સંવત ૧૯૮૩ના કારતક સુદ-૧૫ને રોજ શ્રી વૃષપુર મધ્યે સવારે સભામાં વચનામૃતની કથા વંચાતી હતી. ત્યારે પુરાણી કેશવપ્રિયદાસજીએ પૂછ્યું જેઃ- “વ્યતિરેક મૂર્તિમાં અનાદિમુક્ત રહ્યા છે તેમને બોલવા-ચાલવાનું હશે કે નહિ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “દિવ્ય મૂર્તિમાં રહ્યા તેમાં બોલવાનું- જોવાનું છે તે બધું મહારાજનું છે. એકાંતિકને વિષે પણ મહારાજ સર્વે ક્રિયા કરે છે તો અનાદિને તો કાંઈ પણ ક્રિયા હોય જ શાની? એ તો મૂર્તિના સુખમાં લુબ્ધ હોય તેથી બીજું કાંઈ કરતા જ નથી. એવી સ્થિતિ ન થઈ હોય તેનાથી મહારાજની આજ્ઞા પળતી નથી; અને આજ્ઞા પાળ્યા વિના મહારાજનો રાજીપો થતો નથી. કેટલાક તો વ્યસનમાં અને દ્રવ્યમાં આસક્ત હોય, પણ એ ખોટને ઓળખે નહિ. સત્સંગમા પચાસ-સાઠ વર્ષ થયાં હોય તોય પણ પ્રાયશ્ચિત કરે નહિ તો તેને શું સરવાળો રહે? જે માને તેને કહેવાય, પણ બીજાને ન કહેવાય. જો કહીએ તો મારે ધોકા. પહેલા ઊઠે ત્યારે ચા પીએ, પછી કરે દાતણ, પછી જાય નહાવા અને પછી કરે પૂજા.”

“અમારા ગામમાં બ્રાહ્મણ એકાદશીને દિવસે જમતો હતો, તેને કહ્યું કે, ‘આજ એકાદશી છે અને કેમ જમો છો?’ ત્યારે કહે જે, ‘ભૂલ્યા.’”

“એક વખત અમે મુળીએ ગયા હતા. ત્યારે એક માણસ દેગડું ભરીને ચા અમારી પાસે લાવ્યો અને કહ્યું જે, ‘આ બધાને પાઓ.’ ત્યારે અમે કહ્યું જે, ‘આ કોઈ પીએ તેવા નથી.’ તોપણ આગ્રહ મૂક્યો નહિ. ત્યારે અમે કહ્યું જે, ‘એવું અભરું કોણ પીએ?’ ત્યારે તે કહે જે, ‘અભરું કેમ કહો છો?’ ત્યારે અમે કહ્યું જે, ‘એમાં અશુદ્ધ વસ્તુની મેળવણી આવે છે. માટે તે સત્સંગીથી તો પીવાય જ નહિ.’ તોપણ કેટલાક ત્યાગી પીએ છે; તે બહુ ખોટું કરે છે. તેમાં મહારાજની આજ્ઞા લોપાય છે.”

પછી બોલ્યા જે, “જામનગરમાં પણ એક જણે કેટલાકને ચા પાયો હતો તે બધાને અમે ઉપવાસ કરાવ્યો. અહીં કચ્છમાં તો અમે ચાની બંધી કરી છે. અમે આગળ સત્તાવનની સાલમાં મુળીએ ગયા હતા, ત્યારે પણ મુંબઈવાળા મોતીલાલભાઈ સાલિસિટર ચા પાવા આવ્યા હતા ત્યારે પણ અમે કહ્યું જે, ‘એ ચા અમે ન પીએ.’ કેટલાક સંતો હરિભક્તોને ચા પાય છે, એ પાપ શું કરવા ઘાલતા હશે? એમાં તો કામ, ક્રોધ, લોભ, માન, એ આદિક દોષ વધે. કામરૂદેશના માણસ ઠગારા તે આવે ત્યારે પોતાની ક્રિયા કરે, એવાની વાત શું કરવી! તે વર્તમાન શું પાળતા હશે! અને શું ભક્તિ કરતા હશે! એવા આ દિવ્ય સભામાં આવીને બેઠા હોય તોપણ લાભ લઈ શકે નહિ. તમને તો અક્ષરધામમાં મહારાજની મૂર્તિમાં નિમગ્ન રાખીને મૂર્તિનું સુખ ભોગવાવે એવા અનાદિમુક્ત મળ્યા છે, તેથી તમારે તો જીતનો ડંકો વાગી ગયો છે.”

તે જ દિવસે સાંજના બાપાશ્રી નાહીને ખુરસી પર તડકે બેઠા, પછી છાતી તથા પેટ ઉપર હાથ ફેરવીને બોલ્યા જે, “હવે જુઓ! શરીર સારું થઈ ગયું જણાય છે.” એમ અતિ પ્રસન્નતા જણાવી. ।।૧૧।।