સંવત ૧૯૮૩ના ફાગણ સુદ-૧૧ને દિવસે કરાંચીના શેઠ સાંવલદાસભાઈ સરસપુર આવ્યા. ત્યાં એક દિવસ રહી બાપાશ્રીને કરાંચી તેડી જવા સ્વામી ઈશ્વરચરણદાસજીને વિનંતી કરી કહ્યું કે, “તમે ભેળા ચાલો ને બાપાશ્રીને તેડી કરાંચી પધારો; કેમ કે લાલુભાઈ આદિક ત્યાંના હરિભક્તોના આગ્રહથી હું તેડવા આવ્યો છું.” એવી રીતે પ્રાર્થના કરી સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતમંડળને સાથે લઈ વૃષપુર જાવા તૈયાર થયા.

સ્વામી વૃંદાવનદાસજીને કહ્યું કે, “તમો સાથે ચાલો.”

ત્યારે સ્વામીશ્રી કહે, “તમે વૃષપુર જાઓ. બાપાશ્રી કરાંચી પધારશે તો હું કરાંચી જરૂર આવીશ. તમો તારથી ખબર આપજો.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સર્વે ભુજ ગયા, ઠાકોરજીનાં દર્શન કરી ત્યાંના સંતોને કહ્યું કે, “બાપાશ્રીને કરાંચી તેડી જવા આ હરિભક્ત આવેલા છે.”

ત્યારે તેમણે કહ્યું કે, “બાપાશ્રીનું શરીર કાંઈક નરમ રહે છે. તે આવશે કે કેમ?”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું કે, “ત્યાં જઈએ, દર્શન કરીએ, પછી જેમ બાપાશ્રીની મરજી હશે તેમ કરીશું.” એમ કહી સ્વામીશ્રી સંતોએ સહિત વૃષપુર જવા તૈયાર થયા.

તે વખતે સાંવલદાસભાઈએ તો ભુજથી માંડવી સુધીનું ભાડું ઠરાવી મોટર સાથે લીધી ને વૃષપુર આવી બાપાશ્રીનાં દર્શન કરી સૌએ દંડવત કર્યા. તે સૌને બાપાશ્રી મળ્યા. સ્વામીશ્રીએ તરત કરાંચી પધારવા પ્રાર્થના કરી, ત્યારે પ્રથમ તો ના કહી અને કહ્યું કે, “મારે શરીરે સારું ક્યાં છે? તમે ઉતાવળા થઈને આવ્યા, ખબર પણ આપ્યા નહિ.” વગેરે વાતો કરી.

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી કહે, “બાપા! બીજી વાતો આપ ભલે કરો, પણ આ સાંવલદાસભાઈ મોટર સાથે લઈને આવ્યા છે તે કરાંચી આવવું પડશે.”

તે વખતે પોતે નહિ આવી શકાય એમ કહેતા હતા, પણ સ્વામીશ્રી તથા સાંવલદાસભાઈની પ્રાર્થનાથી પછી હા પાડી. પોતાના પૌત્ર તથા સ્વામી આદિ સંતો અને સાથે આવવાની ઇચ્છાવાળા હરિભક્તો (સ્વામી ઈશ્વરચરણદાસજી, મુક્તવલ્લભદાસજી, હરિજીવનદાસજી, કુબેર ભક્ત, મોતીભાઈ, આશાભાઈ, સાંવલદાસભાઈ, બાપાશ્રીના પૌત્ર માવજીભાઈ, નારાયણપુરવાળા ખીમજીભાઈ તથા શિવલાલભાઈ, મોહનભાઈ) આદિને સાથે લઈને ફાગણ સુદ-૧૫ને રોજ સવારે મોટરમાં બેસી બાપાશ્રી માંડવી પધાર્યા.

