(સંવત ૧૯૮૩, ફાગણ વદ-૧૧) બપોરે મેડા ઉપર આસને બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “આપણે તો શ્રી પુરુષોત્તમનારાયણને સર્વે કારણના કારણ જાણવા. જેમ વડનું ઝાડ મોટું દેખાય છે અને બીજ નાનું છે તે નાનામાં ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલયની સામર્થી છે તેમ ભગવાન તો આવડા મનુષ્ય જેવડા જ હોય, પણ અનંત કોટિ બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલયના કારણ છે. તે શ્રીજીમહારાજે કહ્યું છે જે, ‘સૌને વશ કરું રે સૌનો કારણ હું ભગવાન.’ એમ કારણમાં અલૌકિકપણું છે.”

“આવા ભગવાન તે તો કેવળ કૃપાએ કરીને જ ઓળખાય; સાધનથી એ પમાય એવા નથી. સાધન તો દિનકઢણી કહેવાય. ખેતરમાં બાજરી આદિક વાવે તેમાં દાડિયાં કામ કરનારાં હોય તેને તો થોડીક મજૂરી મળે ને ઘરધણીને તો બધુંય ઘેર આવે, તેમ મૂર્તિમાં રહ્યા હોય તેને આ વાતો બધી ઘેર આવે, પણ જે દાડિયાની પેઠે સત્સંગમાં રહ્યા હોય તે તો જ્યારે આવી વાતો થાય ત્યારે બીજા ઉપર નાખી દે, તેને તો આ લાભ ને આ કૃપાની ઓળખાણ પડી નથી. મુક્તાનંદ સ્વામી અને પર્વતભાઈ જેવા મૂર્તિમાં રસબસ રહેનારા મુક્ત પણ એમ કહેતા જે, ‘મહારાજ ને મોટા મુક્તની અનુવૃત્તિમાં આ સર્વે પ્રાપ્તિ થાય.’”

“શ્રીજીમહારાજનો સાક્ષાત્કાર કરવાનું આ ટાણું છે. આ સમયે ભગવાન કેવળ કૃપાસાધ્ય છે. મહાપ્રભુ દયાએ કરીને પધાર્યા છે, માટે ભગવાનને અખંડ રાખવા. હાલતાં, ચાલતાં, ખાતાં, પીતાં, ઊઠતાં, બેસતાં, માળા, માનસી પૂજા આદિમાં મૂર્તિ રાખવી. મૂર્તિ વિના ભવસાગરનો પાર નથી આવતો. ‘ભવસાગરનો પાર ન આવે પ્રભુ વિના’ માટે નિશ્ચય પરિપક્વ કરવો જોઈએ. મહારાજ કહે છે કે, ‘જેવા અમે છીએ તેવા અમને જાણશો અને જેવા અમારા મુક્ત છે તેવા તેમને જાણશો તો કલ્યાણ થશે.’”

“અનાદિમુક્ત તો મૂર્તિના સુખમાં ઝીલે છે. આ સભા દેખાય છે તેમાં અનાદિમુક્ત મહારાજની મૂર્તિમાં રહ્યા થકા દેખાય છે, પણ જીવને અજ્ઞાન બહુ છે તેથી ઓળખી ન શકે. મહારાજ અને અનાદિ તો સદાય ભેળા જ રહે છે. ‘રસબસ હોઈ રહી રસિયા સંગ જ્યું મિસરી પય માંહી ભળી’ એમ સાથે જ રહે છે. જુદા ન પડે તેથી એ મૂર્તિને સુખે સુખિયા. મહારાજ અને અનાદિનો એવો સંબંધ છે. આવી સમજણ હોય તે લોક, ભોગ, માન, મોટપનો ત્યાગ કરે. તેને લોકો કહેશે કે આ ગાંડા થયા; પણ આ વાતો તો બહુ મોટી, તેથી કઠણ પડે ખરી. જો સમજાય નહિ તો લાભ ન મળે.”

“મોટાનાં વચનમાં વિશ્વાસ હોય તો તે પાત્ર થયો કહેવાય. ‘ભગવાન વિશ્વાસીને શીશ’ એમ કહ્યું છે. વિશ્વાસ હોય તો સદાય દાસપણું રહે. જુઓને! મુક્તાનંદ સ્વામી બે હાથ જોડી ગદ્‌ગદ્‌ કંઠ થઈને મહારાજને પૂછતા; આવાં દાસપણાનાં લક્ષણ છે. ભગવાનના ભક્તમાં તો શૂરવીરપણું, પ્રીતિ, દાસપણું, એવાં એવાં અંગ હોય જ. વાળાક દેશના આહીર પટેલ સામતને તેની માનો સત્સંગ, તોય કેવા બળિયા! માનકુવાના મૂળજી ને કૃષ્ણજી, લાધીબાઈ, માતાજી, ઉદેપુરનાં રાણી તે સર્વેએ ભગવાનને અર્થે બહુ કર્યું તો તે લખાણાં.”

