સંવત ૧૯૭૩ના જેઠ સુદ-૧૫ને રોજ સવારે સભામાં મધ્ય પ્રકરણનું ૧૯મું વચનામૃત વંચાતું હતું. તેમાં બ્રહ્મજ્ઞાનીને અન્ય દેવની ઉપાસના થઈ જાય એમ આવ્યું.

ત્યારે સાધુ પુરુષોત્તમચરણદાસજીએ પૂછ્યું જે, “બ્રહ્મજ્ઞાનીને અન્ય દેવની ઉપાસના શી રીતે થાતી હશે? કેમ જે એ તો કોઈ દેવને માનતા નથી.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “પહેલો તો ઉપાસક હોય ને તે જો શુષ્ક વેદાંતશાસ્ત્રનું શ્રવણ કરે તો તેને સર્વ દેવને વિષે સમભાવ આવી જાય ને બધાય અવતારો એક જ છે એમ સમજે, એટલે જેને ભજીશું તે બધાય એક જ છે, એમ જાણીને અન્ય દેવની ઉપાસના પણ કરે અને ઉપાસનામાંથી ઊતરી પણ જાય.”

એમ કહીને પછી વાત કરી જે, “આ જોગ સર્વોપરી છે, તે જો ખબડદાર થઈને મંડે તો આ ને આ જન્મે પૂરું થઈ જાય ને અનાદિની સ્થિતિમાં રહેવાય ને કાંઈ પણ બાકી રહે નહિ.”

પછી સંતોએ પૂછ્યું જે, “આ વચનામૃતમાં ‘અમે ગોલોકમાં ગયા’ એમ શ્રીજીમહારાજે કહ્યું તે ગોલોક કિયું જાણવું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામને આ ઠેકાણે ગોલોક કહ્યું છે.”

એમ કહીને બોલ્યા જે, “તમો સર્વે અવતાર છો, પણ તમને બાધિતાનુવૃત્તિ રાખી છે તેથી તમારા સ્વરૂપની ને તમારા મહિમાની તમને ખબર નથી. અક્ષરધામમાં બેઠા છો, પણ તમારું અંતર્યામીપણું મહારાજે બંધ કર્યું છે. સર્વે સભાનું તથા મૂર્તિનું તથા મૂર્તિના સુખનું સર્વનું જાણપણું તમને છે, ને ત્યાંથી આવેલા છો તોપણ રોકી રાખ્યું છે, તે અમારું સુખ તમને અહીં મળે તે સારુ રોકી રાખ્યું છે.”

એમ કહીને પછી બોલ્યા જે, “ગોલોકમાં એટલે અક્ષરધામમાં કીર્તન ગાય છે એમ કહ્યું છે તે કણસલાં દેખાડ્યાં છે, પણ ત્યાં કીર્તન ગવાતાં નથી. એ તો જીવને ઉપાસના-ભક્તિને રસ્તે ચઢાવવાને માટે કહ્યું છે. અને શ્રીજીમહારાજ તો સર્વે ઠેકાણે છે, માટે ગોલોક એટલે અક્ષરધામ જાણવું અને કીર્તન પણ અહીં ગવાય છે. અહીં ને ત્યાં એક જ છે; જુદું નથી, પણ સાધનિકને હેત થાય એટલા માટે કહ્યું છે. અને પરભાવમાં તો એક સુખ જ લેવાય છે.”

પછી બોલ્યા જે, “તમો લખો છો તેમાં આફૂડું બરાબર લખાઈ જશે.” એમ વર આપ્યો. ।।૧૮૪।।