ત્યાંના હરિભક્તોને ખબર પડવાથી સમુદ્રના કાંઠા ઉપર સૌ દર્શને આવ્યા, તે સર્વને મળી સ્વામી વૃંદાવનદાસજીને કરાંચી આવવા તાર કરાવી આગબોટમાં બેસી ફૂલડોલના દિવસે બાપાશ્રી કરાંચી પધાર્યા. માંડવીથી ખબર આપેલા, જેથી હરિભક્તો ઘણાક સામા આવ્યા હતા.

બાપાશ્રીનાં દર્શન થતાં સૌ હરિભક્તોના હર્ષનો પાર રહ્યો નહિ. ઉત્સાહભર્યા જય જય બોલાય, મંડળીઓ ઝાંઝ-મૃદંગ સહિત કીર્તન બોલે, પરસ્પર ગુલાલ છંટાય; એ રીતે બાપાશ્રીનાં દર્શન કરતાં થકા સૌ આનંદભર્યા માર્ગમાં ચાલતા હતા. બાપાશ્રી તે વખતે મોટરમાં બિરાજેલા, ભાલમાં ચંદન ચર્ચેલું ને કંઠમાં ઘણાક ફૂલના હારે સહિત સૌને શહેરમાં દર્શન દઈ ગાજતે-વાજતે મંદિરમાં ૧૧ વાગ્યાને સુમારે સર્વ સમૂહ સહિત પધાર્યા. તે વખતે ઠાકોરજી પાસે આનંદ-ઉત્સવ થઈ રહ્યો હતો. મંદિરમાં હરિભક્તો તથા મંદિર પર દર્શને આવનાર બાઈઓનો સમૂહ એટલો બધો જણાતો હતો કે જાણે મોટો સમૈયો થયો હોય તેમ સૌને લાગતું હતું. મંદિરમાં મહારાજ પાસે છડીદાર ઘણી ખમ્માના ઉચ્ચાર કરતા હતા. તે વખતે બાપાશ્રીએ રંગ ભરેલા કુંજવિહારી હરિકૃષ્ણ મહારાજનાં દર્શન કર્યાં. ઠાકોરજીના સેવકે બાપાશ્રી ઉપર રંગ છાંટ્યો. ગુલાલથી આંગડી, પાઘ, ખેસ, ધોતિયું તે રંગચોળ થયાં. તે સમયે સૌને આનંદ આનંદ થઈ રહ્યો.

જ્યારે ઉત્સવની સમાપ્તિ થઈ ત્યારે હરિભક્તો સૌ મંદિરના ચોકમાં આવ્યા. રંગનું તપેલું તથા ગુલાલ લાલુભાઈ આદિકે લાવીને પ્રાર્થના કરી જે, “બાપા! આપે દયા કરી દર્શન આપ્યાં તેમ સૌના ઉપર થોડો થોડો પ્રસાદીનો રંગ છાંટો તો નાના-મોટા સર્વ હરિભક્તો રાજી થાય.”

પછી બાપાશ્રીએ સૌ ઉપર રંગ છાંટ્યો ને ગુલાલ નાખી સહજાનંદ સ્વામી મહારાજની જય બોલાવી. હરિભક્તો ઝીલણિયાં કીર્તન બોલ્યા. એમ સૌને રાજી કરી બાપાશ્રી નાહવા પધાર્યા. થોડીવારે નાહી પૂજા કરી સંત-હરિભક્તોને જય સ્વામિનારાયણ કર્યા.

લાલુભાઈ પાસે સાંવલદાસભાઈ બેઠેલા જોઈ બાપાશ્રીએ લાલુભાઈને કહ્યું કે, “આ ફૂલડોલનો સમૈયો સાંવલદાસભાઈએ કરાવ્યો; કેમકે અમારે શરીરે બરાબર નહોતું, પણ એમનું હેત બહુ તે ભુજથી મોટર ભાડે કરી તેડવા આવ્યા, ભેળા સ્વામી ઈશ્વરચરણદાસજીને લાવ્યા. સ્વામી વૃંદાવનદાસજીને તો કરાંચી આવવાનો વાયદો કરીને આવ્યા છે. તે અમો માંડવીથી આગબોટમાં બેઠા તે પહેલાં તાર કરી દીધો છે. આવું એમનું હેત ને તમારી સૌની તાણ પણ એવી, જેથી અવાણું; નહિ તો મારાથી હમણાં નીકળાય એમ નહોતું.”