તે સમયે મિસ્ત્રી નાજુભાઈએ કહ્યું જે, “અમે તો આવું કાંઈ કરી શકતા નથી તેથી આપ કૃપાદૃષ્ટિ રાખજો.”

ત્યારે બાપાશ્રી પ્રસન્ન થઈને બોલ્યા જે, “કૃપાસાધ્યમાં મહારાજ અને મોટા રાજી થાય એવી ક્રિયા કરતાં આવડવું જોઈએ, પણ મનધાર્યું કરવાનું થતું જાય તો મેળ રહે નહિ. રાજી કરતાં તો ક્યાંય નીકળી જવાય. રાજી કરવા માટે તો દેહ પણ પાડી નાખે– જો મહિમા સમજાય તો. શ્રીજીમહારાજ અને મોટા અનાદિ વર્તમાન કાળે સાવ સોંઘા છે, પણ જીવને સમજણ નહિ તેથી લહાવ ન લઈ શકે.”

એમ વાત કરતા હતા તે વખતે નાજુભાઈ, સાંવલદાસભાઈ, અમીચંદભાઈ, ગોવિંદભાઈ, શિવજીભાઈ આદિક હરિભક્તોએ એકાદશી હોવાથી સમુદ્રમાં નાહવા જવા માટે આગળથી ગોઠવણ કરેલ હોવાથી મોટરો આવી એટલે સંત-હરિભક્તોએ સહિત બાપાશ્રી હવાબંદર નાહવા પધાર્યા. સંત-હરિભક્તો કીર્તન બોલતાં બોલતાં સમુદ્રકિનારે પહોંચ્યા.

ત્યાં બેઠક જેવું કાંઠા પર જોઈને બાપાશ્રી બોલ્યા જે, “સ્વામી! તમે સર્વે નાહી આવો ને હું અહીં બેસું તો? હજી ચાલવાનું છે.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી કહે, “બાપા! આપ ઠેઠ સુધી આવો તો સહુ રાજી થાય.”

ત્યારે બાપાશ્રી કહે, “ભલે સ્વામી! જેમ તમે કહો તેમ.”

પછી પગથિયાં ઊતરતાં વધુ પરિશ્રમ થાય નહિ તે માટે માંચીમાં બેસી સૌની સાથે બાપાશ્રી કાંઠે આવ્યા, ત્યાં સર્વે ધૂન કરીને નાહ્યા. નહાતાં નહાતાં બાપાશ્રીના પૌત્ર માવજીભાઈને એક હરિભક્ત અતિ હેતે સમુદ્રમાં જરા આગળ લઈ જતા હતા ત્યારે બાપાશ્રીએ હરિભક્તોને કહ્યું, “એને બહુ આઘે લઈ જશો નહિ કેમ કે તમારા દરિયા મોટા બહુ. અમારે ત્યાં દરિયા છે, પણ તેમાં તો દોરડે પાણી સિંચીએ ત્યારે પાણી મળે; એટલે આ દરિયા મોટા લાગે.” એમ વાત કરી.

ત્યારે વાંટાવદરવાળા ત્રિભુવનભાઈનો નાનો દીકરો રાઘવજી પાસે ઊભો હતો. તેના હાથમાં એક રૂપિયો હતો તે જોઈ બાપાશ્રીએ રમૂજ કરી કે, “છોકરા! રૂપિયો મને આપીશ?” ત્યારે તેણે હા કહી અને તે રૂપિયો બાપાશ્રીને આપી દીધો.

ત્યારે બાપાશ્રી એમ બોલ્યા જે, “આવા ને આવા હીરા અહીં પડ્યા છે. કાંઈ છે એને? નહિ તો છોકરા એક બદામ પણ હાથમાંથી મૂકે નહિ. આમ મહારાજ ને મોટા મુક્તની સન્મુખ જીવ થાય તો હીરા થવાય. લોકમાં કહે છે કે ‘હીરા એટલા હીરા ને બીજા બધા પાંચીકા.’” એમ કહી તેને રૂપિયો પાછો આપ્યો.

