(સંવત ૧૯૮૩, ફાગણ વદ-૧૧) રાત્રે મેડા ઉપર આસને બાપાશ્રીએ લાલુભાઈને કહ્યું કે, “તમે સત્સંગ બહુ ખીલાવ્યો છે.”

ત્યારે લાલુભાઈ કહે, “બાપા! આ બધો શ્રીજીમહારાજનો અને આપના જેવા મહા સમર્થ અનાદિમુક્તનો પ્રતાપ છે. આપે દયા કરી છે તેથી સર્વેને શાંતિ વર્તે છે. કોઈ થાકને કે ભૂખને ગણતા નથી.”

ત્યારે બાપાશ્રી કહે, “અહીંના હરિભક્તોને હેત ઘણું છે. આવા દેશમાં રહીને આવો સત્સંગ રાખવો તે તો મહારાજ ને મોટાનો રાજીપો હોય તો જ રહે. તમે પણ દાખડા ઠીક કર્યા છે. આ હીરાભાઈ, સાંવલદાસભાઈ, અમીચંદભાઈ જેવા તથા સૌ નાના-મોટા હરિભક્તો, સોરઠવાસી કડિયા તથા કચ્છના કણબી અને વેરણિયા આદિક સર્વે કેવા નિર્માની થઈ ગયા છે! અહીં કથા-વાર્તાનું સુખ સારું છે તેથી આવા ગુણ જણાય છે. કથા, વાર્તા, ધ્યાન, ભજનનો ખટકો રાખનારા ઉપર મહારાજનો રાજીપો ઘણો થાય છે ને મોટા મુક્તની પ્રસન્નતા પણ બહુ થાય છે. મહારાજનો તથા મોટા મુક્તનો રાજીપો થયો તેનાં સર્વે સાધન પૂરાં થયાં. એમની પ્રસન્નતા થઈ એટલે એ છતે દેહે મૂર્તિના સુખમાં પહોંચી ગયો.”

“આપણે ઘેર અક્ષરધામ, શ્વેતદ્વીપ બધુંય છે. શ્વેતદ્વીપ તે શું? તો જે પાંચ વખત મહારાજ તથા મોટાને સંભારીને માનસી પૂજા કરે તેને મહારાજ પાંચ વખત દર્શન આપે છે એ શ્વેતદ્વીપ. બીજા અવતાર છે તે સર્વે મહારાજના સામર્થ્યને લઈને છે.”

“આપણને મહારાજ બહુ મોટા મળ્યા છે. એમની દયા પણ બહુ જબરી છે. તે જુઓ તો ખરા! એવડા મોટા ભગવાન તે આપણી સાથે વાતો કરે, થાળ આપે, પ્રસાદી આપે, તે કેવડી બધી દયા! મહારાજ અને મહારાજના અનાદિમુક્ત તે તો એક સંકલ્પે અક્ષરધામમાં પહોંચાડી દે છે એવા સમર્થ છે. માટે મોટા અનાદિનો જોગ કરી લેવો. મૂર્તિમાંથી અનંત પ્રકારનાં સુખ આવે છે. એ સુખ ભોગવતાં કલ્પેકલ્પ વીતી જાય, પણ એ સુખનો પાર આવે નહિ. એ રસ અદ્‌ભુત છે, તે તેમની કૃપાએ મળ્યો છે. એ સુખ આપણે ભોગવવું.”

“મહારાજ કહે છે કે, ‘અમે તો મોક્ષનો દરવાજો ઉઘાડો મૂક્યો છે, અમો ક્યાંય ગયા નથી. એવા ને એવા જ છીએ. વળી અમારા મોટા મુક્તના શબ્દ સાંભળશે, સેવા કરશે, તેમને રાજી કરશે તેનું પણ કલ્યાણ થશે.’ આ ભરતખંડમાં આવો જોગ મળ્યો છતાં આ વાત હાથ ન આવી તો મનુષ્યદેહનું શું પ્રયોજન? અનુભવજ્ઞાને કરીને મૂર્તિમાં જોડાઈ જાય તો અનંત કોટિ બ્રહ્માંડને તથા માયાને દાબીને અક્ષરધામમાં પહોંચે. જેને સ્વામિનારાયણ મળ્યા તેને આ લોકની મોટ્યપ તથા આબરૂનું કામ નથી, તેને તો મુક્તનો ખપ કરવો જોઈએ.”

“મોટા તો મૂર્તિમાં સળંગ જોડાયેલા છે. આપણે જાણીએ જે બેઠા છે, સૂતા છે; એમ ન જાણવું. સદા દિવ્યભાવ સમજવો. કલેવર દેખાય છે તે તો નિમિત્ત માત્ર છે. એવા મોટા મુક્તને વિષે દિવ્યભાવ સમજવાથી દિવ્ય થવાય છે. આપણને લાગે જે એમનો પંચભૂતનો દેહ છે તેથી જમવા જોઈએ છીએ, તો એટલો મનુષ્યભાવ આવી જાય છે; પણ મોટા તો સદાય મૂર્તિમાં જ છે, અને અનેકને મહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર કરાવે છે. ને મનુષ્ય જેવા થઈને અનેકની સેવા અંગીકાર કરે છે તે સેવા સર્વે મૂર્તિના સંબંધે દિવ્ય થઈ જાય છે. તેને એ ભક્ત પામે છે. માટે મોટા મુક્તને વિષે ક્યારેય મનુષ્યભાવ પરઠવો નહિ. મોટા તો મહારાજની પેઠે સદા દિવ્ય જ છે એટલા માટે આવા મુક્તનો જોગ મૂકવો નહિ. આવા મોટા મુક્ત ભેળું બેસવા ક્યાંથી મળે? બીજા કોણ બેસવા દે? આવા અનાદિમુક્ત મૂર્તિમાં કિલ્લોલ કરનારા તેમનાં પગરખામાં પણ આ જીવને બેસવા ન મળે. તે આપણને દયા કરીને કહે કે આવો, અહીં બેસો! આમ સર્વે અક્ષરધામના દરવાજા ઉઘાડા મૂક્યા છે એમ જાણવું અને મોટાને વિષે કોઈ રીતે મનુષ્યભાવ કલ્પવો નહિ. ‘પુરુષોત્તમ વિવાહ થયો શુભ ભરતખંડમાં આજ’ એમ આપણે એવો વિવાહ થયો છે તેથી સર્વે અભયપદ પામ્યા છે, રસબસ થયા છે.” ।।૮૫।।