સંવત ૧૯૮૩ના ભાદરવા વદ-૧૩ને રોજ બપોરે સભામાં જેતલપુરનું ૪થું વચનામૃત વંચાતું હતું. તેમાં અર્જુને મચ્છ વેંધ્યો એ વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જેમ અર્જુને પક્ષીનું એકલું મસ્તક જ દેખ્યું તેમ આપણે એક મૂર્તિ જ રાખવી, પણ મૂર્તિ વિના કાંઈ છે જ નહિ એમ સમજવું. તે મૂર્તિમાંથી ઝળળળ ઝળળળ તેજ છૂટે છે તે તેજમાં મૂર્તિ રહી છે. તે મૂર્તિમાં કલ્પેકલ્પ વીતી જાય તોપણ એ સુખમાંથી બહાર અવાય જ નહિ, સદાય મૂર્તિમાં જ રહેવાય, તે ઉત્તમ સ્થિતિ છે. એ કરવા આપણે ભેળા થયા છીએ. આ ગામમાં બધાય એવા છે. એમણે તો અમને આ (ભારાસર) ગામમાં લાવવાનો પાસ મેળવ્યો છે, એટલે અતિ હેતે કરીને મહારાજનો અને મોટાનો દિવ્યભાવે મહિમા સમજ્યા છે તેથી એ સુખિયા છે. તેમના ઉપર મહારાજનો ને મોટાનો ઘણો રાજીપો છે. અમે એમના હેતને લઈને વારે વારે આવીએ છીએ. તમે સંતો પણ અમને લઈને આવો છો. અમે ન હોઈએ તો તમો આ દેશમાં કોઈના લાવ્યા પણ આવો તેમ નથી એમ અમો જાણીએ છીએ.”

પછી સાંજના ભારાસરમાં બાપાશ્રી તથા સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી એ ત્રણ સંતોને ગાડીમાં બેસારીને તે ગાડી હરિજનો તાણીને તલાવડીએ લઈ ગયા; સાથે સંત-હરિજનો ઘણા હતા. તે તલાવડીમાં બાપાશ્રી તથા સદ્‌ગુરુઓ ત્રાપેથી તરીને નાહ્યા. પછી સર્વેને નવરાવીને મળ્યા અને પાળ ઉપર બાવળની નીચે બાપાશ્રીની સર્વે સંત-હરિજનોએ ચંદન-પુષ્પ વડે પૂજા કરી. તે વખતે એ તલાવડીનું ‘ઘનશ્યામ તલાવડી’ નામ પાડ્યું અને ઘાટનું ‘પુરુષોત્તમ ઘાટ’ એ નામ પાડ્યું. પછી પ્રસાદી વહેંચીને મંદિરમાં પધાર્યા.

ત્યાં રામજીભાઈએ પ્રાર્થના કરી જે, “બાપા! ગામમાં પધારવાની દયા કરો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “કોને ઘેર જવું છે?”

ત્યારે રામજીભાઈ કહે, “બાપા! સૌ હરિભક્તો પોતાને ઘેર લઈ જવાનું કહે છે.”

ત્યારે બાપાશ્રી કહે, “ભલે, અમારી ક્યાં ના છે. અમે તો જેમ હરિભક્તો રાજી થાય તેમ કરીએ છીએ. થાકનું કે ભૂખનું પણ ગણતા નથી. અમારે તો સર્વેને દિવ્યભાવ સમજાવી મૂર્તિના સુખે સુખિયા કરવા છે, બીજો કોઈ અર્થ નથી.” એમ કહી સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું કે, “અહીંના હરિભક્તો આખા ગામમાં લઈ જવાનું કહે છે તો કેમ કરીશું?”

ત્યારે સ્વામી કહે, “બાપા! આ ગામ બધુંય મહિમાવાળું છે તેથી સૌની તાણ પૂરી કરવી જોઈએ.”

ત્યારે બાપાશ્રી કહે, “અમે અહીંના હરિભક્તોનાં હેત જાણીએ છીએ.” એમ કહીને પછી ગામમાં પધાર્યા અને ઘરોઘર ફર્યા. હરિજનોએ ચંદન-પુષ્પાદિક ઉપચારે કરીને પૂજ્યા. એમ આખું ગામ પ્રસાદીનું કરીને રાત્રે મંદિરમાં પધાર્યા.

પછી બાપાશ્રીએ બીજે દિવસે સવારમાં વહેલા ઊઠી નિત્યવિધિ કરીને વાત કરી જે, “અમે ને આ સર્વે સંત અક્ષરધામમાંથી આવ્યા છીએ. આ સંત પણ મહારાજની મૂર્તિમાં રહેનારા અનાદિમુક્ત છે. આ વાત તમે ભૂલશો મા. અમે અને સંત તમારા હેતના બાંધ્યા આવ્યા છીએ અને તમારા ઉપર બહુ રાજી છીએ.” એમ વાત કરીને સંતોને કહ્યું જે, “તમે માનકુવે જાઓ. હેત-રુચિવાળાને વાતો કરીને શાંતિ પમાડજો. અમે વૃષપુર જઈશું.”

પછી સંતો બે દિવસ માનકુવે રોકાઈ હરિભક્તોને વાતચીતે સુખિયા કરીને આસો સુદ-૧ ને રોજ સાંજના દહીંસરે આવ્યા. ત્યાં બીજે દિવસે બાપાશ્રી વૃષપુરથી ઘોડીએ બેસી આશાભાઈ સાથે સવારમાં દહીંસરે પધાર્યા. ।।૧૯।।