પછી કાંઠા પર મહાદેવના મંદિર પરથી જવાતું હતું, ત્યાંથી સૌ ધીમે ધીમે ચાલતાં કીર્તન બોલતાં વિશાળ બેઠકમાં આવ્યા, ત્યાં સભા થઈ. હરિભક્તો મેવો લાવેલ તે ઠાકોરજીને જમાડી સૌને પ્રસાદી વહેંચી. હરિભક્તોએ ત્યાં થોડીવાર ઉત્સવ કર્યો. પછી શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય બોલાવી.

તે વખતે બાપાશ્રી બોલ્યા જે, “સૌ આવો ને આવો આનંદ રાખજો. શ્રીજીમહારાજને આવું બહુ ગમે છે. સંત-હરિભક્તોનાં આવાં હેત જોઈને મહાપ્રભુ ઘણા રાજી થાય છે. અમે કચ્છમાં રહ્યા થકા હેતવાળા સહુને સંભારીએ છીએ.”

એમ કહી લાલુભાઈને આગળ બોલાવીને કહ્યું જે, “લાલુભાઈ! શું વાતો થઈ?”

ત્યારે તે કહે, “બાપા! મૂર્તિના સુખની. આ સભા બધી મૂર્તિમાં રહે છે. મૂર્તિમાં રાખવા આપ પધાર્યા છો તેથી અમારાં મોટાં ભાગ્ય છે. આપે આ વખતે બહુ દયા કરી અમને ન્યાલ કર્યા.”

ત્યારે સંતો સામું જોઈને બાપાશ્રી બોલ્યા જે, “જુઓ! કેવા મહિમાવાળા છે! વિશ્વાસી પણ એવા. આવા હેતવાળા છે તેથી કરાંચી અક્ષરધામ જેવું થઈ રહ્યું છે. આ નાના હરિભક્તો પણ રાજી કરવા સારુ રાત-દિવસ દાખડા કરે છે. ‘હેત જોઈ હરિજનનાં વાલો પોતે થયા પ્રસન્ન.’ આવા પ્રેમ જોઈને મહારાજ રાજી થાય છે તેવા ડહાપણે કે બીજા સાધને રાજી થાય નહિ.”

તે વખતે એક હરિભક્તે ચરણરજ માથે ચડાવી ત્યારે બાપાશ્રી કહે, “તમે આ શું કર્યું?” ત્યારે તેણે કહ્યું કે, “બાપા! તીર્થનો વિધિ.”

ત્યારે બાપાશ્રી કહે, “આપણે વિધિ બધોય મૂર્તિ ભેગો રાખવો. સાધનની ખખા આવવા દેવી નહિ. મૂર્તિના સુખમાં મહારાજ અથવા એમના અનાદિમુક્ત એ બે પહોંચાડે. નકરાં સાધને તો કેટલાય આંટા થાય, પણ પહોંચાય નહિ.”

એમ કહી સંત-હરિભક્તો સામું જોઈને બોલ્યા જે, “જુઓને શોભા! આ બધી સ્વામિનારાયણની ફૂલવાડી છે. સૌનાં હેત તો જુઓ! અહીંથી માયા બિચારી રાડ પાડીને ભાગી જાય. આવી સભાનાં દર્શન ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ, અક્ષરકોટિ આદિકને દુર્લભ છે. તે તો ઝંખના કરે છે, તોપણ મહારાજ ને મુક્ત જ્યારે દયા કરી દૃષ્ટિગોચર થાય, ત્યારે તેને દર્શનનો લાભ મળે. આ સમે આ શહેર ધામરૂપ બની ગયું છે. સમુદ્રમાં જેમ બધાંય તીર્થ છે તેમ મહારાજની મૂર્તિમાં અનંત અનાદિમુક્ત રહે છે. સુખનો સમુદ્ર તો એક શ્રીજીમહારાજ જ છે. મહારાજ તથા તેમના અનાદિમુક્ત તો સદાય સાથે જ છે. એ જેમ છે તેમ દેખાય તો દીવાના થઈ જવાય. આ ફેરે મહારાજ કેવળ કૃપાદૃષ્ટિથી જીવોને માયામાંથી કાઢી આત્યંતિક મુક્તિ આપે છે. આવા તીર્થમાં મહિમાએ સહિત ને દિવ્યભાવે સહિત જે નહાય તેનાં અનેક જન્મનાં કર્મ બળી જાય.”

