સંવત ૧૯૭૫ના વૈશાખ વદ-૧૧ને રોજ બાપાશ્રી સર્વે સંત, બ્રહ્મચારી, હરિજનોએ સહિત છત્રીએ પધાર્યા હતા. ત્યાં સ્વામી ઈશ્વરચરણદાસજી પાસે વચનામૃતની ટીકાની કથા કરાવી. પછી બાપાશ્રીએ પુસ્તકની પૂજા કરી અને પછી સૌ સંત, બ્રહ્મચારી, હરિજનોએ બાપાશ્રીની પૂજા કરી.

પછી બાપાશ્રી સર્વે સંત, બ્રહ્મચારી, હરિજનોને ચંદન ચર્ચીને બોલ્યા જે, “આજ તો જેવો પર્વતભાઈએ યજ્ઞ કર્યો હતો જે, ‘મારી નજરે જે પડે તે સર્વેને હું અંતકાળે આવીને અક્ષરધામમાં લઈ જઈશ’, એવો આ યજ્ઞ છે. આ ટાણે જે જે અમારી નજરે પડ્યા તે સર્વેને અમે અક્ષરધામમાં લઈ જાશું.”

એમ વર આપીને પછી ત્રણ ફેર ફરતાં કરાવીને રાસક્રીડાનાં કીર્તન ગવરાવ્યાં. પછી કાળી તલાવડી સામા છત્રીના ઓટા ઉપર પગથિયાં પાસે ઊગમણા મુખારવિંદે વિરાજમાન થયા અને સંત, બ્રહ્મચારી, હરિજનોએ છત્રીની ચારે પાસે ફરતાં ઘણીવાર સુધી કીર્તન ગાયાં.

તે સમયે આકાશમાં વાદળ છાઈ રહ્યું, ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ મુક્તોએ વિમાને સહિત આકાશમાં આવીને આપણને છાંયો કર્યો છે. શ્રીજીમહારાજે પંચાળામાં રાસ રમાડ્યો હતો તે દિવસે અર્ધો કળિ કાઢી મૂક્યો હતો. અને સાત ફેર કર્યા હતા ને જેટલા સંત હતા તેટલાં રૂપ ધારીને તેમના ભેળા ફરતા, એવાં દર્શન દીધાં હતાં.”

એમ વાત કરીને પછી મંદિરમાં પધાર્યા ને નારાયણપુર, કેરા આદિના હરિભક્તો સૌ પોતપોતાને ગામ ગયા.

પછી તે જ દિવસે બપોરે સભા કરી તે વખતે પ્રથમ પ્રકરણનું ૬૯મું વચનામૃત વંચાતું હતું, તેમાં હિંસાની વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મૃગાસુર નામનો દૈત્ય બગીચો ખોદતો હતો, તેને રામચંદ્રજી મારવા ગયા હતા ત્યારથી હિંસા ચાલી છે, પણ હિંસા કરવી તે રાજાનો ધર્મ નથી.”

પછી વાત કરી જે, “સદ્‌ગુરુશ્રી નિર્ગુણદાસજી સ્વામી માંદા હતા, ત્યારે અમે અમદાવાદ ગયા હતા. પછી સ્વામીશ્રી અમારા સામું જોઈને બહુ રાજી થયા ને કહ્યું જે, ‘તમે આવ્યા તેથી બહુ શાંતિ થઈ ને હવે અમારો મંદવાડ મટી જશે.’ એમ મોટાનો મહિમા મોટા જાણે.”

“અમે એકાવનની સાલમાં કચ્છથી ગુજરાત જતાં ગઢડે ગયા, ત્યારે ભુજથી ઉપરદળ રામજીભાઈને કાગળ લખ્યો હતો જે, ‘અમે અહીંથી નીકળ્યા છીએ, તે જૂનાગઢ, ગઢડા થઈને અમદાવાદ આવીશું.’ તે કાગળ વાંચી રામજીભાઈ રેલે બેસી નિંગાળે ઊતર્યા ને એકો ભાડે કર્યો ને એકાવાળાને પૂછ્યું જે, ‘કચ્છના કોઈ આવ્યા છે?’ ત્યારે તેણે કહ્યું જે, ‘ઘેરવાળાં કેડિયાં પહેર્યાં હતાં ને સૂંથણા પહેર્યા હતા ને સવારે ઘેલામાં નાહવા જતા હતા, એવા કોઈક આવ્યા છે ખરા.’ પછી રામજીભાઈ મંદિરમાં દર્શન કરવા ચઢ્યા, ત્યાં ઠાકોરજી પાસે અમે ઊભા હતા તે મળ્યા. પછી એકાવાળાને ભાડા સિવાય એક રૂપિયો ઈનામ આપ્યો, ત્યારે અમે કહ્યું જે, ‘એક રૂપિયો વધારે કેમ આપ્યો?’ ત્યારે રામજીભાઈએ કહ્યું જે, ‘માણસો દીકરાની વધામણી ખાય તેને દસ-વીસ રૂપિયા દે છે; તો આ તો આપની વધામણી ખાધી તેને તો હજાર રૂપિયા આપીએ તોપણ ઓછા છે. તમારી વધામણી ક્યાંથી હોય!’ એવા મહિમાવાળા હતા.”

