સંવત ૧૯૮૧ના વૈશાખ વદ-૯ને રોજ સભામાં સાધુ મુક્તજીવનદાસજીએ પૂછ્યું જે, “ઉપાસના પરિપક્વ ન થઈ હોય તો તેની શી ગતિ થાય?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જેને ભગવાનની ઉપાસના પરિપક્વ ન થઈ હોય તેને જે બ્રહ્માંડમાં ભગવાન પ્રગટ હોય ત્યાં જન્મ ધરાવીને ઉપાસના પરિપક્વ કરાવીને ધામમાં લઈ જાય છે.”

પછી બ્રહ્મચારી વૈરાગ્યાનંદજીએ પૂછ્યું જે, “કેટલાક કહે છે કે સત્સંગમાં ભગવાન હોય તો આવા ડખા કેમ થાય?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “રામ-કૃષ્ણના વખતમાં કેટલા થયા હતા? બીજા અવતારોમાં પણ કેટલાય થયા હતા અને લોહીની નદી ચાલી હતી. એ અવતારોમાં પણ ડખા થયા છે, માટે ડખા થાય તેણે કરીને ભગવાન નથી એમ ન જાણવું. જેને પરિપક્વ નિશ્ચય ન હોય તેને એવી શંકાઓ થાય. પરિપક્વ નિશ્ચયવાળો તો ભગવાનની લીલા જાણે. ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય તે ભગવાનની લીલા છે એમ જાણીને તે લીલા કહે ને સાંભળે તેનો મોક્ષ થાય. આવા તીર્થક્ષેત્રમાં શંકા કરે તે અજ્ઞાની છે.”

પછી બોલ્યા જે, “સ્વામિનારાયણ ભગવાન -શ્રીજીમહારાજ-નો મહિમા એવો છે જે એક સમયે વ્યાપકાનંદ સ્વામી કચ્છમાં પધાર્યા હતા. તેમણે શ્રીજીમહારાજને કહ્યું જે, ‘હે મહારાજ! આપ જ્યાં જ્યાં વિચર્યા છો ત્યાં ત્યાં મારે જાવું છે, પણ એ આપની પ્રસાદીનાં સ્થાન શી રીતે મારે ઓળખવાં?’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘ત્રણે અવસ્થામાં અમારી મૂર્તિ દેખાશે અને તમને અમારાં હેમના જેવાં દિવ્ય પગલાં દેખાશે.’ પછી તેમને એવી રીતે દેખાયું હતું અને આજ પણ સાચો ભાવ હોય તો દેખાય.” ।।૨૨૩।।