એમ કહી ત્યાંથી મોટરમાં બેસી મંદિરમાં આવતાં વચમાં નાજુભાઈના આગ્રહથી તેમને ઘેર ગયા. ત્યાં સર્વેને રાજી કરી વચમાં આવતાં હરિભક્તોને દર્શન દઈ મંદિરમાં પધાર્યા. થોડીવાર પછી ધનજીભાઈએ નારાયણભાઈના આગ્રહથી હવાઈ વિમાન જોવા જવાની ઇચ્છા કરી તે વાત બાપાશ્રીને જણાવી કે, “બાપા! હવાઈ વિમાન જોવા જાઉં?”

ત્યારે બાપાશ્રી કહે, “અમે અહીં ઘેર બેઠાં વિમાન દેખાડશું. શહેરમાં આવીને એવાં ફંદ ન કરીએ.” પછી સભામાં બાપાશ્રીએ ધનજીભાઈને કહ્યું જે, “જુઓ ધનજીભાઈ! આ આપણાં વિમાન. આ સંત-હરિભક્તરૂપ દિવ્ય વિમાન અક્ષરધામ સુધી ઊડે છે, તે ઠેઠ મહારાજની મૂર્તિમાં ઠરીને બેસે છે. માટે આપણે આવાં દિવ્ય વિમાન જોવાં. બીજાં તો માયા ને માયાના કાર્યમાં ઊડનારાં છે તેનું આપણે શું કામ છે? આપણે જોયા જેવું તો એક મહારાજનું રૂપ છે.”

એમ કહીને બોલ્યા જે, “‘સુરપુર નરપુર નાગપુર એ તીનમેં સુખ નાંહી, કાં સુખ હરિ કે ચરણમેં કાં સંતન કે માંહી.’ મહારાજની મૂર્તિ વિના બીજે રોગી વાની છે, તે ઊડીને આંખોમાં પડે.”

પછી સભામાં મધ્ય પ્રકરણનું ૧૩મું વચનામૃત વંચાતું હતું.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મહારાજે ‘તેજને વિષે એક ભગવાનની મૂર્તિ દેખાય છે’ એમ કહ્યું તથા ‘જે તેજને વિષે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજો’ એમ પણ કહ્યું. એવા તેજોમય દિવ્યમૂર્તિ શ્રીજીમહારાજ સર્વોપરી ભગવાન છે. એમનાં વચન પણ સર્વોપરી. સંત-હરિભક્ત સર્વોપરી. આવાં મંદિર ને આવી રીત બધુંય સર્વોપરી છે. આવી પ્રાપ્તિ થઈ છે તોપણ જીવ માયામાં ભડાભૂટ કરે છે ને આ સભામાંથી અવકા કાઢે છે. તેને મોટી ખોટ આવે છે; માટે એ માર્ગે કોઈએ ચાલવું નહિ.”

“આપણે સત્સંગમાં શ્રીજીમહારાજને રાજી કરવા આવ્યા છીએ તેથી એમની આજ્ઞામાં રહેવું ને મૂર્તિ મૂકવી નહિ. ભગવાનના ખરેખરા કૃપાપાત્રને ભગવાનની મૂર્તિ અને ભગવાનના મુક્ત એ વિના બીજે રહેવાય જ નહિ; એ અક્ષરધામના મુક્તનું લક્ષણ છે. ખાતાં, પીતાં, નહાતાં, ધોતાં, હાલતાં, ચાલતાં, સુખમાં, દુઃખમાં મૂર્તિ સંભારવી. મહારાજે પોતે ભક્તિ કરી તે આપણને શીખવવા માટે એમ જાણવું. મૂર્તિ સંભારતાં જે જે વિઘ્ન આવે તેને મૂર્તિને બળે ટાળી નાખવાં. માયાના ગુણને ગરવા દેવા નહિ. માન-અપમાન થાય કે ત્રણ ગુણનું પ્રધાનપણું થાય ત્યારે ગુણ વ્યાપે તેથી ખબર રહે નહિ. એ ગુણને ઓળખીને કાઢી નાખવા. ખાવું-પીવું, પહેરવું-ઓઢવું, તેમાં રુચિ રહે તે રજોગુણ અને અંધધંધ જેવું વર્તે તે તમોગુણ, તથા ગરીબ રાંક જેવા થઈ રહેવાય તે સત્ત્વગુણ. માટે માયાના ગુણ થકી રહિત થાવું.” ।।૮૩।।