એમ કહીને પછી બોલ્યા જે, “આ દર્શન ક્યાંથી મળે? મોટા મોટા સદ્‌ગુરુની પાસે જાવું પણ કઠણ પડતું અને આ તો બાળક જેમ માવતરના ખોળામાં આળોટે તેમ ચરણમાં સૌ લોટો છો ને આવા અનાદિમુક્ત સાથે ભાષણ કરો છો તે કેટલી મોટી પ્રાપ્તિ કહેવાય!”

ઇત્યાદિક વાતો કરીને પોઢી ગયા.

પછી સાંજના કાકરવાડીએ નાહવા પધાર્યા. ત્યાં નાહીને આંબા નીચે બેસીને માનસી પૂજા કરીને પછી સંત સહિત નવા ડહેલામાં જઈને બેઠા.

તે સમયે બાપાશ્રી કરુણાકટાક્ષે કરીને સંત-હરિજન સામું જોઈને બોલ્યા જે, “આ સભા દિવ્ય છે અને આ સભામાં આ મુક્તને વિષે દિવ્ય મૂર્તિ શ્રીજીમહારાજ પ્રત્યક્ષ વિરાજીને મંદમંદ જુએ છે, મંદમંદ હસે છે, મંદમંદ પ્રસાદી આપે છે– જો ઓળખાય તો. પણ જીવ ઓળખતો નથી ને માયાનો લહરકો લેવા જાય છે. જેમ એક બ્રાહ્મણ ચક્રવર્તી રાજા પાસે દાન લેવા ગયો, પછી રાજાએ તેની પરીક્ષા લેવા માટે સારાં સારાં ભોજન તથા પલંગ તથા સેવક તેની સેવામાં આપ્યાં અને કહ્યું જે, ‘બપોરે બાર વાગે દાન લેવા આવજો, તો પાંચ હજાર સોનામહોરો આપશું.’ પછી તે બ્રાહ્મણ સારી પેઠે ભોજન જમીને જરાક પલંગ ઉપર સૂતો ને સેવક પગચંપી કરવા લાગ્યા, તેથી ઊંઘ આવી ગઈ ને દાન લેવાનો વખત વીતી ગયો. પછી રાજા પાસે ગયો, ત્યારે રાજા કહે જે, ‘વખત વીતી ગયો; હવે નહિ મળે.’ તેમ આ જીવ માયાનો લહરકો લેવા જાય છે ને મહારાજને ને મોટાને ભૂલી જાય છે. તે માયાનો ત્યાગ કર્યો હોય તોપણ અંતરમાં તેનો રાગ રહી જાય છે, એવા જીવના સ્વભાવ છે; તે ભગવાન જેવડી વસ્તુને શી રીતે ઓળખી શકે?”

એમ વાત કરીને પછી સૌ સંતોને મળીને અતિ આનંદિત કરીને મંદિરમાં પધારતા હવા. અને આરતી થઈ રહ્યા પછી સંતોને સભામાં વાત કરવાની આજ્ઞા કરી અને કહ્યું જે, “કાલે તમારે ચાલવાનું છે, માટે હરિભક્તોને વાત કરજો.”

પછી સંતોએ સભામાં વાત કરી ને સમાપ્તિ વખતે હરિભક્તોને કહ્યું જે, “કાલે અમારે ચાલવું છે.”

પછી બીજે દિવસે પારણાં કરીને સંત તથા હરિજન સર્વે ભુજ થઈને ઝાલાવાડ તથા ગુજરાત તરફ આવ્યા. ।।૨૦૯।।