પછી હરિભક્તો સામું જોઈને બોલ્યા જે, “આ લાલુભાઈ પણ મહામુક્ત છે.”

એમ પ્રશંસા કરતા હતા ત્યાં ઠાકોરજીના થાળ તૈયાર થવાથી આશાભાઈએ પ્રાર્થના કરી ત્યારે બાપાશ્રી પોતાની સાથે આવેલા હરિભક્તોએ સહિત ઠાકોરજીને જમાડવા પધાર્યા. મંદિરમાં ભક્તો સર્વે હેતભર્યા સભામાં વાટ જોતા હતા કે બાપાશ્રી ક્યારે પધારે.

લાલુભાઈ તથા મહાદેવભાઈએ સ્વામીશ્રીને કહ્યું કે, “આ વખતે આપે બહુ દયા કરી તે બાપાશ્રીને સાથે લઈને આવ્યા. સાંવલદાસભાઈએ પણ એવી જ હિંમત કરી.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી કહે કે, “બાપાશ્રી તો સ્વતંત્ર છે. એમની દયાથી તમો સર્વેને આ લાભ મળ્યો છે. અમો તો અમદાવાદ હતા તે અમને પણ ખેંચ્યા. કરાંચીના હરિભક્તો પર બાપાશ્રીની દયા ઘણી છે. અમો જ્યારે કચ્છમાં જઈએ ત્યારે કરાંચીના સમાચાર પૂછ્યા વિના રહે જ નહિ. તમો સર્વે બાપાશ્રીના રાજીપામાં આવ્યા છો તે તમારાં મોટાં ભાગ્ય છે. આ વખતે તાણ રાખીને લાભ લેજો; કેમકે બાપાશ્રી વાતોમાં મર્મ હવે બહુ જણાવે છે. એમની શી મરજી છે તે આપણે ન જાણી શકીએ.”

ત્યારે લાલુભાઈ, મહાદેવભાઈ, હીરાભાઈ, સાંવલદાસભાઈ, અમીચંદભાઈ, સોમચંદભાઈ, ગોરધનભાઈ, ગોવિંદભાઈ, કાલિદાસભાઈ, ત્રિભુવનભાઈ, ઠાકરશીભાઈ, આદિ ઘણા હરિભક્તોએ પ્રાર્થના કરી જે, “સ્વામી! આ વખતે તો આપ બાપાશ્રીને અરજ કરીને દર્શન, સેવા તથા વાતોનું સુખ બહુ અપાવજો. કચ્છમાં અમો જઈએ ત્યારે પાંચ-આઠ દિવસ રહેવાનું હોય ત્યારે સભામાં, વાડીએ, તળાવે, ઘેર, સવાર, બપોર, સાંજ અને રાત્રે વાતો બહુ થાય અને સેવાનો અવસર મળે, પણ લહાવ થોડો લેવાય; તેમાં પણ ત્યાં દર્શને જનારા હરિભક્તો જ એ સુખ લે. અહીં તો બધા હરિભક્તો સેવા-સમાગમના પ્યાસી છે તેથી આ વખતે બાપાશ્રીને રાજી કરીને પ્રસન્નતાનું તથા વાતોનું સુખ આપ દયા કરી અમને અપાવશો, એટલી અમારી સૌની પ્રાર્થના છે.”

આમ જ્યાં વાત થતી હતી ત્યાં બાપાશ્રી મંદિરમાં પધાર્યા ને સર્વે સભાને જય સ્વામિનારાયણ કહીને આસન ઉપર બિરાજ્યા. સૌ સંત-હરિભક્તો બાપાશ્રીને પગે લાગી જય સ્વામિનારાયણ કરતા હતા.

