સંવત ૧૯૭૩ના જેઠ વદ-૧ને રોજ રાત્રિએ નવ વાગ્યા વખતે વરસાદ બહુ ચઢીને ઘૂઘવતો આવ્યો.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આએશ (ગામધણી) બાજરી ભરવા આવ્યો નહિ ને હવે પલળી જાશે.” એમ કહીને છોકરાઓને કહ્યું જે, “ખળામાં જઈને હઈયા (તુરત) બાજરી ઢાંકી વાળો ને ફરતી અટાર (રેતી)ની પાળ બાંધી વાળો તો પાણી નહિ પેસે.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “બાપા, એટલી બધી મહેનત કરાવો છો ત્યારે વરસાદ બંધ કરોને!”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ઘૂઘવતો આવે છે, પણ આથમણો જાશે.”

એમ કહ્યું એટલે વરસાદ ગયો. તે વખતે વીજળીઓ બહુ થતી હતી. ત્યારે સંતોએ કહ્યું જે, “બાપા, આ વીજળીને અજવાળે તમારાં દર્શન થાય છે તે એને પુણ્ય થશે કે નહિ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ બિચારી પરતંત્ર વીજળી શું તમને દર્શન કરાવશે? તમમાં એટલોય પ્રકાશ નથી? તમમાં તો બહુ જ પ્રકાશ છે. તમે તો તેજમાં મૂર્તિ છે, તે મૂર્તિમાં રહ્યા થકા સુખ લ્યો છો ને કેટલાયનો મોક્ષ કરો છો. સાચું મનાય છે કે નહિ?”

ત્યારે તે બોલ્યા જે, “હા બાપા, તમારા પ્રતાપે એવા થયા છીએ.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “તમારા પ્રતાપની ને તેજની ને સુખની ખબર તમને નથી પડતી; કેમ કે અમે રોકી રાખી છે, પણ તમારો પ્રકાશ તો અક્ષરકોટિથી પણ ઘણો વધુ છે. તમે કામ કરો તે અક્ષરકોટિથી પણ થાય નહિ એવો તમારો મહિમા છે. માટે તમે કાંઈ અધૂરું માનશો નહિ; પૂર્ણકામ માનજો. અને ‘આપણને જે મૂર્તિ મળી છે તેથી બીજી તેજોમય મૂર્તિ ધામમાં છે તે દેખાશે ત્યારે પૂરું કલ્યાણ થાશે’ એમ ન માનશો.”

પછી સંતો બોલ્યા જે, “બીજી જોવાની ઇચ્છા નથી.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તો તો પૂરું થયું જ છે, ને તમારા સંકલ્પ તો જીવોને તેડવા મૂર્તિમાન થઈને જાય છે; એવી તમારી સામર્થી છે.”

ત્યારે વળી સંતોએ કહ્યું જે, “શ્રીજીમહારાજ અમારે વિષે રહીને સદા બોલે, જમે, હાલે, ચાલે ને સર્વે ક્રિયા કરે એવી કૃપા કરજો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “બહુ સારું; મહારાજ જુદા નહિ રહે.”

જેઠ વદ બીજને રોજ બપોરના બાર ઉપર બે વાગે બાપાશ્રીએ સંતોને કહ્યું જે, “સંતો! નાહવા ચાલો, નહિ તો વરસાદ આવશે ને પલાળશે.”

પણ સંતોએ ચાલતાં વાર લગાડી ને ત્રણ વાગે નાહવા ચાલ્યા. તે નાહી રહ્યા પછી ઓચિંતો વરસાદ આવ્યો ને પલાળ્યા.

પછી મંદિરમાં આવતાં માર્ગમાં બાપાશ્રી બોલ્યા જે, “અમે કહેતા હતા જે નાહી આવો, પણ તમે ચાલ્યા નહિ. અમે કહ્યું જે ઝાલાવાડમાં વરસાદ થાય છે તે હમણાં અહીં આવશે. ગઈકાલે બંધ રાખ્યો હતો તે આજ છૂટી આપી છે; માટે તરત નાહી આવો, તોપણ તમે ચાલ્યા નહિ તો પલાળ્યા.”

એમ વાત કરતા કરતાં કરતાં મંદિરમાં પધાર્યા. ।।૧૮૭।।