સંવત ૧૯૬૮ના ભાદરવા વદ-૮ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “શ્રીજીમહારાજના ભેળા આવેલા મુક્તો પોતાનો સિદ્ધાંત પાછો લઈ ગયા; કેમ કે જીવો પાત્ર નહિ, તેથી પ્રવર્તાવી શક્યા નહિ. તે સંસ્કારી જીવો આજ ફેર આવ્યા છે તે મુક્તની વાતો સત્ય માને છે. આ સમયે વખત, જોગ, સ્થાન બહુ સારાં મળ્યાં છે. આ શ્રીજીમહારાજ જેવા ભગવાન ને આવા મુક્ત તે અનંત કોટિ બ્રહ્માંડમાં ક્યાંયે નથી એવા મળ્યા છે, પણ તે ભોગવાતું નથી. જેમ ગાંડાને ધન મળ્યું હોય તે ભોગવી શકે નહિ તેમ. મોટાનો મહિમા જાણ્યા વિના સુખ ન આવે ને વિશ્વાસ પણ ન આવે.”

પછી શેદલાના પ્રાણજીવનભાઈએ કહ્યું જે, “જેમ આ લૌકિક પદાર્થ સર્વે દેખાય છે તેમ જ મહારાજ દેખાય તો જીવ મહારાજને મૂકે નહિ.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “‘આ જગ્યાએ દ્રવ્યનો ભંડાર દાટ્યો છે’ એમ કોઈક કહે તો જેને વિશ્વાસ હોય તે ખોદે તો દ્રવ્ય નીકળે.”

પછી માલણિયાદના અમીચંદભાઈએ પૂછ્યું જે, “ખોદવાની શ્રદ્ધા ન હોય તો કેમ કરે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રદ્ધા તો મહારાજ ને મોટા આપે, પણ વિશ્વાસ નથી. સુખનો ઢગલો પડ્યો છે, પણ જીવ તપાસ કરતો નથી એટલે અંતરમાં જોતો નથી જે આ વાતોમાંથી મેં કેટલી ગ્રહણ કરી. જ્યારે વાત થાય ત્યારે એમ જાણે જે આ તો બીજાને માટે થાય છે, પણ પોતાને માથે તાણી લેતો નથી. જો પોતાને માથે તાણી લે તો દોષમાત્ર નાશ થઈ જાય ને મૂર્તિનું સુખ આવે. બીજાનો લાખો રૂપિયાનો સરવાળો કરે ને પોતાના ઘરમાં રામપાત્ર હોય; તેમ બીજાને માથે નાખી દે, પણ પોતાને માથે ન લે તેને એવું થાય. ઘેલાઈમાં ચાલ્યું જાય છે. જેમ પાંચ જણ વાંકમાં આવ્યા હોય તેનો ફેંસલો થાય ત્યારે એક જણાને સંભળાવે જે, ‘તમને કેદ મળશે’; ત્યારે પાંચે જણા જાણે જે, ‘આપણે સર્વેને આવી’. તેમ એકને વાત કરતા હોઈએ તે સર્વેએ માથે લેવી, પણ બીજાને માથે નાખીને નીકળી જાવું નહિ.”

“ગૃહસ્થ હોય તેમણે તો શ્રીજીમહારાજ સુખેથી સાંભરે ને કથા, વાર્તા, ધ્યાન, ભજન, માળા, માનસી પૂજા વગેરે નિયમ બરાબર સચવાય, અને પોતાના જીવાત્માનું પરલોક સંબંધી સુખ થવાનું સાધન સુખે થાય એવી રીતે દેહનિર્વાહ જેટલો જ વ્યવહાર કરવો; પણ વ્યવહારરૂપ થઈ જવાય એવો વેગે સહિત વ્યવહાર ન કરવો. શ્રીજીમહારાજની ને મોટાની આજ્ઞા પ્રમાણે કરવો.”

“બીજું, પોતાના મોક્ષના લાભ માટે ગમે તેવી પ્રકૃતિ હોય તેને મોટાના જોગમાં રહીને ટાળવી. મહારાજની અને મોટાની આજ્ઞામાં લેશમાત્ર ફેર પડવા દેવો નહિ. એમ જાણવું જે, ‘હું જે જે ક્રિયાઓ તથા સંકલ્પ કરીશ તેને મહારાજ ને મોટા દેખે છે. તેથી મહારાજની ને મોટાની મરજી તથા આજ્ઞા વિરુદ્ધ વર્તીશ, તો તે કુરાજી થશે ને મારું બગડી જશે.’ નિરંતર એવી તપાસ રાખીને મહારાજ ને મોટા જેમ પ્રસન્ન થાય તેમ વર્તવાનો આગ્રહ રાખવો.”

“અને મોટાના આપેલા નિયમ ખબડદાર થઈને પાળવા. જો તેમાં ફેર પડે તો મોટાનું વચન પાછું જાય ને મોક્ષનો ઝાંપો વસાઈ જાય. માટે આજ્ઞા પૂરી પાળવી અને તેમાં ભૂલ પડે તો મોટાને સંભારીને તેનું પ્રાયશ્ચિત્ત કરી નાખવું. સારા-નરસા ઘાટ થાય તેને મહારાજ ને મોટા દેખે છે; એમ જાણીને પ્રાયશ્ચિત્ત કરશે તેનું પરમ કલ્યાણ થાશે. ઇંદ્રિયો જીતે તો અંતઃકરણ જીતાય છે. અને અંતઃકરણ જીતે તો ખાવા-પીવાનો ને બોલવા-ચાલવાનો ચસકો રહે નહિ. વાસનાવાળા ત્યાગી કરતાં ગૃહસ્થના ધર્મ સાચવે તે ગૃહસ્થ શ્રેષ્ઠ છે. વાસના તો બહુ ભૂંડી છે.”

“એક ગામમાં એક જણને છોકરાં જીવે નહિ. પછી પુરુષે ઠીકરામાં ખાવું એવી માતાની બાધા રાખી; તે પણ ઊભા ઊભા ખાવું. તેની સ્ત્રીએ છોકરાનું મળમૂત્ર બાર મહિના સુધી ભોંય પડવા દેવું નહિ ને બધું લૂગડામાં રાખવું ને બાર મહિને બધું માતા પાસે લઈ જવું ને પગે લગાડીને પછી લૂગડાં ધોવે ત્યારે બાધા છૂટે. પછી બાર મહિને લૂગડાનો મોટો ગાંસડો બાઈએ માથે ઉપાડ્યો ને પુરુષે છોકરાને તેડેલો ને માથે ઠીબડી; એવી રીતે ચાલ્યાં. તેને માર્ગમાં એક હરિજન મળ્યા તેમણે પૂછ્યું જે, ‘આ ગાંસડો ને ઠીબ ને આ બધું શું છે? ને ક્યાં જાઓ છો?’ પછી તેણે બધી વાત કરી. આટલો બધો દીકરા સારુ દાખડો કર્યો. તે કેવો દીકરાનો મહિમા! અજ્ઞાની જીવને એવો મહિમા નાશવંત પદાર્થનો છે. આટલો દાખડો ભગવાનને ને સંતને અર્થે કરે તો કલ્યાણમાં કાંઈ વાંધો જ ન રહે.” ।।૧૦૮।।