ત્યારે બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું કે, “સ્વામી! આ વખતે હરિભક્તોને ખૂબ મહારસ રેલાવી સુખિયા કરજો.”

ત્યારે સ્વામીએ પ્રાર્થના કરી કે, “બાપા! એ જ વાત થાય છે. બધા હરિભક્તો કહે છે કે બાપાશ્રીને અમારી વતી વિનંતી કરજો કે આ વખતે અમને સેવાનું તથા વાતોનું સુખ ઘણું મળે.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આપણે તો એ જ કરવા આવ્યા છીએ. આપણે ધંધો એ જ છે. કથા, વાર્તા, ધ્યાન, માળા, માનસી પૂજા, એ કરવાનું. મોટા મોટા મુક્તો એમ જ કરતા. શ્રીજીમહારાજ પોતે પણ કથા-વાર્તાનો અખાડો ચાલુ રાખતા; કોઈ જમવા બોલાવવા આવે ત્યારે જો કથા-વાર્તા ચાલતી હોય તો રાજીપો ન બતાવે, અને જમવા પધારે ત્યારે પણ જમતાં હરે! હરે! એમ બોલાઈ જતું. એવા ઢાળ આપણને શીખવવા માટે બતાવ્યા છે.” એમ વાત કરી પ્રસન્નતા જણાવી.

ફાગણ વદ-૧ને રોજ મંદિરના મેડા ઉપર આસને બાપાશ્રીએ લાલુભાઈને પૂછ્યું કે, “તમારું શરીર પ્રથમ ઠીક રહેતું નહિ, તે હવે કેમ છે?”

ત્યારે લાલુભાઈએ કહ્યું કે, “બાપા! આપનાં દર્શનથી હવે ઠીક થઈ ગયું. થોડા દિવસ શરીરમાં તાવ રહેતો, પણ આપના પધારવાના સમાચારથી ઊતરી ગયો છે ને આજ તો આપે તથા આ સ્વામીશ્રીએ અમોને બહુ સુખિયા કરી દીધા. અમારા ઉપર બહુ દયા કરી.”

પછી બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “જીવનો સ્વભાવ એવો છે જે પંચવિષયના સુખમાં તથા મોહ-પ્રમાદમાં ચોંટી રહે છે, પણ જેવું મૂર્તિમાં સુખ છે તેવું કોઈ ઠેકાણે નથી. સર્વે સાધનનું ફળ શ્રીજીમહારાજની મૂર્તિ છે તેનું ધ્યાન કરે તો સુખમય આનંદમય ફુવારા છૂટે. આવી વસ્તુ અદ્‌ભુત મળી છે. એ વસ્તુ મળી, પણ જીવને અજ્ઞાન છે તથા મહિમાની કસર છે; શ્રદ્ધા નથી અને જેવો હીરો છે તેવો જાણ્યો નથી. જ્ઞાને સહિત મહિમા હોય તો જણાય. જેમ શ્રીજીમહારાજ દિવ્ય છે તેમ મોટા પણ દિવ્ય છે, પણ સુખભોક્તામાં સ્વામી-સેવકપણું રહે છે. મહારાજ સુખના દાતા છે અને મુક્ત સુખના ભોક્તા છે.”

