને ભૂલીએ નહિ અને સંત-હરિભક્ત અહીં આવે છે તેમને એક મૂર્તિ આપવાનો જ અમારો ઠરાવ છે.”

“આ અમારો અહિંસામય યજ્ઞ છે. તેમાં કોઈનું મન દુઃખાય નહિ એવો ખટકો રાખીએ છીએ; કેમ જે આપણો અહિંસા ધર્મ છે. સાધુને બીજે ગામ જવા ટાણે ગાડાં જોડાવવા તેમાં આવો વિચાર કરવો ખપે. અમારો ઠરાવ એવો જે ક્યાંઈક જવું હોય ને કોઈ ગાડું જોડે, પણ બળદ ઘરડા-દૂબળા હોય તો અમે કાંઈક બાનું કાઢીને જઈએ નહિ. એવા અબોલ જીવને દુઃખ થાય તે કરતાં પગે ચાલીને જવું એ ઠીક ને એમાં મહારાજ રાજી થાય. મોટા સંતો પ્રથમ એમ કરતા. એવી રીતે બીજા કામમાં પણ કોઈનું મન ન દુઃખાય એવો ખટકો રાખીએ છીએ. અમે આ યજ્ઞમાં સૌને કહ્યું છે જે, ‘કોઈનો બળદ માંદો હોય અથવા ઘરડો કે દૂબળો હોય તેને ગાડે જોડવો નહિ.’ કોઈ એવાને જોડે તેથી તેને પરાણે ચાલવું પડે એટલે એ નિસાસા નાખે તેનું પાપ અમને લાગે. અમે કોઈને દુઃખ દઈએ એવા નથી.”

“ધર્મ પળાવવામાં તો મન દુઃખાય તોય કહ્યા વિના ચાલે નહિ; કેમ જે ધર્મ લોપનારને આગળ દુઃખ બહુ વેઠવું પડે તે કરતાં તેને ઠપકો આપીને કે પ્રાયશ્ચિત્ત કરાવીને પણ ઠેકાણે પાડીએ તો તેનું સારું થાય. હમણાં એક ગામથી એક જણનો કાગળ આવ્યો હતો જે, ‘મારે યજ્ઞમાં આવવું છે તે તમો લખો તો આવું’; પણ તેણે પ્રાયશ્ચિત્ત કર્યું નથી એટલે અમે તેને હા પાડીએ જ નહિ. કોઈકને ભૂલચૂક થઈ હોય અને પ્રાયશ્ચિત્ત કરે તો તેને સત્સંગમાં લઈએ. તે જો ન કરે તો તેને પડ્યો મૂકીએ.”

પછી કેરાના હરિભક્તો દર્શને આવ્યા તેમાં પણ એકને પ્રાયશ્ચિત્ત આપવાનું હતું તેથી તેમને કહ્યું જે, “તમારા ગામના હરિભક્તો ઠરાવ કરીને એક કે બે તમારામાંથી ભુજ જાઓ અને સંતો કહે તેમ શ્રી નરનારાયણ દેવની સમક્ષ કરાવી આવો. તેમાં ઝાઝા મનુષ્યને સંભળાવવું નહિ. ઝાઝાને જણાવવું તે પૂંઠ દેખાડવા જેવું છે, માટે પાંચ મનુષ્ય જાણતા હોય તે જ જાણે. તે રીતે જેમ બને તેમ છાનું કરાવી ચોખ્ખો કરવો.” પછી માથકના ભગવાનજીભાઈએ હાથ જોડીને પ્રાર્થના કરી જે, “બાપા! અમારું અને અમારા કુટુંબનું કલ્યાણ કરજો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સારું, સૌનું કલ્યાણ કરશું, પણ જેને શ્રીજીમહારાજનો આશરો નહિ હોય તે તો ચોરાશીમાં અથડાશે. આ સમે શ્રીજીમહારાજે કલ્યાણ બહુ સોંઘું કર્યું છે, પણ અભાગિયા જીવ ઓળખે નહિ એટલે કલ્યાણ થાય નહિ. જો ઓળખે તો મહારાજ અથવા મહારાજના મુક્ત એક ઘડીમાં મોક્ષ કરી દે એવા છે. અમારી દૃષ્ટિ તો એવી છે જે નજરે ચડે એટલામાં કલ્યાણ કરીને મૂર્તિમાં મૂકી દઈએ.”

પછી વચનામૃતની કથા થઈ રહી ત્યારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “સત્સંગમાં જેને દિવ્યભાવ આવે તેને મહારાજ ને મુક્ત સર્વે તેજોમય ભાસે. આ મંદિર, મેડી, ઘર, ઓસરી સર્વે તેજોમય છે, તેજનો અંબાર છે, વચ્ચે મહારાજ બિરાજે છે. એ મૂર્તિમાં અનંત મુક્ત કિલ્લોલ કરે છે, ફરતી સભા બેઠી છે, સર્વે તેજોમય છે. મહારાજ કહે છે કે, ‘જ્યાં પુરુષોત્તમની મૂર્તિ ત્યાં અક્ષરધામનું મધ્ય’, એટલે મૂર્તિને ફરતું તેજ, તેમાં ચારેકોર મુક્તનાં મંડળ બેઠાં છે. મહારાજના અનાદિમુક્તનો વિશ્વાસ હોય તેને આ વાત મનાય ને આઠે પહોર આનંદ આનંદ રહે, મૂર્તિના સુખની ખુમારી રહે.”

તે વખતે નારાયણપુરવાળા ખીમજીભાઈ ચંદન તથા હાર લઈને આવ્યા. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સોઢીનું શણગારમાં ગયું. તે સોઢી હતી તે શણગારમાં રહી ત્યાં તો જાન જતી રહી. તેમ તમે પૂજાની સામગ્રી કરવા રહ્યા, ત્યાં કથા-વાર્તા જતી રહી એવું થયું. અત્યારે સંત-હરિભક્તની સભામાં બ્રહ્મયજ્ઞ થાય છે. આ જુઓ! ગામોગામના હરિભક્ત આવ્યા છે અને હજી સંઘ આવ્યા કરે છે. સભામાં કાંઈની કાંઈ વાતો થાય છે, મૂર્તિના સુખના અમૃત ઘન વરસે છે માટે અત્યારે તો જેટલો લાભ લેવાય તેટલો લેવો.” એમ ખીમજીભાઈ નિમિત્તે સૌ સંત-હરિભક્તોને મહિમા સમજવાની વાત કરી. ।।૧૩૦।।