સંવત ૧૯૮૩ના ભાદરવા વદ-૧૩ને રોજ શ્રી ભારાસરના મંદિરમાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “અમે અમદાવાદ સંઘ લઈને ગયા હતા. ત્યાં એક વિદ્વાન સાધુએ વાત કરી તે મહારાજને પ્રકૃતિપુરુષ જેવા વર્ણવ્યા. અને મહાકાળ, નરનારાયણ, વાસુદેવબ્રહ્મ, તેથી પર મૂળઅક્ષર એ બધાય રહી ગયા ને પ્રકૃતિપુરુષ જેવા કહ્યા. પછી અમે કહ્યું જે, ‘તમે વિદ્વાન તો મહારાજને માયા સુધી વર્ણવો છો; તેથી પર તો સમજતા જ નથી, માટે અમે વિદ્વાનથી તો બીએ છીએ. વિદ્વાનને મહારાજ હાથ આવવા ઘણા દુર્લભ છે.’ આપણે તો મૂળઅક્ષરથી પર શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામમાં સ્વામિનારાયણ ભગવાન રહ્યા છે, તેમાં રસબસ થઈ રહેવું. આ સાકરની ગુણ આવી છે તેને લૂણ ન માનશો. પ્રકૃતિના કાર્યને તો જોઈ જોઈને જીવ થાકી ગયા છે. તે જો મહારાજની મૂર્તિમાં જોડાય તો અહોહો થઈ જાય. તમે પ્રકૃતિ આદિકમાંથી અને મૂળઅક્ષરમાંથી નીકળીને મહારાજને ઓરા થયા છો. જે મૂર્તિમાં જોડાઈ ગયો તેને બીજું કાંઈ ભાસે કે સાંભરે નહિ. તે અનુભવજ્ઞાન કહેવાય. જેમ ખોટો પૈસો બહાર કાઢી નાખીએ, તેમ પ્રકૃતિ આદિકને ખોટું કરે તેમાં શું વળે? કાંઈ ન વળે. આ જોગ ને વખત સારો છે.”

પછી બોલ્યા જે, “તમને ક્યાંઈક ખણીને વનમાં જઈએ તો કેમ કરો?”

ત્યારે સંત કહે જે, “તમારા ભેગા મહારાજની મૂર્તિમાં રહીએ.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “કલ્પેકલ્પ વીતી જાય તોપણ એ સુખમાંથી બહાર નીકળાય નહિ ને પૂર્ણ ન થવાય. મૂર્તિમાં જોડાયા વિના સુખિયું થવાય નહિ.”

પછી જામનગરવાળા રતિલાલ કરુણાશંકરે પૂછ્યું જે, “મૂર્તિમાં હરવા-ફરવાની જગ્યા ખાલી હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મૂર્તિમાં હરવું-ફરવું ક્યાંય નથી. જેમ રહ્યા છે તેમ જ છે અને સભા સહિત છે. તે મહારાજ ને મુક્ત અરસપરસ દેખે છે. બહારના દેખતા નથી.”

એટલી વાત કરીને બોલ્યા જે, “અમારે હાલ જવું છે; તમે કેમ કરશો?” ત્યારે સ્વામી કહે જે, “આજ તો આપને હરિભક્તો રોકશે.” ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ભલે, રોકશે તો આપણે કોઈ બીજો અર્થ નથી. એક મોક્ષ કરવા માટે ફરવું છે તે જે આવે તેને મૂર્તિમાં રાખીશું, પણ કોઈ અજ્ઞાની અવગુણ લઈ મરી રહે તેનું કેમ કરવું?”

ત્યારે સ્વામીએ કહ્યું કે, “તેણે કરીને કાંઈ મોક્ષ કરવો તે બંધ રખાય? મરનારા હશે તે મરશે અને જે મોક્ષાર્થી હશે તે મૂર્તિના સુખમાં આવશે.”

પછી બાપાશ્રી એમ બોલ્યા જે, “આજ આપણે ચારે જણ પગે ચાલીને જઈએ તો કેમ? હું ને સ્વામી વૃંદાવનદાસજી તો ચાલી શકીએ, પણ તમે (સ્વામી ઈશ્વરચરણદાસજી) ને સ્વામી ઘનશ્યામજીવનદાસજી બે ચાલી શકો નહિ.” એમ રમૂજ કરીને જવાનું બંધ રાખ્યું. ।।૧૮।।