પછી બોલ્યા જે, “‘વ્હાલા એ રસના ચાખણહાર, છાસ તે નવ પીએ રે લોલ.’ શ્રીજીમહારાજે પોતાના મુક્તોને કહ્યું જે, ‘તમે પૃથ્વી ઉપર જાઓ, ત્યાં તમો જેને કથા-વાર્તા કરશો, તમારા હાથની જે પ્રસાદી જમશે તે સર્વેને અમારા ધામની પ્રાપ્તિ થશે.’ પણ જીવને નાસ્તિકપણું છે તેથી કરવાનું રહી જાય છે. તે બધી વસ્તુ આ ટાણે છે, પણ મહિમામાં કસર છે તેથી તર્ક કરે જે આવું સુખ હશે કે નહિ હોય! ત્યારે મહારાજ તેને ફટફટ કરે છે. આવું મહારાજનું અને મુક્તનું સુખ છે તોય મહારાજ તથા મોટાને વિષે જીવને નાસ્તિક ભાવ રહે છે. મોટા તો જ્યાં વિચરતા હોય ત્યાં ઝાડ, પહાડ, સર્વેનાં ધન્ય ભાગ્ય કહેવાય. મહારાજ અને મોટા આપણાથી દૂર નથી. આ પંચભૂતનો દેહ ન જાણવો. મહારાજની મૂર્તિના સુખે સુખિયા થાવું હોય તો માયિક પદાર્થમાંથી પ્રીતિ ટાળી આવા મોટાનો મન, કર્મ, વચને જોગ-સમાગમ કરીએ તો સંસારરૂપી સમુદ્રમાંથી ઊગરીને ભગવાનની મૂર્તિના સુખમાં ઝટ પહોંચી જવાય ને ભારે કામ થઈ જાય. મોટાની અનુવૃત્તિમાં રહે તો ધક્કે મારીને પૂરું કરી આપે. મોટા અનાદિ દ્વારા જે સત્સંગમાં વપરાણું તે અનંતગણું થાય છે. આવો સત્સંગ જેને ઓળખાણો તેને પૂરું થઈ ગયું.”

તે ઉપર કુંભારિયાના હરજીભાઈની વાત કરીને કહ્યું જે, “આવી રીતે ઇંદ્રિયો-અંતઃકરણના ભાવ ટાળીને શ્રીજીમહારાજની મૂર્તિના સુખમાં રહેવું.”

“આ સત્સંગમાં જેટલા ગુણ-દોષ દેખાય છે તેટલું નાસ્તિકપણું છે. દિવ્યભાવ દેખાય તેટલું આસ્તિકપણું છે. આશરો એવો દૃઢ કરવો જે, મહારાજ તથા અનાદિમુક્ત તે વિના બીજે ક્યાંય પ્રતીતિ આવે જ નહિ. મહારાજના સુખમાં દૃષ્ટિ પહોંચે તો દેહ ને આત્મા જુદો પડે. જ્યારે અનુભવજ્ઞાન થાય ત્યારે સાક્ષાત્કાર થાય છે. જેમ જળમાં માછલાં રમે છે, તેમ મુક્ત મહારાજની મૂર્તિમાં રમે છે. જીવ તો પુરુષોત્તમની મૂર્તિ આગળ અસમર્થ છે, પણ જ્યારે એકતા થઈ જાય ત્યારે સમર્થ થઈ જાય. આ સભા સર્વે અક્ષરધામની છે અને મૂર્તિમાં રહેનારા અનાદિમુક્તની છે એવું ભાસે ત્યારે એમ ધારવું જે દિવ્યભાવ થયો.”

પછી એમ બોલ્યા જે, “જીવની વૃત્તિએ કરીને ભગવાન જોવા. ઇંદ્રિયો-અંતઃકરણનો પ્રતિહાર કરતાં મૂર્તિમાં જોડાવાનો પ્રયાસ કરવો નહિ પડે ને સહેજે મૂર્તિમાં વૃત્તિ રહેશે ને મૂર્તિ સળંગ ધરાશે. તે મૂર્તિ શ્વેત (તેજોમય) બે ચક્ષુની ધારવી. આભૂષણ તથા પુષ્પના હાર, બાજુબંધ વગેરે શ્વેત દિવ્ય મહારાજના અંગને વિષે છે જ એવી રીતે ધારવું, પાઘ ને છોગું પણ શ્વેત ધારવું. મૂર્તિમાં સ્થિર વૃત્તિ થાય એટલે સળંગ મૂર્તિમાં રસબસ રહીને તે મૂર્તિનું સુખ લેવું.”

“મોટા સંતનો મહિમા કેવો છે? તો મહિમાએ સહિત જે સ્પર્શ કરે છે તેને અક્ષરધામની પ્રાપ્તિ થાય છે અને હેતે સહિત જમાડી પુષ્પ-ચંદને પૂજા કરીને વસ્ત્ર ઓઢાડે છે તે છતે દેહે ભગવાનના અક્ષરધામને પામે છે. જીવ મહારાજને તથા મોટા મુક્તને સંભારે તો તરત સુખિયો થઈ જાય અને કામ-ક્રોધાદિક સર્વે ટળી જાય. માણસ પથરા ઉપર પાણી નાખીને ક્ષેત્રપાળ કરીને પૂજે છે તો આ તો સાક્ષાત્કાર પુરુષોત્તમ ભગવાન તથા તેના અનાદિમુક્ત! તોપણ માયિક જેટલો નિશ્ચય થતો નથી ને મહિમા જણાતો નથી એ કેટલું અજ્ઞાન કહેવાય!”

“રાજા અસવારી કરે ત્યારે કોઈને ભેગા કરવા ન પડે, તેમ શ્રીજીમહારાજની મૂર્તિ જ્યાં હોય ત્યાં આવું જ છે. મોટાનો ખરો સિદ્ધાંત એ છે જે જીવને ભગવાન સન્મુખ કરવા. જીવને બહુ પ્રકારના મોહ થાય છે, પણ વસ્તુવિચાર કરીને ભગવાન સન્મુખ થાય તો મોહ ટળી જાય ને ભાગવતી તનુ આવે. ભાગવતી તનુ એટલે ભગવાનના ગુણ. પુરુષોત્તમરૂપ જે સંત તેને જોગે કરીને પુરુષોત્તમરૂપ થવાય છે. પ્રથમ તો ખદ્યોત જેટલો જીવમાં પ્રકાશ હોય અને થોડે થોડે મહાતેજ જેવો થાય. પછી પુરુષોત્તમરૂપ થાય છે. જેમ અગ્નિમાં લાકડું નાખે તે અગ્નિરૂપ થઈ જાય તેવી રીતે કનિષ્ઠના જોગથી પુરુષોત્તમરૂપ થવાય નહિ. જેમ બાળકના હાથમાં લાકડું આપ્યું તે અગ્નિ તો ક્યાંય રહી જાય ને આડે-અવળે ફેંક્યું તે અગ્નિરૂપ થાય નહિ.”

“મહારાજની મૂર્તિમાં અનંત કોટિ મુક્ત સાકાર થકા સળંગ રહ્યા છે તે અનાદિની સ્થિતિ છે. અને પોતાનું સ્વરૂપ તેજોમય માનીને તે તેજના સમૂહમાં શ્રીજીમહારાજની મૂર્તિ ધારીને તે મૂર્તિ સામું જોઈ રહેવું તે એકાંતિકની સ્થિતિ છે. અને જે મૂર્તિમાન થઈને મૂર્તિની સન્મુખ રહી મૂર્તિનું સુખ લેવું તે પરમ એકાંતિકની સ્થિતિ છે.”

આવી રીતે અતિ પ્રસન્ન થકા બાપાશ્રી વાતો કરતા હતા ત્યારે લાલુભાઈ તથા હીરાભાઈએ પ્રાર્થના કરી જે, “બાપા! આપને આગબોટમાં પરિશ્રમ બહુ પડ્યો હશે, માટે સ્વામીશ્રી આદિક સર્વે તથા આપ જરા વિશ્રાંતિ લ્યો તો સારું.”

ત્યારે બાપાશ્રી કહે, “આપણે તો સદાય વિશ્રાંતિ છે. મહારાજની મૂર્તિમાં સુખ, સુખ ને સુખ જ છે, તોપણ સૌ ભલે આરામ કરે.” એમ કહી પોતે જળપાન કરી થોડીવાર શયન કર્યું. ।।૩૧।।